રાજ્યના પ્રવાસન ઉદ્યોગને વેગવંતો બનાવવા સરકારે મોટા ઉપાડે સ્ટેચ્યૂ ઓફ યૂનિટીનું લોકાર્પણ કર્યું. 2018 સુધીમાં આ સ્ટેચ્યૂને જોવા આવનારા પ્રવાસીઓની સંખ્યા 26 લાખ થઈ ગઈ છે. પરંતુ સરકારનો વિદેશી પ્રવાસીઓને આકર્ષવાનો હેતુ બર આવ્યો નથી. એની પાછળ મુખ્ય કારણ એવું છે કે, વિદેશી પ્રવાસીઓને આકર્ષવા માટે જે પ્રકારનું પ્રમોશન કરવું જોઈએ તે સ્તર ઉપર કર્યું જ નથી. અત્યારસુધીમાં ખૂબ જ ઓછી સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ આવતાં રાજ્ય સરકાર અને ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા ઉધામા શરૂ કરવામાં આવ્યા છે.
2018માં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું લોકાર્પણ થયું
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર 31 ઓક્ટોબર 2018માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીનું રંગેચંગે લોકાર્પણ કરવામાં આવ્યું. જ્યારે આ સ્ટેચ્યૂનું લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારે વડાપ્રધાન મોદીએ ખુદે એવું કહ્યું હતું કે, આ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે ત્યારે તેને જોવા દેશ વિદેશમાંથી પ્રવાસીઓનો ભારે ધસારો થશે. વડાપ્રધાનના આ બોલ સાચા પડ્યા, પણ માત્ર દેશના પ્રવાસીઓ પુરતા જ તે સાચા ઠર્યા. બાકી વિદેશી પ્રવાસીઓ બહુ ઓછી સંખ્યામાં અહીં ડોકાયા છે.
ગુજરાત પ્રવાસન નીતિ
27મી સપ્ટેમ્બર 2015માં વિશ્વ પ્રવાસન દિને ગુજરાતમાં પ્રવાસનને વેગ આપવા રાજ્ય સરકારે નવી પ્રવાસન નીતિ 2015-2020 જાહેર કરી હતી. આ નીતિ અન્વયે ગુજરાત રાજ્યની સ્થાપના થયા પછી પહેલી વખત પ્રવાસન ક્ષેત્રને ઉદ્યોગનો દરજ્જો આપવાનું જાહેર કરવામાં આવ્યું હતું. આનાથી ઉદ્યોગોને મળતા તમામ લાભો હવે પ્રવાસન ક્ષેત્રને પણ મળતા થયા. એટલું જ નહીં પહેલી વખત કેપીટલ સબસીડી આપવાનો નિર્ણય રાજ્યસરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. પ્રસ્તુત પાંચ વર્ષની ઐતિહાસિક પ્રવાસન નીતિ થકી ગુજરાતને દેશના ટોચના પાંચ રાજ્યો પૈકીનું એક અગ્રણી પ્રવાસન સ્થળ તરીકેનું બ્રાન્ડિંગ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હોવાનું તત્કાલિન પ્રવાસન પ્રધાન સૌરભ પટેલે કહ્યું હતું. પરંતુ આ પ્રકારનું બ્રાન્ડિંગ કરવામાં રાજ્ય સરકાર અને ગુજરાત પ્રવાસન વિભાગ સદંતર ઉણા ઉતર્યા હોય એવું ફલિત થાય છે.
સ્ટેચ્યૂ ઓફ યૂનિટી બન્યું છતાં પ્રવાસનમાં પછાત ગુજરાત
રાજ્યમાં કેવડિયા ખાતે દેશના લોખંડી પુરૂષ સરદાર પટેલની દુનિયાની સૌથી વિશાળ પ્રતિમા સ્થાપિત કરીને રાજ્ય પ્રવાસન ક્ષેત્રે મોટું તીર મારવાની શેખી મારતી હતી. પરંતુ આ પ્રતિમાના લોકાર્પણના એક વર્ષ બાદ પણ હજુ સુધી વિદેશી પર્યટકો આ પ્રતિમાની મુલાકાતે જોઈએ એટલી સંખ્યામાં નથી આવી રહ્યા. એક અહેવાલ પ્રમાણે વર્ષ 2018માં વિદેશી પર્યટકોની મુલાકાતમાં દેશના 10 રાજ્યોમાં પણ ગુજરાતનો સમાવેશ નથી થયો. ત્યારે સરકારનું ઉદાસીન વલણ જ આ માટે જવાબદાર હોય એવું લાગી રહ્યું છે. આ અંગે પ્રવાસન વિભાગના એક ઉચ્ચ અધિકારી કહે છે કે, ગુજરાત સિવાયના અન્ય રાજ્યો અને તેમાં પણ ખાસ કરીને રાજસ્થાનમાં વિદેશી પર્યટકો મોટી સંખ્યામાં મુલાકાત લઈ રહ્યા છે, તેની પાછળ ત્યાંની સરકારે જે પ્રકારે વિવિધ પ્રવાસન સ્થળની જાળવણી કરી છે તે મુખ્ય કારણ છે. જ્યારે અહીં આપણા ગુજરાતમાં પ્રવાસન સ્થળો અનેક છે પરંતુ આપણે ત્યાં તેની જાળવણી કરવામાં સરકાર કાચી પડી રહી છે.
શું કહે છે ગુજરાત ટૂરિઝમના એમડી?
