વાહન ચોરોને મોકળુ મેદાન, પોલીસ પરેશાન

અમદાવાદ, તા.22
સોલા પોલીસ માટે વાહન ચોરીના ગુનાઓ માથાનો દુખાવો બની ગયા છે અને તેનું મુખ્ય કારણ છે સોલા સિવિલ હોસ્પિટલના સત્તાવાળાઓની આડોડાઈ. સોલા પોલીસ સ્ટેશનની લગભગ 58 ચોરસ કિલોમીટર વિસ્તારની હદમાંથી ચાલુ વર્ષે 132 વાહનો ચોરાયા છે. ચોરી થયેલા વાહનો પૈકી 24 ટકા એટલે કે, 32 વાહનો માત્ર અડધો કિમીની હદમાં આવેલી સોલા સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી ચોરાયા છે. સોલા સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડની ગેરહાજરી અને ચારેક મહિનાથી બંધ પડેલા સીસીટીવી કેમેરા મુખ્ય રીતે કારણભૂત છે. ગોતા બ્રિજના છેડે આવેલા અમપાના પબ્લિક પાર્કિંગમાંથી પણ ચાલુ વર્ષે 16 ટુ વ્હિલર ચોરાઈ ગયા છે. અહીં પણ સુરક્ષા વ્યવસ્થાના અભાવે જ ચોરીની ઉપરાછાપરી ઘટનાઓ બને છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં અમદાવાદ શહેરમાં વાહન ચોરીના બનાવોમાં વધારો થયો છે. ખાસ કરીને સિક્યુરિટી ગાર્ડ અને સીસીટીવી કેમેરા ના હોય તેવા વિસ્તાર અથવા તો પ્લોટમાંથી મોટાભાગે વાહન ચોરી થાય છે. આવા જ કેટલાક સ્થળોના કારણે સોલા પોલીસ પરેશાન થઈ ગઈ છે. આવા સ્થળોમાં મોખરે છે સોલા સિવિલ હોસ્પિટલ. સોલા સિવિલ હોસ્પિટલમાં કુલ 16 કેમેરા સુરક્ષા વ્યવસ્થા માટે લગાવવામાં આવ્યા છે. જે પૈકી માત્ર બે જ કેમેરા ચાલુ છે. બીજી તરફ હોસ્પિટલ કમ્પાઉન્ડ અને ગેટ પર સિક્યુરિટી ગાર્ડની ગેરહાજરી. આ તમામ બાબતો તસ્કરોને વાહન ચોરી કરવા માટે મોકળુ મેદાન પૂરૂ પાડે છે. ચાલુ વર્ષે તસ્કરો સોલા સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં પાર્ક કરેલા 20 ટુ વ્હિલર અને 12 ઓટોરિક્ષા ચોરી ગયા છે.

અજાણ્યા શખ્સો ક્યાંથી અને કેવી રીતે આવી વાહન ચોરી જાય છે તે જાણવા માટે સોલા પોલીસ ચારેક મહિના પહેલા સિવિલ હોસ્પિટલમાં પહોંચી ત્યારે તેમને જાણવા મળ્યું કે, 16 પૈકી માત્ર બે કેમેરા જ ચાલુ હાલતમાં છે અને જે ચાલુ હાલતમાં છે તેનું રેકોર્ડીંગ કોઈ કામનું નથી. સોલા પોલીસ સ્ટેશનના અધિકારીઓ હોસ્પિટલ સત્તાવાળાઓને તાત્કાલિક કેમેરા ચાલુ કરાવવા તેમજ સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરવા જણાવ્યું હતું. જો કે, શેઠની શિખામણ ઝાંપા સુધી એમ પોલીસની સલાહને હોસ્પિટલ સત્તાવાળાઓ સતત અવગણતા રહ્યા છે.

ગોતા બ્રિજના છેડે અમદાવાદ મહાનગર પાલિકાના પબ્લિક પાર્કિંગમાં કોઈ સિક્યુરિટી ગાર્ડ કે કેમેરા નહીં હોવાના કારણે તસ્કરોને મોજ પડી ગઈ છે. ચાલુ વર્ષે 16 ટુ વ્હિલર ચોરાયા છે.

