ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાત સરકાર દ્વારા સંચાલિત અને અનુદાનિત યુનિવર્સિટીઓના કુલપતિઓની બેઠકના અધ્યક્ષ સ્થાનેથી માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે ચારિત્ર્યવાન, સંસ્કારવાન અને દેશપ્રેમી યુવાશક્તિના ઘડતરથી જ રાષ્ટ્રનિર્માણ થઇ શકે અને આ ક્ષેત્રે વિશ્વવિદ્યાલયોની ભૂમિકા મહત્વની છે.
રાજ્યપાલ એ ઉપસ્થિત કુલપતિઓને વિશ્વવિદ્યાલયો સંસ્કાર-સંસ્કૃતિના સિંચનનું કેન્દ્ર બને તેવો અનુરોધ કરી ઉમેર્યુ હતું કે, અધ્યાપકો પોતાની જવાબદારી પ્રત્યે સમર્પણભાવ રાખી કર્તવ્યપરાયણ બને તો વિદ્યાર્થીનાં જીવનપંથને ચોક્ક્સ દિશા આપી શકાય. તેમણે જણાવ્યું હતું કે, અધ્યાપકના આચરણ-દિનચર્યા અને વર્તણૂકનો પડધો વિદ્યાર્થીના ચારિત્ર્ય ઉપર પડતો હોય છે.
યુનિવર્સિટીનાં શિક્ષણમાં વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને પાઠયક્ર્મ એમ ત્રણ આધારસ્તંભોની સજ્જતા માટે હિમાયત કરતા રાજ્યપાલએ ઉપસ્થિત કુલપતિઓને પ્રબુદ્વ બની અનુશાસનના આગ્રહી થવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યુ હતુ કે અનુસાસનબધ્ધ, ચારિત્ર્યવાન વિદ્યાર્થીઓ, સમર્પિત અને કર્તવ્યપરાયણ અધ્યાપકો તેમજ વિદ્યાર્થી અને સમાજ માટે ઉપયોગી મૂલ્યનિષ્ઠ પાઠયક્રમ દ્વારા જ વિશ્વવિધાલયો ખરા અર્થમાં સાર્થક બની શકે.
વિશ્વવિદ્યાલયો અક્ષરજ્ઞાન કે રોજગારી મેળવવાનું કેન્દ્ર નહીં પરંતુ વ્યક્તિ નિર્માણનું તીર્થ બને તેવો આગ્રહ કરતા રાજ્યપાલએ વિશ્વવિદ્યાલયોને સંસ્કાર-સંસ્કૃતિનું નિર્માણ કેન્દ્ર ગણાવ્યા હતા.
રાજ્યપાલએ યુનિવર્સિટીના સંશોધનોમાં મૌલિકતાને પ્રાધાન્ય આપી ગુણવત્તા સાથે સમાધાન નહીં કરવા આગ્રહ રાખ્યો હતો તેમણે જણાવ્યુ હતુ કે સમાજને ચિંતન-પ્રેરણા અને નૂતન વિચાર માટે પ્રેરે તેવા મૌલિક સંશોધનો ઉપર ધ્યાન કેન્દ્રીત કરવું જરૂરી છે. તેમણે વિદ્યાર્થીઓમાં વ્યસન, જંકફુડની આદત, જૂથવાદના દુષણો સાથે પણ આંગળી ચીંધી હતી. રાજ્યપાલએ કોલેજોમાં વર્ગખંડો સામે રમતના મેદાનનો પણ મહત્વ અને વિદ્યાર્થીના માતા-પિતા સાથે સમયાંતરે સંવાદ સાધવા અધ્યાપકોને અનુરોધ કર્યો હતો.