અમદાવાદઃ ગાંધીનગરમાં અને અમદાવાદમાં ખૌફનું વાતાવરણ ઊભું કરનારા સિરિયલ કિલરને આખરે આઠ મહિના બાદ ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસની તપાસમાં હત્યારો મદન એકબાદ એક ઘટસ્ફોટ કરી રહ્યો છે, જે અંતર્ગત હવે તેણે અમદાવાદના વિરાટનગર ખાતે રહેતા વિશાલ પટેલની હત્યાની કબૂલાત કરી છે.
ત્રણ લોકોને માથામાં ગોળી મારી હત્યા કરનારા મદનની લૂંટના માલ અંગેની કડકાઈથી પૂછપરછ કરતાં તેણે કબૂલ્યું હતું કે, હત્યા બાદ લૂંટ કરાયેલા માલને તે વિશાલ પટેલને વેચતો હતો. અમુક કારણોસર તેની સાથે ઝઘડો થતાં તેણે વિશાલની હત્યા કરી નાખી હતી, અને મૃતદેહને ગટરમાં ફેંકી દીધો હતો.
મદને વધુમાં કબૂલાત કરી હતી કે, ઝઘડા બાદ તેના અને વિશાલ અંગેના સંબંધ છુપાવવા અને ઓળખ ન થઈ શકે તે માટે વિશાલની કારને તેણે પેટ્રોલ છાંટી સળગાવી દીધી હતી. ઉપરાંત વિશાલની લાશને પણ ગટરમાં ફેંકી દીધી હતી. મદનના નિવેદનના આધારે પોલીસે ફાયરબ્રિગેડનો સંપર્ક સાધી ગટરમાં વિશાલના મૃતદેહને શોધવા કવાયત હાથ ધરી છે.
મદને કબૂલાત કરતાં જણાવ્યું હતું કે, મારો સ્કેચ જાહેર થતાં હું ડરી ગયો હતો અને સરખેજ ખાતે રહેવા માટે આવી ગયો હતો, જ્યાં તેણે પોતાના વાળ કપાવી મૂછ-દાઢી પણ વધારી દીધા હતા.
ઉલ્લેખનીય છે કે આરોપી મદને 3 વ્યક્તિને માથામાં ગોળી મારીને તેમની હત્યા કરી હતી, ઉપરાંત મૃતકોનાં ઘરેણાં, રોકડ રકમ અને અન્ય કીમતી ચીજવસ્તુઓ લૂંટી લીધી હતી, જેને તે મૃતક વિશાલ પટેલને વેચતો હતો.