વિમાનમાં સિંહ લઈ જઈ ગોરખુર ઝૂમાં બંધક રખાશે

દુનિયાભરમાં જાણીતા ગીરના સિંહોની ગર્જના હવે ઉત્તર પ્રદેશમાં પણ સંભળાશે. જૂનાગઢના શક્કરબાગ ઝૂમાંથી 8 સિંહોને ઉત્તર પ્રદેશમાં મોકલવાની સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ મંજૂરી આપી દીધી છે. જેથી 8 સિંહોને સુરક્ષિત રીતે વિમાન મારફતે ઉત્તર પ્રદેશ લઇ જવાશે. જેમાં 6 માદા અને 2 નર સિંહનો સમાવેશ થાય છે. તેમને ઉત્તર પ્રદેશમાં ગોરખપુર ઝૂ માં રાખવામાં આવશે અને અહીની જનતા હવે સિંહોને જોઇ શકશે.

છેલ્લા કેટલાક સમયથી ઉત્તર પ્રદેશમાં 11 સિંહ લઇ જવાની વાત ચાલુ હતી પરંતુ મંજૂરી ન મળતા વાત અટકી અને હવે 8 સિંહ લઇ જવાની મંજૂરી મળી છે. ઝૂ એક્સચેંજ પ્રોગ્રામ હેઠળ સિંહોને મોકલવામાં આવશે અને સામ ત્યાથી અન્ય કેટલાક પ્રાણીઓ જૂનાગઢ લાવવામાં આવશે.

5 વર્ષમાં 31 સિંહ આપી દેવાયા

સક્કરબાગ ઝૂમાં માર્ચ 2018 સુધાના 5 વર્ષમાં 11 રાજ્યો અને 2 દેશોને 41 પ્રાણી અને 7 પક્ષી આપ્યા હતા. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી સિંહ 31, દિપડા 3, શિયાળ 1, સફેદ પીઠ ગીધ 6, સફેદ મોર 6 જુદા-જુદા 17 જેટલા ઝુને આપવામાં આવ્યા છે.

ભારતનું સૌથી જુનું પ્રાણી સંગ્રહાલય

સૌરાષ્ટ્ર વિસ્તારના જુનાગઢ શહેરમાં આવેલા સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જુનાગઢ રાજ્યના નવાબના સમયમાં ઇ.સ.1863માં સ્થાપના થઇ હતી. જે ભારતના જુના પ્રાણી સંગ્રહાલયોમાનું એક છે. એશિયાઇ સિંહ માટે મુખ્ય આકર્ષણ છે. સક્કરબાગ 198 હેક્ટરમાં છે. પ્રાણીઓનું આદાન-પ્રદાન અહીંથી કરવામાં આવે છે. સિંહ અને ગીધનું સંવર્ધન કેન્દ્ર છે.

અનેક પ્રાણીઓ લવાયા જે સિંહ બરાબર નથી

સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં બારાશીંગા, હોગ ડીઅર, બ્લુ એન્ડ યેલો મકાઉ, ગોલ્ડન ફિજન્ટ, ગોરલ હરણ, બ્લેક જેકોબીન પીજીયન, રેડ જંગલ ફાઉલ, સારસ, શાહમૃગ, વરૂ, શાહૂડી, સનકૂનુર, કાલીજ ફિજન્ટ, રેડ નેક્ડ વોલાબી, આફ્રીકન કેરાકલ, માઉસ ડીઅર, કીંગ કોબ્રા, ભારતીય કાળા કાચબા, બ્લેક સ્વાન, એકલેકટસ પેરોટ, ગોફીન કોકેટુ, એમેઝોન પેરોટ, લીલા મોર, સ્કાર્લેટ મકાઉ જેવા દેશ અને વિદેશના પક્ષી-પ્રાણીઓ લાવવામાં આવ્યા છે. સક્કરબાગ ઝૂ મા સતત એનિમલ એક્ષ્ચેન્જ પોગ્રામ ચાલતો હોય છે. અહીં જે પ્રાણી લવાયા છે તે સિંહની કિંમત બરાબર નથી. ખોટનો ધંધો ગુજરાત કરે છે.

ક્યા ઝૂ માંથી લાવવામાં આવ્યા

પ્રાગ ઝુ,લંડન ઝુ, લખનૌ ઝુ, છટબીર ઝુ પંજાબ, સીલ્વાસા લાયન સફારી પાર્ક દાદરા નગર હવેલી, ઉદયપુર ઝુ રાજસ્થાન, હૈદરાબાદ ઝુ,મીની ઝુ પીપલી હરીયાણા, ઈટાવા લાયન સફારી પાર્ક, પીલીકુલા ઝુ મેંગ્લોર,જયપુર ઝુ રાજસ્થાન, માચિયા બાયોલોજી પાર્ક જોધપુર ઝુ રાજસ્થાન, મૈસુર ઝુ, પુના ઝુ મહારાષ્ટ્ર, નંદનકાનન ઝુ ભુવનેશ્વર બિહાર, ઈન્દ્રોડા નેચર પાર્ક ગાંધીનગર જેવા રાજ્યો અને દેશોમાંથી એનિમલ એક્ષ્ચેન્જ પોગ્રામ હેઠળ વિવિધ પ્રકારના પ્રાણીઓ લાવવામાં આવ્યા છે. પણ તે સક્કરબાગ ઝૂના સિંહના મૂલ્ય પ્રમાણે નથી.

35થી વધું સિંહ છે
એપ્રિલ 2017 સુધીની વિગતો પ્રમાણે  35 વધુ સિંહનો વસવાટ છે. જેમા 5 સિંહ 15 સિંહણ અને બાકીના બચ્ચાઓ છે. જે કેદ કરીને રાખવામાં આવેલા છે.