જીટીયુ દ્વારા દરેક સરકારી અને પ્રાઇવેટ કોલેજોને પણ એનબીએનુ જોડાણ મેળવી લેવા તાકીદ
૧૫૦મી જન્મજયંતી નિમિત્તે યુનિવર્સિટી અનેક પ્રકારના કાર્યક્રમો યોજવાની કુલપતિની જાહેરાત
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) સાથે જોડાયેલી તમામ ડિગ્રી એન્જિનિયિરંગ કોલેજોને આગામી દિવસોમાં ફરજિયાત એનબીએનુ એક્રેડીટેશન મેળવી લેવાની સૂચના આપવામાં આવી છે. વિશ્વના ૧૬૦ દેશોએ નેશનલ બોર્ડ ઓફ એક્રેડીટેશનને માન્યતા આપી છે. જે કોલેજો આ એક્રેડીટેશન નહી મેળવે તેના વિદ્યાર્થીઓને વિદેશોમાં ઉચ્ચ અભ્યાસ અથવા તો નોકરી માટે મુશ્કેલી સર્જાશે તેવી ચીમકી પણ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવી છે.
યુનિવર્સિટી સાથે જોડાયેલી ચાંદખેડાની સરકારી કોલેજમા અભ્યાસ કરીને ગલ્ફ કન્ટ્રીમાં ગયેલા એક વિદ્યાર્થીને તાજેતરમાં આ પ્રકારની મુશ્કેલી ઉભી થઇ હતી. જે સમયે આ વિદ્યાર્થી સરકારી કોલેજમાં અભ્યાસ કર્યો ત્યારે જે ડીપાર્ટમેન્ટને એનબીએની મંજુરી ન હોવાથી આ મુશ્કેલી ઉભી થઇ હતી.
યુનિવર્સિટી દ્વારા આ વિદ્યાર્થીઓની મુશ્કેલી હસ્તક્ષેપ કરીને હલ કરી દેવામાં આવી છે. આ સિવાય કુવૈત સહિતના જુદા જુદા દેશોમા ઉચ્ચ અભ્યાસ અથવા તો નોકરી કરતાં વિદ્યાર્થીઓ જે કોલેજમાં અભ્યાસ કર્યો છે તે કોલેજને એનબીએની મંજુરી છે કે નહી તેની ચકાસણી કરવામાં આવી રહી છે. જો કોલેજ આ પ્રકારની મંજુરી ધરાવતી ન હોય તો વિદ્યાર્થીને નોકરી અથવા ઉચ્ચ અભ્યાસમાંથી પરત મોકલવામાં આવી રહ્યા છે. આ સ્થિતિમાં હવે જીટીયુએ આગામી દિવસોમાં તમામ કોલેજોને વહેલામાં વહેલી તકે એનબીએની માન્યતાં મેળવી લેવા સૂચના આપી દેવામાં આવી છે. આજે જીટીયુ ખાતે આગામી દિવસોમાં ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તો યોજાનારા વિવિધ કાર્યક્રમોની જાણકારી આપતાં કુલપતિ નવીનચંદ્ર શેઠે આ પ્રકારની માહિતી આપી હતી. તેમણે કહ્યુ કે આપણે ત્યાં અનેક સરકારી કોલેજો પણ એનબીએનુ જોડાણ ધરાવતી નથી. અથવા તો કેટલીક કોલેજો માત્ર અમુક ડીપાર્ટમેન્ટ પુરતુ આ પ્રકારનુ જોડાણ ધારવતી હોય છે. પરંતુ હવે આગામી દિવસોમાં તમામ સરકારી અને પ્રાઇવેટ કોલેજોને પણ એનબીએનુ જોડાણ મેળવી લેવા સૂચના આપી દેવામાં આવી છે.
એનબીએનુ જોડાણ ધરાવતી કોલેજોને હાલમાં ૧૬૦ દેશોમાં મંજુરી આપવામાં આવી છે. હાલમા મોટાભાગની કોલેજોએ એનબીએના જોડાણ માટે દરખાસ્ત કરી દીધી છે. આગામી દિવસોમાં સરકારી સહિતની મોટાભાગની કોલેજો આ પ્રકારની એનબીએના જોડાણ મેળવી લેવામાં આવશે. આમ,હવે વિદ્યાર્થીઓએ કોલેજમાં પ્રવેશ લેતાં પહેલા પણ એનબીએનુ જોડાણ છે કે નહી તેની તકેદારી રાખવી પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે.