મહાશિવરાત્રીના દિવસે એટલે કે 4 માર્ચ 2019માં પાટીદારોના સંગઠન વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના વિશ્વ ઉમિયાધામનું ભૂમિપૂજન છે, જેમાં નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેનો વિરોધ થઈ રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ – ચાર વર્ષથી ભાજપને કઠણાઈ બેઠી છે. ભાજપનો ગુજરાતમાં વિરોધ વધી રહ્યો છે. માંડ માંડ વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ હવે લોકસભાની ચૂંટણીમાં ભાજપ માટે કપરા ચડાણ છે. ભાજપના નેતા સી કે પટેલ દ્વારા આ સંસ્થાનો ગુજરાત ભરમાં રથ ફેરવવામાં આવ્યો છે. તેઓ આ કોમ્પ્લેક્ષના નિર્માણકર્તા છે. તેમની સામે પણ વિરોધ થયો હતો કે આ ધાર્મિક સંસ્થા છે અને તેમાં માત્ર ભાજપના જ નેતાઓને કેમ બોલાવો છો. એન સીપી કે કોંગ્રેસ કે બીજા કોઈ નેતાઓને કેમ બોલાવવામાં આવતાં નથી. શું ભાજપ ઉમિયા મંદિરના નામે જ મત મેળવવા માંગે છે. પહેલા પાટીદાર બહેનોને પોલીસ દ્વારા માર મારીને અભદ્ર વર્તન કર્યું અને લાઠીઓ ફટકારી તે અંગે મોદી પાસે ન્યાય માંગવામાં આવે પછી ફાઉન્ડેશની તે ઈંટ મૂકે.
વિધાનસભા ચૂંટણીના એક વર્ષ અગાઉ સુરતના મોટા વરાછા અબ્રામા રોડ ખાતે પાટીદારોના એક કાર્યક્રમમાં અમિત શાહ હાજર રહેતા લોકોએ જનરલ ડાયર હાય હાયના નારા લગાવ્યા હતાં અને ભારે વિરોધ કર્યો હતો. તોડફોડ કરી હતી. અમિત શાહ અને ભાજપનો મોટો ફજેતો થયો હતો. જો કે ભાજપ આગળ જતાં વિધાનસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના નામ અને મહેનત પર જીતી ગયો હતો. નરેન્દ્ર મોદીએ પાટીદારોને વર્ષ ૨૦૧૫ માં જ અમેરિકા મુલાકાત દરમિયાન ન્યાય અપાવવાનું કહ્યું હતું પણ હજુસુધી આ અંગે કોઈ પગલા ભરવામાં આવ્યા નથી.
પાટીદારોની અમુક સંસ્થાઓએ આ નિર્ણયનો વિરોધ કર્યો છે તો હાર્દિક પટેલે પણ આ અંગે એક પત્ર લખ્યો છે. સૌ કોઈ પ્રશ્નો પૂછી રહ્યા છે કે સમાજના કાર્યક્રમમાં રાજકારણીઓને જોડવાનું કારણ શું ? તો પાટીદારો ભાજપથી નારાજ છે અને તેવામાં નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવાથી સમાજનો એક મોટો હિસ્સો વિરોધમાં છે.
વિરોધ કરશે તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી રહી છે, ત્યારે જો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં જ તેમનો વિરોધ થાય તો ભાજપ માટે ગુજરાત જ નહીં પણ દેશભરમાં ભાજપની છાપ ધોવાશે. પાટીદારો પર થયેલા અત્યાચારોમાં ન્યાય ન મળ્યો હોવાથી આ સમાજ મોદીથી નાખુશ છે. જો ગુજરાતમાં જ મોદીનો વિરોધ થાય તો સુરતમાં જે રીતે શાહ માટે થયું હતું એવું અહીં થઈ શકે છે.
