વિદ્યાર્થીઓને બૂટ અને શર્ટ પહેરીને જ કોલેજ આવવાનું ફરમાન અપાતા હોબાળો મચ્યો

અમદાવાદ, તા. 19

આંબાવાડીમાં આવેલી સરકારી પોલિટેકનિકમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને પ્રિન્સિપાલે બૂટ અને શર્ટ પહેરીને જ કોલેજોમાં આવવાની ફરજ પાડતાં ભારે હોબાળો મચી ગયો હતો. એનએસયુઆઈના કાર્યકર્તાઓએ આ મુદ્દે પ્રિન્સિપાલની ઓફિસમાં જઈને ભારે હોબાળો મચાવીને આગામી ૨૪ કલાકમાં આ પ્રકારનો નિર્ણય પાછો ખેંચવા માંગણી કરી હતી. જો પ્રિન્સિપાલ નિર્ણય પાછો ન ખેંચે તો આંદોલન કરવાની ચિમકી પણ આપવામાં આવી હતી.

આંબાવાડીમાં આવેલી સરકારી પોલિટેકનિકમાં પ્રથમ વર્ષ ડિપ્લોમા ઈજનેરીમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓએ હાલમાં અભ્યાસ શરૂ કરી દીધો છે. વિદ્યાર્થીઓ પહેલા વર્ષના જૂદી જૂદી બ્રાન્ચના ક્લાસમાં પહોંચ્યા ત્યારે કોલેજના પ્રિન્સિપાલ દ્વારા આ તમામ વિદ્યાર્થીઓને બોલાવીને કોલેજને લગતી જૂદી જૂદી સમજ આપવામાં આવી હતી. જેમાં પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને ક્લાસમાં બૂટ અને શર્ટ પહેરીને જ આવવાનો અનુરોધ કર્યો હતો. જે વિદ્યાર્થીઓ જુદા જુદા કલરના ટી-શર્ટ પહેરીને કોલેજમાં આવશે તે ચલાવી લેવામાં નહિ એવી તેવી સૂચના પણ આપી હતી. પ્રિન્સિપાલે આપેલી આ સૂચનાની જાણ કેટલાક વિદ્યાર્થીઓએ એનએસયુઆઈને કરી દીધી હતી. જેના કારણે આજે એનએસયુઆઈના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં કોલેજમાં દોડી આવ્યા હતા. આ કાર્યકર્તાઓએ પ્રિન્સિપાલ પંકજ પટેલની ઓફિસમાં ભારે હોબાળો મચાવ્યો હતો. કાર્યકર્તાઓએ એ‌વી રજૂઆત કરી હતી કે, સરકારી કોલેજમાં પ્રવેશ લેનારા તમામ વિદ્યાર્થીઓ માલેતૂજાર હોતા નથી. આ ઉપરાંત કેટલાક વિદ્યાર્થીઓ પાસે બ્રાન્ડેડ બૂટ ખરીદવાના રૂપિયા પણ હોતા નથી. આ સ્થિતિમાં ફરજિયાત બૂટ અને શર્ટ પહેરીને આવવાના ફરમાનના કારણે વિદ્યાર્થીઓએ લાચારભરી સ્થિતિમાં મુકાવવું પડે છે. તાકીદે આ પ્રકારનો ફરમાન હટાવીને કોલેજમાં જે કપડાં પહેરવા હોય તે પહેરવાની છૂટ આપવી જોઈએ તેવી માંગણી કરવામાં આવી હતી. આગામી ૨૪ કલાકમાં પ્રિન્સિપાલ પોતે જાહેર કરેલા ફરમાનને પાછુ ન ખેંચે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ એનએસયુઆઈના કાર્યકર્તાઓએ આપી હતી.

બીજીબાજુ આ મુદ્દે કોલેજના પ્રિન્સિપાલ કહે છે વિદ્યાર્થીઓને ચોક્કસ કપડાં જ પહેરવા તેવી ફરજ પાડવામાં આવી નથી. પરંતુ સેફ્ટી કોડને ધ્યાનમાં રાખીને કપડાં પહેરવા તેવી તાકીદ કરવામાં આવી છે. કારણ કે ઇજનેરીના જુદા જુદા ડિપાર્ટમેન્ટમાં પૈકી ઇલેક્ટ્રિક, મિકેનિકલ વગેરે બ્રાન્ચોમાં ગમે ત્યારે અકસ્માત થતા રહે છે. આ ઉપરાંત લેબોરેટરીમાં ગમે ત્યારે સામાન્ય આગ લાગવા જેવી ઘટનાઓ બનતી હોય છે. આ સ્થિતિમાં ટી-શર્ટ વગેરેમાં જેવા કપડામા જલદી આગ પકડતી હોવાથી સેફ્ટી પોઇન્ટથી વિદ્યાર્થીઓને આવા કપડાં ન પહેરવા તાકીદ કરવામાં આવી છે. પંરતુ કેટલાક વિદ્યાર્થીઓએ તેનો અલગ અર્થ કાઢતાં આ પ્રકારની સ્થિતિ ઊભી થઇ હતી.