સુરત વીજ કંપની સહિત અનેક જવાબદારોને છોડી મૂકાયા

સૂરતમાં ટયૂશન કલાસમાં લાગેલી આગ દુર્ઘટનાનો શહેરી વિકાસ અગ્ર સચિવ મૂકેશ પુરીએ પ્રાથમિક તપાસ અહેવાલ સરકારને આપી દીધો છે. જેમાં વિજ કંપનીઓને ઓવરલોડ, ટ્રાન્સફોર્મર, સેફટી અને વ્યવસ્થિત વાયરીંગ કરવા માટે સઘન ઝૂંબેશ કરવા ભલામણ કરી છે. જેથી ભવિષ્યમાં શોર્ટ સર્કીટની શકયતા ઘટાડી શકાય અને આવી દુર્ઘટનાઓ બનતી અટકાવી શકાય. વીજ કંપનીના કેબલ સતત સળગતાં રહ્યાં હતા. પણ વીજ પુરવઠો ટ્રેપ થઈને બંધ થવો જોઈતો હતો તે થયો ન હતો. આ અંગે સ્થાનિક લોકોએ વિડિયો પણ ઉતાર્યો હતો. પુરતાં પૂરાવા હોવા છતાં સુરત વીજ કંપનીને માત્ર વાયરીંગ અંગે ભલામણ કરીને છોડી દેવામાં આવી છે. આગ લાગવાનું મુખ્ય કારણ જ વાયરીંગ ગતું. આગ લાગ્યા બાદ વીજ પૂરવઠો આપ મેળે બંધ થઈ જવો જોઈતો હતો તે ન થયો અને આગ વધું ઝડપથી પ્રસરી હતી. સુરત ફાયર બ્રિગેડને આ આગમાં સમયસરની કામગીરી કરીને છોડી મૂકવાનો વિવાદાસ્પદ નિર્ણય જાહેર કરાયો હતો. ઉપરાંત બિલ્ડીંગના પ્લાન મંજૂર કરનાર કે ટીડીઓ સામે પણ કોઈ જ પગલાં ભરાયા નથી. ઈમ્પેક્ટ ફીમાં પૈસા ભરીને ગેરકાયદે મકાનોને કાયદેસર કરવામાં આવેલા છે તેમાં કેવા ભયાનક પરીણામો આવેલાં હોવા છતાં ઈમ્પેક્ટ ફિનો કાયદો બનાવનારા રાજનેતાઓને પણ છોડી મૂકવામાં આવ્યા છે. પહેલા અને બીજા માળની વચ્ચે ACની આઉટ ડોર યુનિટમાં સ્પાર્ક થવાથી અથવા શોર્ટશર્કિટ થવાથી આગ લાગી હતી તેની ફોરેન્સિકની તપાસ ચાલી છે. આ બાબતે ફોરેન્સિક અને DGVCLની તપાસ ચાલુ છે.

આ અકસ્માતમાં 22 વ્યક્તિઓના મોત થયા છે. 15 લોકો સારવાર હેઠળ છે.

અહેવાલ બાદ કેટલાંક પગલાં લેવાયા છે.

શહેરી વિકાસ અગ્રસચિવ પુરીએ તેમના તારણો રજૂ કરતાં જણાવ્યું કે, આગ તેજીથી ફેલાઇ ગયેલી અને ચોથા માળના ડોમમાં પહોચવાના મુખ્ય કારણ ફલેક્ષ બેનર તથા ત્રીજા માળેથી ચોથા માળે જવાની સીડી એક જ હતી તથા લાકડાની હતી તે બાબત પ્રાથમિક તપાસમાં સામે આવી છે.

ચોથા મળાના ડોમમાં ફોલ સીલીંગ, મોટી સંખ્યામાં ટાયરોનો બેઠક માટે ઉપયોગ, એર કન્ડીશનરના કોમ્પ્રેસરની હાજરી, વેન્ટીલેશનના અભાવને લીધે પરિસ્થિતી ગંભીર બની ગઇ હતી. આગ લાગી તે બિલ્ડીંગમાં ત્રીજા અને ચોથા માળ વચ્ચે આર.સી.સી.ની સીડી હતી જે બન્ને ફલોર પર પ્લાયવૂડ લગાવીને બંધ કરવામાં આવેલી હતી. આ ગુનાહીત કૃત્ય ગણાય. આ દરવાજો બંધ હોવાના કારણે ફસાયેલ વ્યકિતઓ નિકળી શકી નહીં અને જાનહાનિ સર્જાઇ છે.