ખુદ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના જ ફેસબુક પેજ પર આ અંગેની પોસ્ટમાં નીચે કમેન્ટ્સમાં આ નિર્ણયનો સંપૂર્ણ વિરોધ જોવા મળી રહ્યો છે. અનેક લોકો માંગણી કરી રહ્યા છે કે પાટીદાર સમાજમાં મોભીઓ ખૂટી પડ્યા છે ? કેશુભાઈ પટેલના હસ્તે કરાવો ભૂમિપૂજન, જેમણે વધુ દાન આપ્યું છે તેમના હસ્તે કરાવો ભૂમિપૂજન.
તો ઘણા લોકો કહી રહ્યા છે કે ચૂંટણી આવી એટલે નરેન્દ્ર મોદીને પાટીદારો યાદ આવ્યા, કોઈ પાટીદાર જોડે જ ભૂમિપૂજન કરાવવું જોઈએ, ધાર્મિક સંસ્થાઓને રાજકીય રંગ પકડાવવામાં આવી રહ્યો છે.
તો ઘણા લોકોએ સાબરકાંઠામાં ઉમિયા માતાનો રથ લઈને સોલા જઈ રહેલા પાટીદારો પર પોલીસે બેફામ લાઠીચાર્જ કર્યો હતો, ખેતરમાં દોડાવીને માર્યા હતાં અને માતાજીનો રથ પણ ડીટેઈન કરી લીધો હતો તે વાત યાદ કરાવી હતી.
તો હાર્દિક પર આંદોલન અને સમાજના નામે રાજકારણ કરતાં હોવાના આક્ષેપો કરનારા હવે મંદિરના નામે રાજકારણ કરવા લાગ્યા તેવી વાત પણ સોશિયલ મિડિયા પર કરવામાં આવી રહી છે.
આમ પાટીદારોના દાનથી, પાટીદારોની મહેનતથી બની રહેલા મંદિર અને સંસ્થાનનું ઉદ્ઘાટન કોઈ રાજકીય પક્ષ અને તેમાં પણ પાટીદારોને જે ભાજપ પ્રત્યે ગુસ્સો છે તેના જ નેતા જોડે ભૂમિપૂજન કરાવવામાં આવી રહ્યું છે ત્યારે પાટીદારો સોશિયલ મિડિયા પર રોષ વ્યક્ત કરી રહ્યા છે.
આ બધા પાછળ સી આર પટેલ છે. કોણ છે સી કે પટેલ
પૂતળા સળગાવાયા
સી. કે. પટેલના હોમ ટાઉન હિંમતનગરમાં તેમના પૂતળા સળગાવવામાં આવ્યા હતા. પાટીદાર સમાજમાં સી. કે. પટેલ સામે ભારે વિરોધ થઈ રહ્યો છે. તેમણે હાર્દિક પટેલ સામે વિવાદાસ્પદ નિવેદન કરતા પાટીદાર સમાજ તેમની સામે આવીને ઊભો હતો. તેઓ મધ્યસ્થી કરવા માટે ભાજપ તરફથી વાત કરતાં અને હાર્દિક પટેલની ટીકા કરતાં આ હાલત થઈ હતી. અનેક ગામોમાં તેમની સામે વિરોધ વ્યક્ત કરાતા જાહેરમાં દેખાવો કરાયા હતા. મહિલાઓએ થાળી અને વાટકા વગાડ્યા હતા. સાંજે સૂતકના કાર્યક્રમો આપવામાં આવ્યા હતા. સમગ્ર હિંમતનગર જિલ્લામાં તેમની સામે વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. હિંમતનગર શહેર ઉપરાંત પ્રાંતિજ અને ઈડરમાં પણ તેમની સામે વિરોધ થયો છે. તેમને લોકો કહી રહ્યાં છે કે તેઓ પાટીદાર તરીકે નહીં પણ ભાજપના એજન્ટ તરીકે કામ કરી રહ્યાં છે. અરવલ્લી જિલ્લામાં તો સી. કે. પટેલના પૂતળા દહન પણ કરવામાં આવ્યું હતું. દિલ્હી અને ગાંધીનગર જે કહે છે એટલું જ તે કરે છે. તેમને જો પાટીદારો માટે હમદર્દી હોય તો ભાજપમાંથી રાજીનામું આપીને PAAS સાથે બેસવું જોઈએ અને પછી સરકાર સાથે મધ્યસ્થી કરવી જોઈએ.
