વિશ્વનું સૌથી મોટું બજાર કબજે કરવા ઊંઝામાં જંગ

વેપાર-વણજ – ખાસ અહેવાલ – દિલીપ પટેલ

વિશ્વનું સૌથી મોટું મસાલા બજાર ઊંઝા છે. જ્યાં એક આધુનિક મસાલા બજાર બનાવવા માટે એક વર્ષ પહેલાં સરકારે પ્રોજેક્ટ માટે બ્રાહ્મણવાડામાં જમીન આપી હતી, તેનો વિવાદ હવે શરૂ થયો છે. તેનું કારણ એ છે કે, વિશ્વના સૌથી મોટા ઊંઝાના ગંજ બજારની એપ્રિલમાં APMCની ચૂંટણી છે. ગુજરાતનું સૌથી આધુનિક મસાલા બજાર જ્યાં બનવાનું છે તે જમીનનો વિવાદ ઊભો કરીને ચૂંટણી જીતવા માટે રાજકીય ખેલ શરૂ થયો છે. એવું કહીને કે ગૌચરની જમીન સરકાર આપી રહી છે. ખરેખર તો આ ગૌચરની જમીન નથી આ જમીન 50 વર્ષ પહેલાં સરસ્વતી ડેરીને આપેલી હતી. જે ફડચામાં જતા સરકાર હસ્તક આપી હતી અને સરકારી પડતર બની હતી. પણ રાજકીય આંદોલનકારીઓ લોકોની ભાવના ભડકાવવા માટે ગૌરચની જમીન તરીકે ખપાવી રહ્યાં છે.

50 વર્ષ પહેલાના દસ્તાવેજો શું કહે છે

50 વર્ષ પહેલા બ્રાહ્મણવાડાની જમીન પર સરસ્વતી સહકારી ડેરી બનાવવા માટે મોહન હરીએ સંપાદન કરાવી હતી. પણ પછી સરસ્વતી ડેરી ફડચામાં જતાં જમીન સરકાર હસ્તક ગઈ હતી. 50 વર્ષ પહેલાં જ આ જમીન સરકારી પડતર તરીકે છે. જો ડેરી ફ઼ડચામાં ન ગઈ હોય તો અહીં મોટી ડેરી ધમધમતી હોત. બ્રાહ્મણવાડાની આ જમીન પર મહેસાણાની દૂધસાગર ડેરી બનવાની હતી. પણ પછી મહેસાણાના માનસીભાઈ દૂધસાગર ડેરીને મહેસાણા લઈ ગયા હતા.

શંકરસિંહ આ જમીન આપી દેવા માંગતા હતા

શંકરસિંહ લાઘેલાની રાજપા સરકાર હતી ત્યારે બ્રાહ્મણ વાડાની આ જમીન તેમના ખાસ માણસને આપવા માટે પ્રયાસો થયા હતા. પણ પછી તેમાં કંઈ થઈ શક્યું ન હતું.

અંદરનું રાજકારણ

એક વર્ષ પહેલાં બ્રાહ્મણવાડાની એપીએમસી બજાર માટે જમીન આપવાના આદેશ થઈ ગયા છે. તેનું પ્રિમિયમ ભરાઈ ગયું છે. છતાં હવે તેનો વિરોધ કરવાનું એક માત્ર કારણ એપીએમસીની ચૂંટણી છે. જેમાં હાલની પેનલને હરાવીને કોંગ્રેસના કેટલાંક તત્વો ઊંઝા બજાર પર કબજો કરવા માટે પ્રયાસ કરી રહ્યાં છે. જો આ ગૌચરના નામે જમીન વિવાદ ઊભો થાય તો કોંગ્રેસના ધારાસભ્ય સહિતના તેના ટેકેદારો ઊંઝા ગંજ બજાર પર કબજો મેળવી શકે તેમ છે. જેથી ભાજપની જે બોડી છે તેને હરાવી શકાય. ઊંઝા એપીએમસીમાં અત્યાર સુધી સ્વચ્છ હિસાબો રાખીને ખેડૂતોનો ટેકો મેળવીને નારણ લલ્લુ પટેલે સારી પ્રતિષ્ઠા મેળવી છે. જેને ખંડિત કરવા માટે જમીન વિવાદ ચડાવવામાં આવી રહ્યો છે.

વડાપ્રધાન પણ આવશે

બ્રાહ્મણવાડાનું અત્યંત આધુનિક બજાર અહીં બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે ભૂમિ પૂજન કરાવવા માટે પ્રયાસ થઈ રહ્યાં હતા ત્યારે જ આ વિવાદ ફરી એક વખત કૃત્રિમ રીતે બહાર કાઢવામાં આવ્યો છે. અહીં 1 લાખ ખેડૂતો ભેગા કરીને ભૂમિ પૂજન થવાનું છે. ભાજપના નારણ પટેલ અહીં એક લાખ ખેડૂતો એકઠા થાય એવા પ્રયાસો કરી રહ્યાં છે.

