વિજચેકિંગમાં ગયેલા નાયબ ઈજનેરને વાવના ઉમેદપુરાના સરપંચે માર માર્યો, બે સામે ગુનો

પાલનપુર, તા.29 

વાવના ઉમેદપુરા ગામે વિજ જોડાણ ચેક કરી પરત ફરતી યુજીવીસીએલની ટીમને નવા બની રહેલા એક ઘરમાં વિજ ચોરી કરાઇ હોવાનો શક જતા ટીમ તે ઘર તરફ તપાસમા જતી હતી. તે સમયે ગામના સરપંચે આવી તપાસ અટકાવી યુજીવીસીએલના નાયબ ઇજનેરને મારમારી યુજીવીસીએલની ટીમને એક ઓરડીમા પુરી દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા નાયબ ઇજનેરે સરપંચ અને તેના સાગરીત સામે માવસરી પોલીસ મથકે ફરીયાદ નોધાવી હતી.

વાવ ખાતે યુજીવીસીએલમા નાયબ ઇજનેર તરીકેની ફરજ બજાવતા પ્રવીણભાઇ ઇશ્વરભાઇ પટેલ મંગળવારે બપોરના સમયે તેમના બે સાથી કર્મીઓ સાથે ઉમેદપુરા ગામે 1 મકાનનુ વિજ જોડાણ ચેક કરવા ગયા હતા. જે ચેક કરી પરત ફરતી સમયે તેમને ઉમેદપુરા ગામ નજીક જ એક નવા બનતા મકાનમા વિજ ચોરી થતી હોવાનો શક જતા તપાસ અર્થે જતા હતા. ત્યારે ગામના સરપંચ જગદીશભાઇ નાગજીભાઇ રબારીએ વિજ ચેકીંગ કામગીરી અટકાવી હતી. એક સાગરીતે આવી અપશબ્દો બોલી નાયબ ઇજનેરને તમાચો ચોડી દીધો હતો.

સરકારી કામગીરી અટકાવી એક ઘરમા લઇ જઇ ટીમને એક ઓરડામા પુરી દઇ એક પેપર પર સહી કરાવી દીધી હતી. અને તે બાદ જો હવે અમને પુછ્યા વગર ગામમા આવ્યા તો અમદાવાદ આવીને પણ નહી છોડુ તેવી ધમકીઓ આપી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા પ્રવીણભાઇએ ઉમેદપુરા ગામના સરપંચ જગદીશભાઇ નાગજીભાઇ રબારી અને વિષ્નુભાઇ માદેવભાઇ રબારી સામે ફરીયાદ નોધાવી હતી.

નાયબ ઇજનેર પ્રવીણભાઇ પટેલ જણાવ્યું કે, સરપંચ અને તેના સાગરીતે આવો કોઇ બનાવ બન્યો નથી તેવુ સાબિત કરવા યુજીવીસીએલના ઇજનેર સહિત ટીમને સાલથી સન્માનિત કરતા હોય તેવા ફોટા પાડ્યા હતા.

ઉમેદપુરા ગામમાં PSI કે DYSP પણ મને પુછ્યા વગર આવી શકતા નથી તો કેમ તું મને પુછ્યા વગર મારા ગામમા આવ્યો, તેવુ સરપંચના સાગરીત વિષ્નુભાઇ મહાદેવભાઇ રબારીએ કહી નાયબ ઇજનેરને તમાચો માર્યો હતો.