અમદાવાદ,તા:૧૨ પરિવહન મંત્રાલય દ્વારા ટ્રાફિકને લગતા નવા નિયમ લાગુ કરવામાં આવ્યા છે, તે મુજબ દરેક વાહનચાલકે તેના નિયમો અનુસરવા પડશે. જે મુજબ લાઈસન્સ અને આરસી બુક તમારા મોબાઈલથી લિન્ક કરાવવાં પડશે. આ નિયમ દિલ્હી અને ગુજરાતમાં લાગુ કરી દેવામાં આવ્યો છે, અને તે મુજબ તમામ વાહનચાલકોએ ફરજિયાત આ પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. તબક્કાવાર હવે સમગ્ર દેશમાં આ નિયમ કડકપણે લાગુ કરવામાં આવશે.
નવાં વાહન પર હાલમાં RTO દ્વારા જ રજિસ્ટ્રેશન અને લાઈસન્સને લિન્ક કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે, તો જૂના વાહનના માલિકોએ ખુદ RTO જઈને અથવા ઓનલાઈન મોબાઈલ નંબર અપડેટ કરી લિન્ક કરાવવાનું રહેશે.
આરસીમાં ઓનલાઈન મોબાઈલ લિન્ક કરવા માટે https://parivahan.gov.in/parivahan/ પર જઈને સૌપ્રથમ લોગઈન આઈડી બનાવવું પડશે, ત્યાર બાદ રજિસ્ટ્રેશનમાં નંબરને લિન્ક કરી શકાશે. આ પ્રક્રિયામાં વાહનચાલકે રજિસ્ટ્રેશન નંબર, એન્જિન નંબર અને ચેસીસ નંબર આપવો પડશે. તો Driving license related services પર ક્લિક કરી લાઈસન્સમાં પણ મોબાઈલ નંબર લિન્ક કરી શકાશે.
કેન્દ્ર સરકાર સમયાંતરે RTOની તમામ પ્રક્રિયા ઓનલાઈન કરવાના પ્રયાસમાં છે, જેનાથી વાહનચાલકોનો સમય તો મળશે જ, સાથોસાથ ભ્રષ્ટાચાર પર પણ લગામ લગાવવામાં આવશે. આ સિવાય તમામ વાહનો, ડ્રાઈવિંગ લાઈસન્સ, મોબાઈલ નંબર સહિતનો ડેટા RTO, પોલીસ તેમજ તમામ સરકારી એજન્સીઓ પાસે પણ રહેશે, જેનાથી જરૂર પડ્યે વાહનચાલકનો સીધો સંપર્ક થઈ શકશે. આ પ્રક્રિયાથી વાહનસંબંધી ગુના પર કાબૂ લાવવાની સાથે ગુનામાં ઘટાડો પણ શક્ય બનશે. આ કારણોસર તમામ RTOને બને તેટલી ઝડપથી સંપૂર્ણપણે ઓનલાઈન કરવાનો સરકારનો પ્રયાસ છે.
હલકી ગુણવત્તાનું હેલમેટથી થઈ શકે છે દંડ
મોટર વ્હીકલ એક્ટ 2019 લાગુ થયા બાદ વાહનચાલકો નિયમોનું પાલન તો કરતા થયા છે, પરંતુ ISI માર્કા સાથેની મોંઘી લાગતી હેલમેટની ખરીદીથી તેઓ બચી રહ્યા છે. આવા લોકો 100થી 200ની કિંમતની સામાન્ય પ્લાસ્ટિકની હેલમેટ ખરીદી પોતાનું મન મનાવવાની સાથે ટ્રાફિક પોલીસની નજરથી બચવાનો પ્રયાસ તો કરી જ રહ્યા છે, પરંતુ પોતાની સુરક્ષા પ્રત્યે દુર્લક્ષ્ય પણ સેવી રહ્યા છે. પરંતુ હવે આવી પ્લાસ્ટિકની હેલમેટ પહેરી પોતાને અને પોલીસને છેતરનારા સાવધાન…
પ્લાસ્ટિકની સામાન્ય હેલમેટ પહેરનારા લોકોને હવે ટ્રાફિક પોલીસ રોકશે અને તેમની સામે કાર્યવાહી કરી આવી હેલમેટ ન વાપરવા અંગે સૂચના આપશે. નિયમ મુજબ વાહનચાલકે ફરજિયાત ISI માર્કા સાથેનું હેલમેટ પહેરવું ફરજિયાત છે, જેથી અકસ્માતની સ્થિતિમાં વ્યક્તિનો બચાવ થઈ શકે. આ નિયમમાં પુરુષ કે મહિલા વાહનચાલકની કોઈ દલીલ માન્ય રાખવામાં આવશે નહીં, જેથી હવે ચેતીને ISI માર્કાવાળી હેલમેટ જ વાહનચાલકે વાપરવી પડશે.