વિડિયો કોનને વીજ મથક માટે આપેલી રૂ.2 હજાર કરોડની જમીન સરકારે પાછી લઈ લીધી

રાજુલા તાલુકાના ભેરાઈ, ભચાદર, ઉચૈયા એમ ત્રણ ગામોની ખેતીની જમીનો ઉદ્યોગો માટે ખરીદકરવામાં આવેલી હતી તે જમીનનો ઉપયોગ કરવામાં ન આવતાં 1400 વીઘા જમીન સરકારે પરત લઈ લીધી છે. જેની કિંમત રૂ.2000 કરોડ જેવી બજાર કિંમત પ્રમાણે થાય છે. પીપાવાવ એનર્જીપ્રા.લી. (વિડીયોકોન) પાવર પ્રોજેકટ માટે જમીન ખરીદેલી તે પ્રોજેકટ સ્‍થાપેલો નહીં હોવાથી સરકારે આ પગલું લીધી છે.

કાયદા મુજબ જમીન ખરીદારને 5 વર્ષની મુદતની અંદર જમીન પર ફેક્ટરી બનાવીને માલનું ઉત્પાદન શરૂં કરી દેવું જોઈતું હતું. પણ 8 વર્ષથી તે જમીન પડી રહી હતી. તેના ઉપર કોઈ બાંધકામ કરવામા આવ્યું ન હતું.

યોગ્‍ય તપાસ કર્યા પછી સુનાવણીની તક આપ્‍યા પછી રાજય સરકાર નક્કી કરે તેટલા વળતરની ખરીદનારને વળતર આપવામાં આવશે. જમીન તમામ બોજામાંથી મુકત થઈને સરકારની જમીન બની જશે.

5 ડિસેમ્પબર 2018ના રોજ સરકારે પત્રથી જંત્રીની કિંમત ભરપાઈ કરવા લેખિત સંમતિ 5 દિવસમાં રજૂ કરવા જણાવેલું હતું. પણ કંપનીએ તેનો જવાબ આપ્યો ન હતો. ત્યાર બાદ જમીન તપ્ત કરવામાં આવી છે.

કચ્છના દશરથ વિરજી પટેલ તથા ભગવાન જેસા રામ દ્વારા 16 માર્ચ 2017માં સરકારમાં અરજી કરી હતી કે જમીનની શરતનો ભંગ થયો છે તેથી તે જમીન પરત લેવામાં આવે.

ભચાદર ગામનાં ખાતા નં.430થી ચાલતા કુલ 62 સર્વે નંબરવાળી તેમજ ઉચૈયા ગામનાં ખાતા નં.200થી ચાલતા કુલ 32 સર્વે નંબરવાળી જમીન તથા ભેરાઈ ગામનાં ખાતા નં.513થી ચાલતા કુલ સર્વે નંબર 16 વાળી જમીનો પીપાવાવ એનર્જીપ્રા.લી. (વિડીયોકોન)નાં નામે ખરીદવામાં આવી હતી. ખેડૂતોની જમીનના 110 ટુકડાં હતા. આશરે 1400  વિઘા જમીનમાં સૌરાષ્‍ટ્ર ઘરખેડ ગણોત પતાવટ અને ખેતીની જમીન અંગેનો કાયદા મુજબ પ્રમાણપત્ર મેળવી કંપનીનાં નામે થયેલી હતી અને કેટલીક જમીનો કલેકટર અમરેલીનાં જુદા જુદા હુકમોથી બિનખેતી કરેલી હતી.

પ્રિમીયમ વસુલ કરવાપાત્ર અથવા દંડ વસુલ કરવાથી ખૂબ જ મોટુ આંકી ન શકાય તેવું નૂકશાન કંપનીને થશે જેથી પ્રમાણપત્રની મુદત એક વર્ષ માટે વધારી આપવા રજૂઆત કરેલી હતી.