અમદાવાદ,તા.09 સરદારનગરનો દારૂ કટિંગનો વીડિયો પ્રસિદ્ધ થયો હતો તે જૂનો હતો, વીડિયો વાયરલ થયાના બીજા દિવસે આરોપી બલિયાને ત્યાં રેડ પાડીને 144 વિદેશી દારૂની બોટલ કિંમત રૂ. 37 હજાર સાથે ધરપકડ કરીને તેને પાસામાં મોકલી અપાયો છે. જ્યારે અન્ય ત્રણ આરોપી ફરાર હોવાનું સરદારનગરના પોલીસ ઈન્સ્પેકટર સી. આર. જાદવે જણાવ્યુ હતું.
શહેરમાં દારૂના ધંધા માટે સરદારનગર વિસ્તાર કુખ્યાત છે. થોડા દિવસ અગાઉ સરદારનગર વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂનું કટિંગ થતું હોવાનો વીડિયો વાયરલ થયો હતો અને તેના સમાચાર અખબારમાં પણ આવ્યા હતા. આ વીડિયોમાં સરદારનગરનો કુખ્યાત બુટલેગર શ્રવણ ઉર્ફે બલિયો ઠાકોર તેમજ અન્ય શખ્સો ખુલ્લેઆમ છડેચોક રસ્તા ઉપર વિદેશી દારૂની પેટીઓ ઉતારીને તેનું ટુ વ્હીલર પર વિતરણ કરતાં હોવાનું સામે આવ્યું હતું.
આ વીડિયોના કારણે સરદારનગર પોલીસની આબરૂના લીરેલીરાં ઊડ્યાં હતા. આ ઘટનાને આજે દસેક થઈ ગયા હોવાથી આ મામલે સરદારનગર પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી તે અંગે સરદારનગર પોલીસ મથકના સિનિયર પીઆઈ સી.આર. જાદવનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેમાં પીઆઈ જાદવે જણાવ્યુ હતું કે, આ વાયરલ થયેલો વીડિયો જૂનો હોવાનું જણાયું છે. કારણ કે, આ વીડિયો સામે આવ્યાના બીજા જ દિવસે શ્રવણ ઉર્ફે બલિયો ઉર્ફે બલાજી જોરાજી ઠાકોરને ત્યાં સરદારનગર પોલીસે રેડ કરી હતી. જેમાં પોલીસે 144 વિદેશી દારૂની બોટલ મળીને રૂ. 37 હજારનો દારૂ જપ્ત કરીને આરોપી શ્રવણ ઉર્ફે બલિયા ઠાકોરની ધરપકડ કરી હતી. જ્યારે તેના સાગરીતો એવા સાવન દીદાવાલા તેનો ભાઈ નીતિન દીદાવાલા અને મંગળ નામના આરોપીઓ ફરાર થઈ ગયા હતા.
તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, બલિયાની ધરપકડ કરીને જેલ હવાલે કર્યા બાદ તેની સામે પાસાની કાર્યવાહી હાથ ધરી હતી અને બે દિવસ અગાઉ જેલમાંથી તે બહાર આવતાની સાથે તેની અટકાયત કરીને પાસા હેઠળ મોકલી અપાયો છે.
પીઆઈ જાદવે આ વીડિયો અંગે પોતાના બચાવમાં કહ્યું હતું કે, આ વીડિયો તાજેતરનો નથી, હું અહી આવ્યા પહેલાનો જણાયો છે. એટલું જ નહિ આ વીડિયોમાં જે બ્રાન્ડની પેટીઓ દેખાય છે તે પૈકીની એક પણ બોટલ બલિયા ઠાકોરના ઘરે રેડ પાડી હતી તેમાં પકડાઈ નથી.
જાદવે વધુમાં કહ્યું હતું કે, છેલ્લા આઠ મહિનામાં સરદારનગર પોલીસ દ્વારા દારૂ, જુગાર અંગેના 1600 જેટલા કેસો કર્યા છે. જેમાંથી 105 જેટલા તો ક્વોલિટી કેસ કરવામાં આવ્યા છે.
સરદારનગરમાં બલિયો અને સાવન મુખ્ય બુટલેગર
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સરદારનગરમાં મુખ્ય બુટલેગર તરીકે શ્રવણ ઉર્ફે બલિયો ઉર્ફે બલાજી જોરાજી ઠાકોર અને સાવન દીદાવાલા ગણવામાં આવે છે. આ બંને બુટલેગરો બહારના રાજ્યમાંથી વિદેશી દારૂ મંગાવીને તેનું કટિંગ કરતાં હોય છે.
મોટાભાગે રાજસ્થાનથી દારૂ આવે છે
ગુજરાતમાં વિદેશી દારૂ બહારના રાજ્યોમાંથી મંગાવવામાં આવે છે. જેમાં રાજસ્થાન, મહારાષ્ટ્ર અને હરિયાણાનો સમાવેશ થાય છે. જો કે અમદાવાદના બુટલેગરો દ્વારા મોટાભાગે રાજસ્થાનમાંથી દારૂ દારૂ મંગાવવામાં આવે છે. ત્યાર બાદ હરિયાણા અને મહારાષ્ટ્રનો ક્રમ આવે છે.