વિસનગર, તા.૨૭
વિસનગર તાલુકાના સદુથલા ગામના યુવકને ઓએનજીસીમાં નોકરી આપવાની લાલચ આપી 9.75 લાખની ઠગાઈ આચરતાં ચકચાર મચી છે. ભોગ બનનારા યુવકના પિતાએ ભાવસોર ગામના શખ્સ સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
તાલુકાના સદુથલા ગામમાં રહેતા ભરતભાઇ ચતુરભાઇ પટેલના દીકરા હર્ષદને વર્ષ 2012માં બાસણા કોલેજમાં ડિપ્લોમાના અભ્યાસ દરમિયાન લાડોલ ગામના પટેલ ભાર્ગવ નિલેશભાઇ સાથે મિત્રતા થઇ હતી. જેમાં ભાર્ગવે હુ ઓએનજીસીમાં નોકરી લગાડુ છુ, તારે જોઇતી હોય તો મારી જોડે એક વ્યક્તિનો સંપર્ક છે જેમાં ઓએનજીસીમાં નોકરી રેફરન્સથી થતી હોય છે. તેમ જણાવી વિજાપુર તાલુકાના ભાવસોર ગામમાં રહેતા ચિંતનકુમાર દિનેશભાઇનો સંપર્ક કરાવ્યો હતો. જેમાં ચિંતને તે ગામ એચ.આર. તરીકે નોકરી કરતો હોવાની રેફરન્સની જગ્યા માટે ડીપોઝીટ પેટે પૈસા મારા બેન્ક ખાતામાં પૈસા જમા કરાવવાના પડશે. છેલ્લે એપોઇમેન્ટ લેટર મળ્યા બાદ તમારી ટોટલ રકમ પરત મળી જશે તેમ કહી વિશ્વાસમાં લીધા હતા. પૈસા જમા કરાવ્યા બાદ ચિંતનભાઇ સદુથલા આવ્યા હતા જેમને હર્ષદભાઇના પિતા ભરતભાઈએ અસલ ડોક્યુમેન્ટ અને કોરા સ્ટેમ્પ આપ્યા હતા, ત્યારબાદ ફરીથી ઘરે આવતાં 1.25 લાખ રોકડા આપ્યા હતા. જ્યારે 17 ઓક્ટોમ્બર 2015થી 5 ઓક્ટોબર 2016 સુધીમાં 8,50,350 ખાતામાં જમા કરાવ્યા હતા. આ રકમ ભર્યા પછી ચિંતનભાઇ અમીને હર્ષદને ગાંધીનગર સચિવાલય કર્મયોગી ભવન ખાતે બોલાવ્યો હતો. તે વખતે ઓએનજીસીના માર્કાવાળો એચઓ ઓએનજીસીનો સિક્કો મારી આર.જે.શ્રીવાસ્તવની સહી કરેલો 19 ઓગષ્ટ 2016નો લેટર આપ્યો હતો. જેમાં પીએફ, સીપીએમ તેમજ પેન્શન સહિતના કાગળો હતા. ત્યારબાદ જગુદણ, અમદાવાદ અને નારોલ ઓબ્ઝવેશન માટે લઇ ગયા હતા. જ્યાં 10 માર્ચ 2017ના રોજ ઓએનજીસી ચાંદખેડા ખાતે ભરતભાઇ અને હર્ષદને બોલાવી ચિંતનભાઇએ હવે પછીની કામગીરી ઓએનજીસી લિમિટેડ હૈદરાબાદના આદર્શ રઘુનાથ ગોરનાઓ સંભાળશે તેમ જણાવ્યું હતું. જેમાં 27 માર્ચ 2019ના આદર્શ રઘુનાથે ફોન કરી 31 માર્ચના રોજ અવની ભવન ઓએનજીસી ખાતે એપોઇમેન્ટ લેટર આપવાનું કહી બોલાવ્યા હતા ત્યારબાદ બંન્નેના ફોન સ્વીચ ઓફ આવતા હતા. જેથી ભરતભાઇને તેમના અને તેમના દિકરા સાથે છેતરપિંડી થઇ હોવાનું જણાતાં આ બનાવ અંગે પટેલ ચિંતન નિલેશભાઇ(ભાવસોર), આદર્શ રઘુનાથ ગોરમ(ઓએનજીસી લિમિટેડ હૈદરાબાદ) અને પટેલ ભાર્ગવકુમાર નિલેશભાઇ(લાડોલ) સામે છેતરપિંડીની ફરિયાદ આપતાં પોલીસ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.