પાટીદાર કરતાં ભાજપ વહાલો
હિંમતનગરના પાટીદાર અગ્રણી ઉત્સવ પટેલ, કલ્પેશ પટેલ, રોહિત પટેલ અને ઈડરના PAASના અગ્રણી શૈલેષ પટેલે જાહેર કર્યું હતું કે, સી. કે. પટેલ સરકાર અને હાર્દિક વચ્ચે મધ્યસ્થી કરવા માગે છે પરંતુ તેમને ખરેખર હમદર્દી હોય તો કેમ તે અત્યાર સુધી હાર્દિકને મળવા ગયા નથી. તેમને પાટીદાર સમાજ કરતાં ભાજપ વધારે વહાલો લાગે છે. તે સરકારી ભાષા બોલી રહ્યાં છે. તેમણે એવા ભાષા વાપરીને પાટીદાર સમાજની લાગણી દુભાવી છે. હિંમતનગરના બેરણા, ગઢોડા, હડીયોલ, દલપુર, સુરજપુરા સહિતના ગામો તથા ઈડરના અને પ્રાંતિજના ગામોમાં થાળી વેલણ વગાડવામાં આવ્યા હતા. કેટલાંક ગામોમાં સી. કે. પટેલનો વિરોધ વ્યક્ત કરી પૂતળા દહન કરાયા હતા.
નહીં તો ભાજપ છોડીશું…
હિંમતનગરના ખાંભીસર ગામના પાટીદારો માધવસિંહ સોલંકીના કારણે પહેલેથી જ ભાજપ સાથે છે. આ ગામમાંથી 300 જેટલાં પ્રતિનિધિઓએ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને પત્ર લખીને કહ્યું છે કે તમે ઉકેલ લાવો નહીંતર અમારે ભાજપનો ત્યાગ કરવો પડશે. પાટણથી ઊંઝા સુધીની પદયાત્રામાં સી. કે. પટેલ સામે સૂત્રો બોલાવવામાં આવ્યા હતા.
ચંદુભાઈએ શું વિવાદ ઊભો કર્યો
સી. કે. પટેલ (ચંદુ પટેલ)એ હાર્દિકની માગણી માટે સરકાર વચ્ચેના મધ્યસ્થી બનવાની જાતે જ વાત કરી હતી. તેમણે કહ્યું કે, જો હાર્દિક પટેલ તમામ પાટીદાર સંસ્થાને લેખિતમાં રજૂઆત કરે તો આ શક્ય બની શકશે. તેમણે કહ્યું કે હાર્દિક પહેલા અન્ન ગ્રહણ કરે, સાથે હાર્દિક લેખિતમાં તમામ પાટીદાર સંસ્થાને સરકાર સાથે સંવાદ કરવા માટેની અરજ કરે તો તેઓ તૈયાર છે. આમ આ વિવાદથી લોકો ભડકી ઊઠ્યા છે. સૌરભ પટેલે જ્યારે હાથ ઊંચા કરી દીધા ત્યાર બાદ તુરંત સી. કે. પટેલ ભાજપના કહેવાથી મધ્યસ્થી બનવા સામેથી ઓફર કરીને વિવાદ ઊભો કર્યો છે. તેઓ સરકાર પર દબાણ કરવાના બદલે હાર્દિક પર દબાણ કરી રહ્યાં છે. તેમણે જણાવ્યું કે, જો હાર્દિક પ્રેસનોટ બહાર પાડશે તો ધાર્મિક સંસ્થાઓ મધ્યસ્થી કરવા માટે તૈયાર છે. સરકાર સાથે ચર્ચા કરીશું અને ત્યાર બાદ શું સ્ટેન્ડ લેવું તે નક્કી કરવામાં આવશે. સરકાર સાથેની બેઠકમાં અમે પડતર મુદ્દાઓની ચર્ચા કરીશું. સમાજની ધાર્મિક સંસ્થાઓ સરકાર સાથે વાતચીતમાં પડવા માગતી નથી. સરકાર, હાર્દિક અને પાટીદાર આગેવાનો વચ્ચે કોમ્યુનિકેશનનો અભાવ છે.
