અમદાવાદ,તા:૨
વાહન વેચવા પહેલાં સાવધાન રહેજો. તમારું વાહન વેચવા સાથે ટ્રાન્સફર કરાવવું ખૂબ જરૂરી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં હજારો વાહનો હાલમાં પણ ટ્રાન્સફર થયા વિના જ ફરી રહ્યાં છે. આવામાં જો વાહનનો અકસ્માત થાય અથવા વાહનથી કોઈ ગુનાઈત પ્રવૃત્તિ થાય તો મૂળ માલિક જ તેના જવાબદાર ઠરે છે, અને તેના નામે જ સમન્સ ઈશ્યૂ થાય છે.
આળસ અથવા અન્ય કારણોસર વાહન વેચવા છતાં તેનું નામ ટ્રાન્સફર કરાવવામાં આવતું ન હોવાના અનેક કિસ્સા આપણે જોયા છે, તેવામાં RTO રેકર્ડમાં જૂના માલિકનું નામ જ બોલતું હોવાના કારણે વાહનને લગતા કોઈપણ ગુનામાં મૂળ માલિકની જ જવાબદારી બને છે. આવામાં વાહન ટ્રાન્સફર થયું છે કે નહીં તે ચેક કરાવી લેવું જરૂરી બને છે, અને જો ન થયું હોય તો તેની તજવીજ તાત્કાલિક હાથ ધરવી જોઈએ.
આવા કિસ્સામાં RTO દ્વારા આ અંગે જનજાગૃતિ લાવવામાં આવે તેવી માગણી ઊઠી રહી છે. અન્ય રાજ્યમાં જ્યારે વાહન વેચવામાં આવે છે તેવા તબક્કામાં નવો માલિક જાણી જોઈને નામ ટ્રાન્સફર કરાવતો હોતો નથી, જેથી તેને ટેક્સ અને RTO ટેક્સ ભરવો પડતો નથી. આવા વાહનનો જ્યારે અકસ્માત થાય છે અથવા કોઈ અન્ય ગુનાઈત પ્રવૃત્તિ આચરવામાં આવે છે, અને જો મૂળ માલિકની હયાતી ન હોય તો તેના પરિવારને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. નામ ટ્રાન્સફર કરાવવાની પ્રક્રિયા માત્ર 200થી 300 રૂપિયામાં અને બેથઈ ત્રણ દિવસની કાર્યવાહી બાદ પૂર્ણ થતી હોવા છતાં આ લાપરવાહી સુપ્રીમ કોર્ટના કાયદાનું ઉલ્લંઘન કરનારી છે.