સોલા સિવિલ અને ગોતાના પબ્લિક પાર્કિંગની જેમ કારગીલ પંપ પાસેના પ્લોટમાંથી પણ વાહનો ચોરાતા હતા. ત્રણ મહિના પહેલા કારગીલ પંપ પાસેના પ્લોટ પર પે એન્ડ પાર્ક શરૂ કરી દેવાતા વાહન ચોરીઓ અટકી ગઈ છે.

ગેટ પર લાગેલો કેમેરો તૂટેલી હાલતમાં

સોલા સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર કેન્દ્ર તરફ જવા માટેના ગેટ પર અંદર બહાર એમ બે કેમેરા લગાવવામાં આવ્યા હતા. જે પૈકી અંદરની તરફનો કેમેરો બંધ હાલતમાં છે. જ્યારે બહારની તરફ લાગેલો મોટો કેમેરો તૂટેલી હાલતમાં લટકતો જોવા મળે છે. છેલ્લા કેટલાય મહિનાઓથી કેમેરા આ સ્થિતિમાં જોવા મળે છે,

હોસ્પિટલમાં સીસીટીવી સર્વેલન્સની નોટિસનું પાટીયું

સોલા સિવિલમાં લાગેલા લગભગ તમામ સીસીટીવી કેંમેરા મહિનાઓથી બંધ હાલતમાં છે, પરંતુ ગેટ ઉપર નોટિસનું પાટીયું ઝૂલે છે. જેમાં અંગ્રેજીમાં લખવામાં આવ્યું છે કે, ધીસ પ્રિમાઈસીસ આર અંડર સીસીટીવી સર્વેલન્સ એટલે કે, આ વિસ્તાર સીસીટીવીની નજર હેઠળ છે.

હોસ્પિટલ સત્તાવાળાઓને પોલીસે નોટિસ ફટકારી

સોલા સિવિલ હોસ્પિટલના સત્તાવાળાઓને અનેક વખત સીસીટીવી કેમેરા ચાલુ કરાવવા તેમજ સિક્યુરિટી ગાર્ડ ગોઠવવા માટે પોલીસ તરફથી જાણ કરવામાં આવી હતી. જો કે, પોલીસની સલાહને નજરઅંદાજ કરનારા હોસ્પિટલ સત્તાવાળાઓને નોટિસ ફટકારી તમામ બાબતોનો અમલ કરવા કહેવામાં આવ્યું છે. જો આમ નહીં કરવામાં આવે તો કાયદેસરના પગલાં લેવાની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

વર્ષ ચોરી થયેલા વાહનો
2019 132
2018 136
2017 135
2016 93
2015 77

ડીસીપી અને પીએસઆઈને બહાર બેસાડી રાખ્યા હતા

સોલા સિવિલ હોસ્પિટલના સત્તાવાળાઓ એટલી હદે તૂંડ મિજાજી છે કે, પોલીસ અધિકારીઓને પણ નથી ગાંઠતા. વાહન ચોરીની ઘટનાઓના પગલે થોડાક સપ્તાહ અગાઉ ઔપચારિક મુલાકાત માટે ગયેલા ડીસીપીને હોસ્પિટલના સત્તાવાળાઓએ બહાર બેસાડી રાખ્યા હતા. આવો જ અનુભવ સોલાના એક પીએસઆઈવ અને તેમના સ્ટાફને પણ થઈ ચૂક્યો છે.

બે સ્થળો પરથી 36 ટકા વાહનો ચોરાય છે

સોલા પોલીસ સ્ટેશનની હદમાં આવતા એસ.જી.હાઈ-વે પર આવેલી સોલા સિવિલ હોસ્પિટલ અને ગોતા બ્રિજ પાસેના પબ્લિક પાર્કિગમાંથી ચાલુ વર્ષે 36 ટુ વ્હિલર અને 12 ઓટોરિક્ષા ચોરાઈ છે. એટલે કે, ચાલુ વર્ષે સોલા પોલીસ સ્ટેશનની હદમાંથી ચોરાયેલા 132 વાહનો પૈકી 36 ટકા વાહનો આ બંને સ્થળો પરથી ઉપડી ગયા છે.