મહેસાણા, તા.૦8
વિજાપુર સ્થિત નાગરિક સહકારી બેન્કમાં ચુંટાયેલા એક ડિરેક્ટરોને રવિવારે મળેલી બેન્કની સાધારણસભામાં તેમના હોદ્દા પરથી દૂર કરવાનો નિર્ણય કરાયો હતો. જેમાં કથિત હવાલાને મુદ્દો બનાવી બેન્કની ઈમેજને નુકશાન પહોંચાડયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જ્યારે અન્ય એક ડિરેક્ટરે અગાઉ આપેલા રાજીનામાને મંજૂર કરવામાં આવ્યું હતું.
વર્ષ ૨૦૧૬માં વિજાપુર નાગરિક સહકારી બેન્કના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચુંટણી યોજવામાં આવી હતી. જેમાં વિકાસ પેનલના ૧૧ ડિરેક્ટરો ચુંટાઈ આવ્યા હતા અને બેન્કમાં સત્તાના સુત્રો હસ્તગત કર્યા હતા. તાજેતરમાં બેન્કમાં થયેલા કથિત હવાલાના મામલે બેન્કના ડિરેક્ટર હિતેષ પુરોહિતે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા સમક્ષ રજૂઆત કરતાં વિવાદ સર્જાયો હતો. દરમિયાન રવિવારે વિજાપુર નાગરિક બેન્કની વાર્ષિક સાધારણસભા યોજાઈ હતી. જેમાં બેન્કના સત્તાધીશો દ્વારા બેન્કને કોઈ નુકશાન થયું ન હોવાનો ઉલ્લેખ કરીને કથિત હવાલાને મુદ્દો બનાવી બેન્કની ઈમેજને નુકશાન કર્યું હોવાનો આક્ષેપ કરાયો હતો. આ મામલે આરબીઆઈમાં ફરિયાદ કરનાર બેન્કના ડિરેક્ટર પુરોહિતને તેમના પદેથી દૂર કરવાનો બહુમતીથી નિર્ણય કરવામાં આવ્યો હતો. સસ્પેન્ડ કરવામાં આવેલા ડીરેક્ટરે આ નિર્ણય સામે ન્યાય મેળવવા કોર્ટમાં દાદ માંગવાનું જણાવ્યું હતું. જ્યારે નાગરિક બેન્કના ચેરમેન નટુભાઈ પટેલે જણાવ્યું હતું કે, બેન્કના ડીરેક્ટર હિતેષ પુરોહિતને સસ્પેન્ડ કરાયા છે. તેમજ અગાઉથી રાજીનામુ આપનાર ડિરેક્ટર જે.કે. પટેલનું રાજીનામું મંજૂર કરવામાં આવ્યું હતું. આમ, વિજાપુર નાગરિક બેન્ક ૧૧ ડીરેક્ટરો પૈકી બે જગ્યાઓ ખાલી પડી છે.