વિસનગર, તા.૨૫
વિસનગર શહેરના સવાલા દરવાજા વિસ્તારમાં મંગળવારે ઘરેથી રમતી રમતી છુટી પડી ગયેલી સાડા ત્રણ વર્ષની બાળકીને રિક્ષાચાલક પોલીસ મથકે લાવ્યા બાદ પોલીસે સોશિયલ મીડિયામાં વહેતા કરેલો ફોટો જોઇ પરિવાર પોલીસ મથકે દોડી આવ્યો હતો. પોલીસે પૂરતી ખરાઇ બાદ બાળકી પરિવારને સોંપી હતી.
શહેરના સવાલા દરવાજા વિસ્તારમાં મંગળવારના રોજ સાડા ત્રણ વર્ષની બાળકી રડતી હોવાથી રિક્ષા લઇને ફરતા અમિતકુમાર વિષ્ણુભાઇ કડિયાના નજરે આવતાં વિષ્ણુભાઇ આ બાળકીને લઇ શહેર પોલીસ મથકે આવ્યા હતા. પોલીસે બાળકીના પરિવારને શોધવા માટે વોટસઅપ સહિતના સોશિયલ મીડિયાનો ઉપયોગ તેમજ આજુબાજુ તપાસ કરી હતી.
જેમાં તેમના પરિવારજનોને જાણ થતાં બાળકીના પિતા રાઠોડ મુકેશભાઇ સિયારામ પોલીસ મથકે આવી તેમની દીકરી ગોપીને ઓળખી બતાવી હતી. શહેર પોલીસે જરૂરી તપાસ બાદ પિતાને તેમની દીકરી સોંપી હતી. જેમાં બાળકીનું ઘર સવાલા દરવાજાથી થોડેક દૂર આવેલી હોવાથી રમતાં રમતાં સવાલા પીકઅપ સ્ટેન્ડ પાસે આવી ગઇ હોવાથી ઘર તરફનો રસ્તો ભૂલી ગઇ હોવાનું જાણવા મળ્યું હતું.