સી. કે. પટેલ પાસે કોઈ ન ગયું
સી. કે. પટેલે તમામ પાટીદાર એવી 6 સંસ્થાઓને બેઠક કરવા માટે અમદાવાદ સોલા ખાતે બોલાવ્યા હતા પણ એક પણ સંસ્થા તેમની આ બેઠકમાં આવી ન હતી. આ બેઠકમાં નીચેની 6 સંસ્થાઓના 4-4 પ્રતિનિધિઓ હાજર રહેવાના હતા, પરંતુ કોઈ કારણસર તેઓ હાજર રહી શક્યા ન હતા. આ સંસ્થાઓ સીદસર ધામ, ઉમિયા માતાજી મંદિર, ઊંઝા ઉમિયા માતા સંસ્થાન, ખોડલધામ, કાગવડ રાજકોટ, સુરત સમસ્ત પાટીદાર સમાજ, સરદાર ધામ, અમદાવાદ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, અમદાવાદ હતી. ત્યાર બાદ સરકાર સાથે ચર્ચા કરવા માટે પાટીદાર આગેવાનો ગયા હતા. લાલજી પટેલે પણ નિવેદન આપતા કહ્યું કે જો હાર્દિક તેના તરફથી મંજૂરી આપે તો અમે તમામ સંસ્થા આ માટે તૈયાર છીએ. વિશ્વ ઉમિયા ફાઉંડેશનનો પ્રોજેક્ટ જાહેર કર્યો ત્યારે તેમણે માત્ર પોતાના ભાજપ પક્ષના જ નેતાઓને આમંત્રણ આપ્યું હતું. બીજા કોઈ પક્ષના નેતાઓને બોલાવ્યા ન હતા ત્યારે પણ તેમની સામે પાટીદાર સમાજમાંથી ભારે વિરોધ થયો હતો.
PAASના નેતા મનોજ પનારાએ ભાજપ સહિત સી. કે. પટેલ પર પ્રહારો કર્યા હતા. સી. કે. પટેલ સાથે પાટીદાર અનામત આંદોલન સમિતિ – PAASના કોઈ પણ પ્રતિનિધિ સાથે રૂબરૂ કે ટેલિફોનિક કોઈ પણ પ્રકારની વાતચીત થઈ નથી. જે લોકોએ તેમની સાથે વાતચીત કરી છે તે લોકો PAASના પ્રતિનિધિઓ નથી. સી. કે. પટેલ ભાજપના એજન્ટ બનીને દેવામાફી તેમજ પાટીદારને આંદોલન મુદ્દે વિલનની ભૂમિકા નિભાવી રહ્યા હોવાની અમને આશંકા છે. હાર્દિકને મળેલા પ્રતિસાદ પર ઠંડુ પાણી રેડવાના પ્રયાસ થઈ રહ્યો છે. ખરેખર સરકાર સાથે વાતચીત થઈ હોય તો તેઓ આજ સાંજ સુધી આવીને હાર્દિક સાથે વાતચીત કરે. સરકાર બોલાવશે તો અમે સામેથી પણ જઈશું. ભૂતકાળમાં પણ સરકારે બોલાવ્યા છે ત્યારે અમે ગયા છીએ. હવે લોલીપોપ આપવાની કે મેલી મુરાદ નહીં ચાલે. અમે છેતરાશું નહીં.
કોણ છે સી. કે. પટેલ?