વિરોધીઓએ પણ બજાર માટે ટેકો આપ્યો

2017ની વિધાનસભાની ચૂંટણીમાં નારણ પટેલની સામે હતા તે લોકોને વાસ્તવિક સ્થિતીનો ખ્યાલ આવતાં તેઓ હવે એક બની ગયા છે અને નવું આધુનિક બજાર બનાવવા માટે ઊંઝા બજારને અધ્યક્ષ ગૌરાંગ પટેલ અને નારણ પટેલની સાથે સમાધાન કર્યું છે. હવે ઓટા સમાજ પણ ઊંઝા માટે મદદ કરી રહ્યો છે. જેમાં એમ. એસ. પટેલ, કા. મુ. પટેલ, દશરથ પટેલ(બજરંગ) નાગરિક બેંકના અધ્યક્ષ, નગરપાલિકાના અધ્યક્ષ, ઓટા પટેલ સમાજ, એસપીજી પ્રમુખ ભવલેશ પટેલ નારણ પટેલની તરફેણમાં આવી ગયા છે.

ગૌચરના નામે આંદોલન

સ્થાનિકોનું કહેવું છે કે, બ્રાહ્મણવાડાની કરોડો રૂપિયાની કિંમતની 52 વિઘા જમીન ફક્ત પોણા પાંચ કરોડ રૂપિયામાં એપીએમસીને આપવામાં આવી છે. 3 વર્ષ પહેલા સરકારે અંદાજે રૂ.69 કરોડ કિંમત નક્કી કરી હતી. મહેસૂલ વિભાગની આ જમીનની માંગણી ગ્રામજનો છેલ્લા 15 વર્ષથી કરી રહ્યા છે. 52 વિઘા જમીન સરકારે 2015માં રૂ.69.26 કરોડમાં ઊંઝા APMC ને આપી હતી. રકમ ન ભરી શકાતા કલેક્ટર દ્વારા 2017માં હુકમ રદ કરાયો હતો. 2018માં સરકારની નીતિ બદલાઈ પછી ફરીથી તે જમીન માંગવામાં આવી અને રૂ.4.73 કરોડની રકમ ભરી દઈને ઊંજાએ તે જમીન પર કબજો લીધો હતો.

વેપારમાં રાજકારણ

ઊંઝાનું હાલનું બજાર નાનું પડતું હોવાથી નવું આધુનિક બજાર બનાવવા માટે રાજ્ય સરકારે બાહ્રમણવાડામાં 1.21 લાખ ચોરસ મીટર જમીન આપી છે. જેને લઈને રાજકીય વિવાદ કેટલાંક રાજકીય નેતાઓએ શરૂ કર્યો છે. આ જમીન છેલ્લાં 50 વર્ષથી પડી રહી હતી. તેમાં બાવળ ઉગી નિકળ્યા છે. ઊંઝા નજીક બ્રાહ્રમણવાડામાં ગંજ બજાર બને તો ઊંઝાની જેમ બજાર બને તો ઓછામાં ઓછા 10 હજાર લોકોને નવી રોજગારી મળી શકે તેમ છે. તેમ છતાં આ જમીન ગામને પરત આપવા માટે રાજકીય વ્યકિતઓએ ઝુંબેશ શરૂ કરી છે.

અહીં ખેડૂતો માટે આધુનિક બજાર બનવાનું છે. જેમાં રોજની એક લાખ બોરી જીરૂ, ઈસબગુલ, વરાયીળી લાવી શકાશે અને તેનું ગ્રેડીંગ પણ કરી શકાય તેવા ઓટોમેટિક મશીનો હશે. ભારતમાં આવું એક પણ ન હોત એવું બજાર અહીં બનવાનું છે. પણ કેટલાંક રાજકીય વ્યાકિતોએ તેની સામે આંદોલન શરૂ કરીને પ્રસિધ્ધિ અને લાભ મેળવવા માટે ઝૂંબેશ શરૂ કરી છે. જેમાં ગામના સરપંચને આગળ ધરીને જમીન પરત આપવા માટે માંગણી કરી છે.

અદ્યતન કોલ્ડ સ્ટોરેજ બનશે

2013માં નક્કી કરાયું હતું કે આ જમીન પર ઊંઝા ગંજ બજારનું ઓટોમેટિક મશીનોથી ચાલતું બજાર તો બનશે જ પણ સાથે કોલ્ડ સ્ટોરે જ પણ બનાવવા. એપીએમસીના ચેરમેન ગૌરાંગભાઈ પટેલે આજના સમયમાં બહોળા પ્રમાણમાં ટેક્નોલોજીના ઉપયોગથી અદ્યતન કોલ્ડ સ્ટોરેજ તેમજ અન્ય જરૂરી માળખાં બનાવી આપવાની માગણી ગુજરાત ખેત ઉદ્યોગ નિગમ પાસે કરી હતી.

ઉત્તર ગુજરાત આગળ છે ગુજરાતમાં

ગુજરાતમાં ઉત્તર ગુજરાતનો કૃષિ ઉત્પાદનમાં ફાળો રાયડામાં 91 ટકા, વરિયાળી 91 ટકા, બટાકા 79 ટકા, ઈસબગુલ 76 ટકા, એરંડા 60 ટકા, આમળાં 32 ટકા, જીરું 27 ટકા, તલ 15 ટકા અને કપાસમાં 12 ટકા છે.