વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે મિશન મિલીયન ટ્રીઝ વૃક્ષારોપણ કરાયું હતું. અમદાવાદમાં ગ્રીન કવરનું પ્રમાણ 4.6 ટકા છે. જે વધારીને 15 ટકા સુધી લઇ જવાશે. અમદાવાદનું ગ્રીન કવર 15 ટકા સુધી લઇ જવાનો અભિગમ એ સાચા અર્થમાં પ્રકૃતિનું જતન પુરવાર થશે. એમ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને અમપા કમિશ્નર વિજય નહેરાએ જાહેર કર્યું છે. ગયા એપ્રિલમાં જાહેર કરેલું કે 1.50 લાખ વૃક્ષો અમદાવાદમાં ઉગાડાશે જે એકાએક વધારીને હવે 10 લાખ વૃક્ષો ઉગાડવાની જાહેરાત મુખ્ય પ્રધાને કરી છે. હાલ અમદાવાદમાં વૃક્ષો છે તેમાં સીધો 165 ટકાનો વધારો થશે. 6 લાખ વૃક્ષોમાં 10 લાખનો વધારો કરીને 16 લાખ વૃક્ષો કરાશે.
આ જાહેરાત શંકાના ઘેરામાં આવીને ઊભી છે. કઈ રીતે આટલા વૃક્ષોના રોપા એક બે મહિનામાં તૈયાર કરી દેવાયા તેની વિગતો કમિશ્નરે જાહેર કરવી જોઈએ. 1986થી ભાજપના સત્તાધીશો અમદાવાદ ગ્રીન અમદાવાદનું સૂત્ર આપતાં આવ્યા છે અને મત લેતા આવ્યા છે. લાખો વૃક્ષો 33 વર્ષથી રોપતા આવ્યા હોવાનો દાવો કરે છે. પણ અમદાવાદ ગ્રીન બની શક્યું નથી.
રાજમાર્ગના ડિવાઈડરો પર આકર્ષક ફૂલો, ગુલમહોર તથા ચીની બદામ જેવા 10 લાખ વૃક્ષો રોપવાનું સસ્વપ્ન બતાવવામાં આવે છે. 10 લાખ વૃક્ષોમાંથી 50 ટકા એટલે કે 5 લાખ વૃક્ષો રોડની વચ્ચેના વિભાજન ભાગ પર ઉગાડાશે. 5 લાખ વૃક્ષો શહેરના વિવિધ વિસ્તારો, મ્યુનિ.પ્લોટો, મ્યુનિ. મિલકતો અને મ્યુનિ.શાળાઓ અને કોમ્યુનિટી હોલ વિગેરે સ્થળોએ રોપવામાં આવશે.
વૃક્ષોના દાવામાં વિસંગતતા
છેલ્લી વૃક્ષ ગણતરીમાં જાહેર કરાયું હતું કે, 7.50 લાખ વૃક્ષો હોવાનું 2012માં અમપાએ જાહેર કર્યું હતું. હવે કહે છે કે, અમદાવાદમાં 6.18 લાખ વૃક્ષો છે. તેનો મતલબ કે 1.32 લાખ વૃક્ષો 2012થી2019 સુધી કપાયા છે. 466 ચોરસ કિલોમીટરના મેગાસિટી અમદાવાદમાં શહેરના ભૌગોલિક વિસ્તારને જોતા 15 ટકા જેટલો વિસ્તાર 70 કિ.મી. વિસ્તાર ગ્રીન કવર હેઠળ હોવો જરૂરી છે. જે 4.66 ટકા એટલેકે 6.18 લાખ વૃક્ષો સાથેનું હરિયાળું આવરણ છે.
મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, અમપા કમિશ્નર વિજય નહેરા અને મેયર બિજલ પટેલે વૃક્ષોના દાવા કરેલાં છે તેમાં ભારોભાર વિસંગતતા છે.
2019ના ચોમાસામાં 1.50 લાખ વૃક્ષ રોપવામાં આવશે. એવી જાહેરાત એપ્રિલમાં કરાઈ અને પછી તે એકાએક વધારીને 10 લાખ વૃક્ષોની કરી દેવામાં આવી હતી. તો આ રોપા આવશે ક્યાંથી ?
જૂઠ પકડતી કેન્દ્ર સરકારની એજન્સી
2017માં ફોરેસ્ટ સરવે ઓફ ઈન્ડિયાએ કરેલા સરવે પ્રમાણે અમદાવાદ જિલ્લામાં 2009માં 65.12 લાખ વૃક્ષો હતા. જેની સામે 2013માં 66.41 લાખ થયા હતા અને 2017માં 51.14 લાખ વૃક્ષો હતા. આમ 4 વર્ષમાં 15 લાખ વૃક્ષો ઘટી ગયા હતા. જે ઘણી ગંભીર ઘટના છે.
કઈ જાતના કેટલાં વૃક્ષો
2012ની વન વિભાગ અને અમપાની વૃક્ષ મોજણી મુજબ અમદાવાદમાં લીમડાનાં સૌથી વધુ 1.43 લાખ વૃક્ષ હતા. આસોપાલવનાં 70,550 વૃક્ષ, કણજી 41900, ગુલમોર 40,064, દેશી બાવળ 39520, પીપળો 20,177 વૃક્ષ, પેલ્ટોફોરમ 18,965, પીપળ 13,183, સુબાવળ 14.882, ગરમાળો 16,701, વડ 9870, કરંજ 3140, નીલગીરી 4,545, અરડૂસી 4786, બદામ 6,814, સરગવો 6272, જાંબુ 2414, સપ્તપર્ણી 4601, ગાંડા બાવળ 7,526 અન્ય 92,540 વૃક્ષો છે.
વિભાગ પ્રમાણે
મધ્યઝોન 23,518, પૂર્વઝોન 75,497, પશ્ચિમ ઝોન 84,435, ઉત્તર ઝોન 60,677, દક્ષિણ ઝોન 89,863, નવા પશ્ચિમ ઝોન 84,189 છે.
પશ્ચિમ ઝોનમાં લીમડાના સૌથી વધુ 18,562 વૃક્ષ, આસોપાલવનાં 16,020, કણજીના 6,627 વૃક્ષ અને ગુલમોર 4,719 અને વડ 1715 વૃક્ષ હતાં.
નવા પશ્ચિમ ઝોનમાં લીમડાનાં 13,026, દેશી બાવળ 7,488, આસોપાલવ 7338, વડ 691 હતાં.
પ્રોજેક્ટમાં નિકંદન
બીઆરટીએસ અને મેટ્રો ટ્રેન તથા બુલેટ ટ્રેન પ્રોજેક્યરથી 10 વર્ષમાં 15 હજાર વૃક્ષો કાપી કાઢવામાં આવ્યા છે. જેની સામે દર વર્ષે સરેરાશ 1 લાખ વૃક્ષો ઉગાડવામાં આવી રહ્યાં છે તે હિસાબે 1986થી આજ સુધી ભાજપના 33 વર્ષના શાસનમાં ખરેખર તો 40 લાખ વૃક્ષો હોવા જોઈતા હતા પણ છે માત્ર 7.50 લાખ. તેનો સીધો મતલબ કે જે વૃક્ષો ઉછેરવામાં આવી રહ્યાં છે. તેમાં ખાનગી નાગરિકો પોતાના ઘરની આસપાસ ઉગાડે છે તે વૃક્ષો વધું હોય છે. અમપાએ 33 વર્ષમાં ઉછરેલા 1 લાખથી વધું નથી. જેમાં વન વિભાગના લાખો વૃક્ષો ગણવામાં આવે તો 33 વર્ષમાં 50 લાખથી વધું વૃક્ષો રોપેલા છે જેમાં બચ્યા છે માત્ર 1 લાખ વૃક્ષો જ જીવીત હોવાનું આ ગણતરીએ માની શકાય તેમ છે.
શહેરી વિસ્તારોમાં વિકાસના કામોને કારણે વૃક્ષોનો છેદ ઉડી રહ્યો છે. વૃક્ષોની સંખ્યા ઘટતી જાય છે. ત્યારે વૃક્ષોની સંખ્યામાં 20 ટકા વધારો થયો હોવાનો દાવો કરવામાં આવે છે. અમદાવાદ અને સુરતમાં વૃક્ષોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. અમદાવાદમાં સતત સિમેન્ટ ક્રોકિંટના જંગલ સર્જાતાં હોઇ વૈશ્વિક માપદંડથી અડધું પણ ગ્રીન કવર નથી.
165 ટકાનો વધારો કરવો તે અશક્ય
165 ટકાનો વધારો એક જ વર્ષમાં કરવો અશક્ય છે. હજું તો એપ્રિલ 2019માં કમિશ્નરે જાહેર કર્યું હતું. 2019ના ચોમાસામાં 1.50 લાખ વૃક્ષો ઉગાડાશે. જે એકાએક વધારીને 10 લાખ કઈ રીતે વિજય નહેરા અને વિજય રૂપાણીએ કરી દીધા તે જાહેર કરે. પ્રજાને ગેરમાર્ગે દોરવાનું બંધ કરવું જોઈએ એવા લોકોના અભિપ્રાયો આવી રહ્યાં છે.
તો પછી મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને મેયર બિજલ પટેલ જે કહી રહ્યાં છે તે કઈ રીતે સાચુ માની શકાય ?