એક સમયે સૌથી ધનવાન નેતા, NRI વ્યાપારી ચંદુ કે. પટેલ (સી. કે. પટેલ) તેઓ દરેક રાજકીય પક્ષને મોટું ફંડ આપતા આવ્યા છે. તેઓ રાજકીય મહત્ત્વાકાંક્ષા ધરાવે છે. અમદાવાદ અને ગાંધીનગર આસપાસ તેમની અબજો રૂપિયાની સી. કે. પટેલ ફાર્મ નામની અનેક જમીનો આવેલી છે. મલ્ટી મિલિયોનેર સી. કે. પટેલની અમેરિકામાં મોટાપાયે પ્રોપર્ટી છે, જેમાં દાના પોઈન્ટના હિલ્ટન હોટલ રિસોર્ટ તેમજ કેલિફોર્નિયામાં ગુજરાતી સમાજના કમ્યુનિટી હોલનો પણ સમાવેશ થાય છે. તેઓ નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન – અમેરિકન એસોસિએશનના પ્રમુખ રહ્યાં હતા. હાલમાં અમદાવાદમાં ભાજપ પ્રેરિત વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના સંયોજક સી. કે. પટેલ NRI ગુજરાતી તરીકે ઓળખાય છે. તેમનો બંગલો સાબરમતી રિવરફ્રંટ પર શાહીબાગ જેવા અતિ વૈભવી વિસ્તારમાં રાજસ્થાની કલા આધારિત બનેલો છે.
સી. કે. પટેલ કોંગ્રેસમાં હતા અને ભાજપમાં પક્ષપલટો કર્યો
ચિમનભાઈ પટેલ, માધવસિંહ સોલંકી સાથે બિનનિવાસી ભારતીય તરીકે, હોટેલીર તથા વેપારી તરીકે અને પછી રાજકીય વ્યક્તિ તરીકે 2007 સુધી કોંગ્રાસના તમામ ટોચના નેતાઓ સાથે સંબંધ રહ્યા હતા. કોંગ્રેસમાં હિંમતનગરથી 2007મા ગુજરાત વિધાનસભાની ચૂંટણી 8,700 મતોથી હારી ગયા હતા. કોંગ્રેસમાં જીતી શકાશે નહીં એવું લાગતાં તેઓ 22 ઓક્ટોબર 2008થી પક્ષપલટો કરીને તત્કાલીન ભાજપ પ્રદેશ પ્રમુખ પુરૂસોત્તમ રૂપાલાની હાજરીમાં મોડાસા ખાતે ભાજપમાં જોડાઈ ગયા હતા.
સાબરકાંઠાની હિંમતનગર વિધાનસભાથી ચૂંટણી લડ્યા હતા, ત્યારે તેઓ ગુજરાતના તમામ 1,700 ઉમેદવારોમાં સૌથી ધનિક ઉમેદવાર ચૂંટણી પંચે જાહેર કર્યા હતા. તેમની સંપત્તિ જે તે સમયે રૂ. 221 કરોડ રૂપિયા જેટલી નોંધાઈ હતી. NRI હોવાના કારણે તેમણે ચૂંટણીમાં સ્લોગન રાખ્યું હતું ‘ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની.’
ભાજપ તરફી પાટીદાર સંસ્થાનો ઉપયોગ શરૂ કર્યો
ગુજરાતની વર્ષ 2017મા વિધાનસભા ચૂંટણીના છેલ્લાં દિવસોમાં પોતે કહે તેમ કરે એવા પાટીદાર લોકોને બોલાવીને તેમની હાજરીમાં સી. કે. પટેલે પત્રકાર પરિષદ બોલાવીને હાર્દિક પટેલ પર કોંગ્રેસ સાથે સાંઠગાંઠના આક્ષેપો કર્યા હતા. તેમણે શું કરવું તે દિલ્હીથી રોજ સૂચનાઓ આપવામાં આવતી હતી. આજે પણ તેઓ ભાજપમાં છે. વિદેશમાં ભાજપના નેતાઓના કાર્યક્રમો ગઠવવામાં મદદ કરે છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, અમદાવાદએ પ્રાઇવેટ ટ્રસ્ટ છે. જે ભાજપના લોકોએ જ દિલ્હીની સૂચનાથી બનાવ્યું છે. આ ટ્રસ્ટ સાથે કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝાને કોઈ લેવા દેવા નથી એવી સ્પષ્ટતા ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝાના પ્રમુખ સ્વ. વિક્રમભાઈ ધનજીભાઈ પટેલ (દાદા) તરફથી કરવામાં આવી હતી. તેનો સીધો મતલબ એ થયો કે ઉમિયા સંસ્થાઓ તેમની સાથે નથી.
