વિજ્ઞાન કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે. યુનિવર્સિટી દ્વારા ચાલુવર્ષે એકસાથએ સાત જેટલી સાયન્સ કોલેજોને મંજુરી આપી દેવામાં આવી છે. આ ઉપરાંત ચાલુવર્ષે ઇડબલ્યુએસ કેટેગરી લાગુ કરાતાં કુલ બેઠકોમાં ૧૦ ટકા બેઠકોનો વધારો થયો હતો. આમ, કુલ ૧૪૫૦૦ જેટલી બેઠકો માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
નવા વિદ્યાર્થીઓ ૧૬૫૨ હોવાથી કુલ ૧૦ હજાર બેઠકમાંથી આટલી જ બેઠકો ભરાશે જયારે બાકીના વિદ્યાર્થીઓ એક કોલેજ છોડીને અન્ય કોલેજમાં પ્રવેશ લેનારા હોવાથી ખાલી બેઠકોની સંખ્યામાં કોઇ ફેરફાર થાય તેમ નથી. જે ૫ હજાર વિદ્યાર્થીઓનુ રજિસ્ટ્રેશન થયુ છે તેમાં અંદાજે ૫૦૦ વિદ્યાર્થીઓ એવા છે કે જેમણે ડોક્યુમેન્ટ પણ જમા કરાવ્યા નથી છતાં તેમને મેરિટલીસ્ટમાં સમાવેશ કરી દેવાયો છે. હવે આગામી તા.૮મીના રોજ આ વિદ્યાર્થીઓને કોલેજની ફાળવણી કરી દેવામાં આવશે.
પહેલા બે રાઉન્ડના અંતે માત્ર ૪૫૦૦ જેટલી બેઠકો ભરાતાં અંદાજે ૧૦ હજાર જેટલી બેઠકો ખાલી પડી હતી. જેના કારણે પૂરક પરીક્ષાનુ પરિણામ આવ્યા બાદ તે વિદ્યાર્થીઓને પ્રવેશ માટે નવેસરથી રજિસ્ટ્રેશન કરવાની સૂચના આપવામાં આવી હતી.
આ ઉપરાંત અગાઉ જે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી ચુકયા છે તે પૈકી જે વિદ્યાર્થીઓને સ્વનિર્ભર કોલેજમાં પ્રવેશ મળ્યો હોય અને જો ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ ટ્રાન્સફર કરાવવા ઇચ્છતાં હોય તેમને પણ છેવટે આ પ્રકારની છૂટ આપવામાં આવી હતી.
ત્રીજા રાઉન્ડ માટે રજિસ્ટ્રેશન કરવાની મુદત પૂર્ણ થઇ ચુકી છે. પ્રવેશ સમિતિના સભ્યોના કહેવા પ્રમાણે ૧૬૫૨ વિદ્યાર્થીઓએ નવુ રજિસ્ટ્રેશન કરાવ્યુ છે. એટલે કે આ વિદ્યાર્થીઓએ અગાઉ કોઇ જગ્યાએ પ્રવેશ લીધો નથી અને પૂરક પરીક્ષામાં પાસ થયા બાદ રજિસ્ટ્રેશન કરાવ્યુ છે.
જયારે હાલમાં પ્રવેશ મેળવી ચુકેલા વધુ ૩૫૦૦ જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ બદલવા માટે રજિસ્ટ્રેશન કર્યુ છે. એટલે કે કુલ ૫ હજાર વિદ્યાર્થીઓએ ત્રીજા રાઉન્ડમાં ભાગ લેવા માટે તૈયારી દર્શાવી છે. પ્રવેશ સમિતિના સભ્યો કહે છે હાલમાં ૧૦ હજાર જેટલી બેઠકો ખાલી પડી છે.