વાવનાં કોંગ્રેસનાં ધારાસભ્ય ગેનીબહેને ઘુંમટો તાળી ભાષણ આપ્યું

વાવનાં કોંગ્રેસનાં ધારાસભ્ય ગેનીબહેન ઠાકોર હંમેશા પોતાનાં નિવેદન મામલે વિવાદમાં રહે છે. અને તેમનાં નિવેદન મામલે રાજકારણ પણ ગરમાતું રહે છે. ત્યારે આવા વિવાદાસ્પદ ધારાસભ્ય ફરી એકવાર ચર્ચાસ્પદ બન્યાં છે. આ વખતે તેઓ તેમનાં નિવેદનને કારણે નહિ, પરંતુ, તેમણે એક કાર્યક્રમમાં ઘૂંઘટ તાણીને કરેલાં સંબોધનને કારણે ચર્ચામાં આવ્યાં છે.
આ અંગે વિગતો ઉપર નજર કરીએ તો વાવના ધારાસભ્ય ગેનીબહેન ઠાકોરે રવિવારે દિયોદરના કોતરવાડા ગામે એક કાર્યક્ર્મમાં હાજરી આપી હતી. જ્યાં ગેનીબહેનનું સાસરું હોવાથી સ્ટેજ પરથી લોકોને સંબોધતા કહ્યું હતું કે કુરિવાજોથી દૂર રહેવું. ત્યારે ધારાસભ્ય ગેનીબહેન ઠાકોર લાંબો ઘૂંઘટ સાથે જોવા મળ્યાં હતાં. સ્ટેજ પર અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસના આગેવાનો પણ હાજર હતા. પોતાના સાસરી વિસ્તારમાં એક ઉદ્ઘાટન કાર્યક્રમમાં આવેલા ગેનીબહેન ઠાકોર સાસરીમાં હોવાના લીધે પોતાનું સમગ્ર ભાષણ ઘૂંઘટમાં જ આપ્યું હતું. તેમનાં આ પ્રકારનાં ઘૂંઘટ તાણીને સભાને સંબોધન કરવાથી સૌને આશ્ચર્ય થયું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, આજે પણ ગુજરાત તેમ જ દેશનાં કેટલાંક ગામડાંઓમાં સાસરીપક્ષનાં સભ્યોની હાજરીમાં ઘરની વહુ ઘૂંઘટ તાણતી હોય છે ત્યારે ગેનીબહેન ઠાકોરનાં આ પ્રકારનાં વર્તનથી સાબિત થાય છે કે, આજે પણ તેઓ તેમનાં સમાજનાં રીતરિવાજને માનીને ચાલે છે.