ભાજપમાંથી લોકસભા લડશે
હિંમતનગરમાં તેઓ ભાજપમાંથી લોકસભાની ટિકિટ મેળવવા માદે દાવેદારી કરવાના છે. તે સમયે જ તેઓ વિવાદમાં ફસાયા છે. 2007ની વિધાનસભાની હિંમતનગર બેઠક પરથી કોંગ્રેસમાંથી ચૂંટણી લડી અને હાર્યા હતા અને પછી ભાજપમાં ટિકિટ મેળવવા માટે પક્ષપલટો કર્યો હતો. ત્યાં પણ ચૂંટણી હાર્યા છે. હવે તેઓ લોસભાની બેઠક પર ચૂંટણી લડવાના છે. ગઈ વિધાનસભા માટે ટિકિટ માગી હતી પણ ભાજપે તેમને ટિકિટ આપી ન હતી.
હર્દિક પટેલે સી. કે. પટેલને પડકાર્યા
1 નવેમ્બર 2017મા પાટીદાર અનામત આંદોલનકારીઓ ફર્જી છે એવું નિવેદન કરનારા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના સભ્ય અને ભાજપના નેતા સી. કે. પટેલ, આર. પી. પટેલે કરતાં તેની વિરુદ્ધમાં રોષ ફાટી નીકળ્યો હતો. આ સંદર્ભે હાર્દિક પટેલે કહ્યું હતું કે ચૂંટણી સમયે આવા તો અનેક લોકો હજુ આવવાના છે. તેના તરફ બહુ ધ્યાન રાખવું ન જોઈએ. સમાજનો તમામ વર્ગ આ આંદોલનની સાથે છે. આપના જેવા કેટલાક NRI વ્યક્તિગત લાભાર્થીઓ (ધંધાકીય) લોકો વર્તમાન સરકારની વાહવાહી કરવામાંથી નવરા નથી પડતા. ભાજપમાંથી ચૂંટણી લડી ચૂકેલા સી. કે. પટેલ અગાઉ ખરાબ રીતે ચૂંટણી હાર્યા હતા. અબજો પતિ સી. કે. પટેલને અનામતની જરૂર નથી. પણ ગરીબ પાટીદારોને જરુર છે. બીજું આપને એવું લાગે કે સમાજ તમારી સાથે છે તો તમારી વ્યક્તિગત પ્રતિષ્ઠાથી એક જાહેરસભા બોલાવો (સંસ્થા કે પક્ષના નામે નહીં) એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે, એવું હાર્દિક પટેલે તે સમયે કહ્યું હતું.
