વિવાદાસ્પદ વિપુલનો વધુ એક વિવાદ, કોર્ટ સાથે ઠગાઈ કેમ કરી ?

વિવાદ અને વિપુલ ચૌધરી એકબીજાનાં પર્યાય બની ગયાં હોય એવું લાગી રહ્યું છે. હંમેશા વિવાદોમાં રહેલા વિપુલ ચૌધરી ફરી એકવાર વિવાદમાં સપડાયાં છે. આ વખતે કોર્ટમાં પોતાનો કેન્સલ પાસપોર્ટ જમા કરાવીને કોર્ટ સાથે ઠગાઈ કરવાનો વિવાદ સામે આવ્યો છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વિપુલ ચૌધરી સામે થયેલાં કેસ મામલે કોર્ટે તેમનો પાસપોર્ટ જમા કરાવવા કહ્યું હતું, પરંતુ તેમણે પોતાનો કેન્સલ થયેલો પાસપોર્ટ જમા કરાવ્યો હતો. આ મામલે તપાસ કરતાં આ ઘટના પ્રકાશમાં આવી હતી. જે મામલે વિપુલ ચૌધરીનાં પાસપોર્ટ નિરીક્ષણ માટે અરજી કરવામાં આવી હતી. જેને કોર્ટે આજે માન્ય રાખી હતી. અને 28 જૂન સુધીમાં કોર્ટનાં નાજરની હાજરીમાં ગમે ત્યારે પાસપોર્ટનું નિરીક્ષણ કરવામાં આવશે.
વિપુલ ચૌધરીનાં પાસપોર્ટનાં નિરીક્ષણ મામલે થયેલી અરજીમાં જણાવ્યું હતું કે, તેમણે કોર્ટનાં આદેશ અનુસાર પોતાનો પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવ્યો હતો. અને તેમણે પોતાનો કેન્સલ પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવીને કોર્ટ સાથે ઠગાઈ કરી છે. ત્યારે તેમના પાસપોર્ટનું નિરીક્ષણ કરવું જરૂરી બન્યું છે. જે સંદર્ભે બન્ને પક્ષોની દલીલોનાં અંતે કોર્ટે વિપુલ ચૌધરીનાં પાસપોર્ટનાં નિરીક્ષણ માટેની અરજી માન્ય રાખી હતી. અને જો નિરીક્ષણ દરમિયાન કોર્ટમાં જમા કરાવેલો પાસપોર્ટ કેન્સલ થયેલો માલૂમ પડશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
અત્રે નોંધનીય છે કે, વિપુલ ચૌધરી ગત ઓગસ્ટ 2018માં પોતાનાં રિન્યૂ થયેલાં પાસપોર્ટ ઉપર અમેરિકાનાં પ્રવાસે ગયા હતા. ગત સપ્તાહે પણ વિપુલ ચૌધરી સહિત 22ને સાગર દાણ કૌભાંડ કેસમાં હાઈકોર્ટનો સ્ટે ન હોવા છતાં ચાર્જ ફ્રેમ અટકાવવા માટે મહેસાણા એડિશનલ ચીફ કોર્ટે ખોટી અરજી કરીને કોર્ટને ગેરમાર્ગે દોરવા બદલ દંડ ફટકાર્યો છે. વિપુલ ચૌધરી સહિત 22 જણાંએ કોર્ટમાં એક્ઝિબિટ 61થી અરજી કરીને ચાર્જ ફ્રેમ નહિ કરવાની માંગણી કરી હતી. આ ઉપરાંત અરજીમાં હાઈકોર્ટનો સ્ટે ન હોવા છતાં પણ સ્ટે હોવાનો ઉલ્લેખ કર્યો હતો.