આ મામલે જ્યારે જનસત્તાએ ગુજરાત ટૂરિઝમના મેનેજિંગ ડાયરેક્ટર જેનુ દેવાનનો સંપર્ક સાધ્યો ત્યારે તેમણે કહ્યું કે, સ્ટેચ્યૂ ઓફ યૂનિટીના લોકાર્પણ કર્યા બાદ અત્યારસુધીમાં કુલ 26 લાખ જેટલા પ્રવાસીઓ તેને જોવા આવ્યા છે. વિદેશી પ્રવાસીઓ બાબતે તેઓ કબૂલે છે કે, વિદેશી પ્રવાસીઓને આકર્ષવા જે પ્રકારનું પ્રમોશન કરવું જોઈએ તે કરવામાં ક્યાંક કચાશ રહી છે. પરંતુ આગામી સમયમાં અમે વિદેશી પર્યટકો વધુને વધુ આવે તે માટે વધુ જોરશોરથી પ્રચાર કરીશું. સાથે તેમણે કહ્યું કે, એક વર્ષ દરમિયાન સ્ટેચ્યૂ ઓફ યૂનિટી ખાતે માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થઈ રહ્યા હતા. હવે ધીમે ધીમે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ થાય એ દિશામાં આગળ વધ્યા છીએ ત્યારે આગામી સમયમાં વધુને વધુ પ્રવાસીઓ અને તેમાં પણ ખાસકરીને વિદેશી પ્રવાસીઓ આવશે એવો આશાવાદ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
20 લાખ રોજગારીની તકો ઊભી ન થઈ શકી
નવી પ્રવાસન નીતિ થકી કુશળતા, જ્ઞાન અને વ્યાવસાયીકરણની સુધારણા દ્વારા વર્ષ 2025 સુધીમાં વધારાના 20 લાખ લોકો માટે રોજગારીની તકો ઊભી કરવાનો લક્ષ્યાંક પણ રાખવામાં આવ્યો હતો. આ ઉપરાંત પ્રવાસન ક્ષેત્રે 15 હજાર કરોડના સંભવિત મૂડીરોકાણો આવે તેવો અંદાજ પણ બાંધવામાં આવ્યો હતો. પરંતુ અત્યાર સુધીમાં મળતી માહિતી પ્રમાણે આ પૈકીનું એકપણ લક્ષ્યાંક રાજ્ય સરકાર હાંસલ નથી કરી શક્યું એવું એક ઉચ્ચ અધિકારીએ નામ ન લખવાની શરતે જણાવ્યું હતું.
પ્રવાસન ઉદ્યોગ દ્વારા રોજગારી ઊભી થશે
નવી પ્રવાસન નીતિના કારણે અંદાજે 20 લાખ જેટલી રોજગારી ઊભી થવાનો રાજ્ય સરકારે લક્ષ્યાંક રાખ્યો છે તે બાબતે ગુજરાત ટૂરિઝમના મેનેજિંગ ડાયરેક્ટર કહે છે, સરકારે પ્રત્યક્ષ રોજગારીની તકોની વાત નથી કરી, પરંતુ પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે પ્રકારની રોજગારીની તકો ઊભી કરવાની વાત કરી છે. આ સંજોગોમાં અત્યારસુધીમાં નવી નીતિના કારણે રાજ્યમાં પ્રવાસન ઉદ્યોગના વિકાસ માટે અંદાજે 14થી 15 હજાર કરોડનું રોકાણ થશે તેના ભાગરૂપે જે નવા પ્રવાસન ઉદ્યોગો આવી રહ્યા છે તેમાં રોજગારીની તકો ઊભી થશે.
રાજ્યના વિવિધ પ્રવાસન સ્થળો ઉપેક્ષિત
રાજ્યમાં ઘણાં પ્રવાસન સ્થળો આવેલા છે પરંતુ રાજ્ય સરકાર કે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા આ તમામ સ્થળોની ઉપેક્ષા જ કરવામાં આવી રહી હોવાનું દેખાય છે. રાજ્ય સરકાર માત્રને માત્ર ગીર અભ્યારણ્ય, સોમનાથ મંદિર અને કચ્છના રણોત્સવ જેવા વિસ્તારો પર જ ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. જ્યારે અન્ય સ્થળો જેવા કે, દ્વારકા, સાપુતારા હિલસ્ટેશન, ધોળાવીરા, લોથલ, હેરિટેજ સિટી અમદાવાદ, રાણીકી વાવ વગેરેની સતત ઉપેક્ષા જ કરાઈ રહી છે. અમદાવાદની વાત કરીએ તો યુનો દ્વારા દેશના પ્રથમ હેરિટેજ સિટી તરીકેનો દરજ્જો અમદાવાદને આપવામાં આવ્યો. પરંતુ અમદાવાદ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા આ હેરિટેજ સિટીનો દરજ્જો જેના કારણે મળ્યો છે તેવા શહેરના હેરિટેજ મકાનોની જાળવણી કરવામાં ઉણા ઉતર્યા છે. આ ઉપરાંત હેરિટેજ મકાનો ઉપરાંત રાણીકી વાવની આસપાસ ગેરકાયદે દબાણોનો રાફડો પણ પ્રવાસીઓને તેની મુલાકાત લેતા અટકાવે છે. આ ગેરકાયદે દબાણો દૂર કરવામાં અમપા કે સરકારને કોઈ રસ હોય એવું નથી લાગતું.