પાટીદાર વોટ બેંક કબજે કરવા ભાજપની કૂટનીતિ
ભારતીય જનતા પક્ષના નેતાઓને કડવા પાટીદારો પ્રત્યે એકાએક અહોભાવ ઊભો થયો છે. તેથી એક હજાર કરોડના ખર્ચના પ્રોજેક્ટ સાથે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ઊભું કર્યું છે. લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આ ભાવ પેદા થયો છે. વિધાનસભાની ચૂંટણીમાં અનેક જ્ઞાતિઓએ ભાજપને મત આપ્યા ન હતા અને ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપનું સાવ ધોવાણ થયું હતું. ત્યાર બાદ ભાજપે અલગ અલગ કોમ કે જ્ઞાતિ પ્રમાણે મતો મેળવવા તેમના ધાર્મિક સ્થાનો પર પ્રભાવ વધારવા અને શક્ય હોય ત્યાં તેના પર કબજો જમાવવા અને જ્ઞાતિ આધારિત નવી સંસ્થાઓ ઊભી કરવાની રાજકીય નીતિ બનાવી છે. જેમાં અગાઉ અનેક જ્ઞાતિઓ સાથે આ રીતે મતોનું ધ્રુવીકરણ કર્યા બાદ હવે ઓપરેશન પાટીદાર હાથ ધર્યું છે. પહેલાં અમદાવાદ અને હવે ઊંઝા તથા સીદસરમાં આ રીતે ભાજપે પોતાની કડવા પાટીદાર મત બેંક ઊભી કરવા માટે રાજનીતિ બનાવતાં સમાજના લોકોમાં આ બાબત ટીકા પાત્ર બની છે. ભાજપ એવું માનવા લાગ્યું છે કે, હાર્દિક પટેલ ફરી એક વખત ગુજરાતમાં ભાજપને ભારે પડી રહ્યો છે, ત્યારે તેનું પ્રભુત્વ ઘટાડવા અને પાટીદારોની સંસ્થાઓ પર કબજો જમાવવા આ પ્રયાસ છે. ઉમિયા માતાજી મંદિર સિદસરના ઉપપ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા ભાજપ સાથે સારી રીતે જોડાયેલા છે. ભાજપના આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય પણ આ ટ્રસ્ટના ટ્રસ્ટી છે. સરકારના કાબુમાં હોય એવા અધિકારીઓ પણ સીદસર મંદિરના ટ્રસ્ટી છે. આમ ઊંઝા, સીદસર અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન પર હવે ભાજપનો સંપૂર્ણ કબજો આવી ગયો છે. સીદસર મંદિરમાં મુખ્ય પ્રધાન અને ગૃહ રાજ્ય પ્રધાન પૂજા કરવા માટે હમણાં જ ગયા હતા. તો વળી ઊંઝામાં રૂ. 8.5 કરોડના ખર્ચે ઉમિયાધામનું ખાતમુહૂર્ત રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિનભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. રાજકોટની કાગવડ સંસ્થા પર ભાજપના સાંસદ અને ભાજપ સરકારના પ્રધાનની પકડ છે. તે પણ સરકારને મદદ કરતી આવી છે. આમ પાટીદારોની ધાર્મિક સંસ્થાઓ હવે ધાર્મિક રહી નથી. તે રાજકીય બની ગઈ છે અને ભાજપે તેમના પર કબજો જમાવી દીધો છે. જે હવે મત બેંક તરીકે ઉપયોગ શરૂ કર્યો છે. લોકો એવું કહી રહ્યાં છે કે ભાજપે આ સંસ્થાઓનો ઉપયોગ જ કર્યો છે પણ મદદ શું કરી? પાટીદાર યુવાનો બેકાર છે, અનેક જેલમાં છે તેમને શું મદદ કરી? આ પ્રશ્નનો જવાબ ભાજપના એક પણ પાટીદાર નેતાઓ આપી શકતા નથી.
તેથી તો સી. કે. પટેલના પૂતળાઓનું દહન થઈ રહ્યું છે. ધાર્મિક સંસ્થાઓ જ્યારે રાજકારણીઓના હાથમાં આવે ત્યારે તે રાજકીય અખાડો બની જતી હોય છે. તેમણે રાજકારણથી દૂર રહેવું જોઈએ એવું સમાજનો મોટો વર્ગ માની રહ્યો છે.
શું છે કાર્યક્રમ
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલા જાસપુર ગામમાં 400 વીઘા જમીન પર ઉમિયા ધામના ભૂમિપૂજનમાં નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે. ઉમિયા ધામના ભૂમિપૂજન સાથે આ સંકુલમાં હોસ્પિટલ, કોલેજ, શાળા, હોસ્ટેલ સહિતના ભવનોનું 1 હજાર કરોડના ખર્ચે નિર્માણ થશે જેનું ભૂમિપૂજન પણ નરેન્દ્ર મોદી કરશે.
૧૧ હજાર પાટલા પૂજનની વિધી પણ કરવામાં આવશે. તો એક લાખ કરતાં પણ વધુ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે.