અમદાવાદ, તા. 14
16મી સપ્ટેમ્બરથી વાહન ચાલકો પર નવા કાયદા હેઠળ દંડ શરૂ થવાનો છે. આ કાયદાઓની કેટલિક જોગવાઈઓ કેટલી ઘાતક પુરવાર થઈ શકે છે તે પુરવાર કરતા કેટલાક બનાવ સામે આવી રહ્યા છે. દ્વીચક્રી વાહન ચાલકો માટે હેલ્મેટ પહેરવાનું ફરજિયાત કરવામાં આવતા એક તરફ લોકોએ જીવ બચાવવા કરતા દંડથી બચવા હેલ્મેટની ખરીદી માટે દોડ મૂકી છે તો બીજી બાજુ હેલ્મેટની આડમાં ગુના આચરનારા હવે બેફામ બને એવા સ્પષ્ટ અણસાર તાજેતરની ઘટના પરથી મળે છે. નારણપુરાના વિજયનગરમાં શુક્રવારે રાતે રસ્તા પરથી પસાર થતી એક 12થી 15 વર્ષીય કિશોરી પર એક અજાણ્યા હેલ્મેટધારી એક્ટિવા ચાલકે બિભત્સ અડપલાં કર્યા હતા. જોકે, ફ્લેટની વચ્ચેથી પસાર થતા રસ્તા પર આ અડપલાંને ફ્લેટમાં પોતની લોબીમાં બેઠેલી બે મહિલાએ જોતા તેમણે એક્ટિવા ચાલકને પડકારતા તે નાસી ગયો હતો પરંતું કિશોરી ખૂબજ ગભરાઈ ગઈ હતી અને તરત તેના ઘરે જતી રહી હતી. જોકે, આવી ઘટનાઓમાં છોકરીઓ અને તેમના વાલીઓ પોલીસ પર વિશ્વાસના અભાવે અને આવા તત્વોના ડરે ફિરયાદ કરવાનું ટાળતાં હોય છે.
હેલ્મેટધારક યુવકે આકસ્મિક હુમલો કર્યો
શુક્રવારે રાતે સાતથી આઠ વાગ્યાના અસરસામાં 12થી 15 વર્ષની એક કિશોરી કોઈક કામે વિજયનગરના મેદાન તરફ જતા રસ્તા પરના આગળથી પસાર થઈ રહી હતી ત્યારે વિજયનગર મેદાન બહારની દૂધની કેબિનથી વિજયનગર સ્કૂલ તરફ જવાના રસ્તા પર અચાનક એક હેલ્મેટધારી એક્ટિવા ચાલકે આવીને તેની સાથે બિભસ્ત ચેડાં કરતાં કિશોરી ડઘાઈ ગઈ હતી અને તે ચોંકી ગઈ હતી. આ દરમિયાન સામેના ફ્લેટ ત્રીજા માળે ગેલેરીમાં બેઠેલા ગીતા સુભાષ પટેલ અને સોનલ અશ્વિન બ્રહ્મભટ્ટે કિશોરી સાથેની હરકતને જોતા તરત જોરથી બરાડા પાડીને એક્ટિવા સવારને પડકારતા તે બાજુની ગલીમાં ઘૂસી ગયો હતો. ગીતાબહેન અને સોનલબહેન નીચે ઊતરે તે પહેલાં તો નરાધમ શખ્સ ગલીમાંથી પાછો કિશોરી તરફ એક્ટિવા લઈને પૂર ઝડપે ધસી આવ્યો હતો પરંતુ તેના એક્ટિવાની લાઈટ જોતા સાથે જ કિશોરીએ ફ્લેટની અંદર દોડ મૂકી હતી. આ દરમિયાન હોબાળો મચતાં અન્ય કેટલાક યુવાનો પણ ઘટના સ્થળે તત્કાળ આવી પહોંચ્યા હતા અને એક્ટિવા સવારની પાછળ દોડ્યા હતા પરંતુ હેલ્મેટધારી એક્ટિવા ચાલક હવામાં ઓગળી ગયો હતો.
વાહન ચાલકે અંધારાનો લાભ લઈ હુમલો કર્યો
વિજયનગરમાં છેલ્લા કેટલાક મહિનાથી ઊંચી એલઈડી લાઈટ નાખવાનું કામ ચાલી રહ્યું છે. નવા થાંભલા તો નખાઈ ગયા છે પણ હજુ લાઈટ ચાલુ નથી થઈ. વળી જૂની લાઈટો બંધ કરી દેવાઈ હોઈ આ રસ્તા પર અંધારું રહે છે. ફ્લેટના રહેવાસીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોવાનું અહીંના રહીશોનું કહેવું છે. કેટલાક રહીશોનું તો કહેવું છે કે વિજયનગરમાં અગાઉ પણ છેડતી અને ચેઈન સ્નેચિંગના અનેક બનાવો ઉપરાંત ચોરીની ઘટનાઓ પણ વખતો વખત બની છે. પોલીસને રજૂઆત કરવા છતાં ચારે બાજુથી ખૂલ્લા રસ્તા છે ત્યારે પોલીસ આ વિસ્તારમાં રાત્રી પેટ્રોલિંગ પણ કરતી નથી. જોકે, છ-આઠ મહિના પહેલાં મોટા પ્રમાણમાં ચોરીના બનાવો બાદ પોલીસે થોડા દિવસ અહીં રાત્રે પેટ્રોલિંગ કર્યું હતું પરંતુ તે પછીથી બંધ કરી દેવાયું છે.
કિશોરી ખૂબજ ડરી ગઈ હોઈ કંઈજ બોલી ન શકી
આ ઘટનાને નજરે જોનારા અને કિશોરીને બચાવવા દોડી જનારા ગીતાબહેને કહ્યું હતું કે, આવા બનાવો વિજયનગરમાં અવાર નવાર બનતા જ રહે છે. વળી અહીંની ગલીઓ લવરમૂછિયા પ્રેમિપંખિડાઓ માટે લવગલીમાં ફેરવાઈ ગઈ છે. આને લઈને પણ અનેક વખત અહીંના રહીશોના ઝગડા પણ થાય છે. જોકે, શુક્રવારે સાંજે અમે ગેલેરીમાં બેઠા હતા ત્યારે અમારા ફ્લેટની સામે રસ્તા પરથી અચાનક એક છોકરી સાથે એક હેલ્મેટધારી એક્ટિવા ચાલક કિશોરી સાથે બિભત્સ ચેડાં કરીને નાસી રહ્યો હતો. અમે તેને પડકારતા તે પહેલાં બાજુની ગલીમાં જતો રહ્યો પણ પછી બે-ચાર મિનિટ બાદ તે ફરી ત્રાટક્યો હતો જે જોઈ કિશોરી અમારા ફ્લેટમાં ઘૂસી ગઈ હતી અને એક્ટિવા ચાલક નાસી ગયો હતો. છોકરી એ હદે ગભરાઈ ગઈ હતી કે તે ડરને લીધે તેના ઘર તરફ ભાગી ગઈ હતી.