સૂરતમાં દૂર્ઘટના સ્થળની મુલાકાત લીધી છે સાથે જ ઇજાગ્રસ્તો જ્યાં સારવાર લઇ રહ્યા છે તે હોસ્પિટલોમાં પણ તેમણે જઇને ઇજાગ્રસ્તો પાસેથી વિગતો મેળવી બનાવના કારણો, સ્થિતી વગેરે વિગતો મેળવેલી છે.

ટેરેસ, બેઝમેન્ટ વાણિજ્યીક ઉપયોગની ઇમારતો સહિતની જગ્યાઓના ફાયર સેફટી માટેના સાધનો-સજ્જતા પણ તપાસવામાં આવી રહ્યા છે.

ઇમ્પેકટ ફી અન્વયે 2015માં COR ઇસ્યુ થયેલા પણ સંબંધિત અધિકારીએ આ દુર્ઘટના સર્જાઇ તે સ્થળ તપાસ ન કરવાને લીધે તેમની જવાબદારી નક્કી કરીને કસુરવાર નાયબ કાર્યપાલક ઇજનેરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ડીસેમ્બર 2010માં સુરત મહાનગર પાલિકા – સુમપા દ્વારા ફાયર સેફટી અન્વયે 900થી વધારે બિલ્ડીંગનો સરવે કરાયેલો હતો. પરંતુ તે સરવેમાં આ દુર્ઘટના સર્જાઇ તે બિલ્ડીંગનું સરવેક્ષણ ન કરવા અંગે પણ ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર અને ફાયર ઓફીસરની જવાબદારી નક્કી કરી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ઇમ્પેકટ ફી ની અરજીમાં ખોટી માહિતી આપવા બદલ અને અનધિકૃત અને જોખમી બિલ્ડીંગ બનાવવા બદલ પોલીસ અને સુમપા દ્વારા કુલ-બે FIR દાખલ થયેલ છે. જેમાં ત્રણ વ્યકિતની ધરપકડ કરવામાં આવી છે તેમ તેમણે કહ્યું હતું.
ફાયર વિભાગની કામગીરી અન્વયે પ્રથમ ફાયર ટેન્ડર કોલ મળ્યાથી 03 મીનીટમાં કાપોદ્રા ફાયર સ્ટેશનથી ફાયર ફાઇટર રવાના થયેલા તેની સી.સી. કેમેરાની કલીપીંગ તેમણે મિડીયા સમક્ષ રજૂ કરી હતી.
ફાયર ટેન્કરનું પાણી પૂરતા પ્રેશરથી છાંટવામાં આવતું હતું અને ચોથા માળ સુધી પહોંચતું હતું તેના ફોટોગ્રાફ પણ દર્શાવ્યા હતા.

પાછળના ભાગના AC યુનિટમાં સ્પાર્ક થવાથી આગ લાગવાની શરૂઆત થઇ અને તેની સાથે એક મોટી વર્ટીકલ ડિસ્પ્લે પેનલ હતી. એ તાત્કાલિક સળગી ગઈ. આની ઉપર ફ્લેક્ષ બેનર હતા. એ ફાયર ઉપર જતી રહી અને ત્રીજા માળે પણ ફ્લેક્ષ બેનર લાગેલા હતા. તેમાંથી તે ત્રીજા અને ચોથા માળે ગઈ અને સાથે જે નીચે આગ હતી. ગ્રાઉન્ડ ફ્લોરના મીટર રૂમમાં ફેલાઈ ગઈ અને મીટર રૂમની પાછળ ગોડાઉન હતા તેમાં વર્કર હતા. તેણે ગોડાઉન બંધ કરી દીધું, પણ તે વર્કરને કંઈ થયું નથી એક વર્કર સારવાર હેઠળ છે.
પહેલા માળે કે બીજા માળે કોઈ જાનહાનિના કેસ થયા નથી કારણ કે, ત્યાંથી લોકો RCCના દાદરથી નીચે આવી શક્યા. જે ત્રીજો માળ છે. તેના ઉપર ચોથો માળ બનાવવામાં આવ્યો છે. ત્યાં લોખંડની સીડી લગાડવામાં આવી હતી અને તેના ઉપર લાકડાથી બનાવવામાં આવ્યું હતું. આગ ત્યાં જવાથી ધુમાડો થયો અને અંદર તે સમયે ચોથા માળે ક્રિયેટીવ કલાસીસ ચાલતા હતા. તેમાં બાળકો ઉપરાંત બે શિક્ષક પણ હતા. ઉપરની જગ્યા સાત ફૂટ જેટલી હતી. જેના કારણે બેસવાની મારે ખુરશીઓ તો ન રાખી શકાય એટલા માટે ત્યાં ટાયર રાખવામાં આવ્યા હતા. 2-2 ટાયર ભેગા કરીને બેસવા માટે ક્રિએટીવ ખુરશી બનાવવામાં આવી હતી. આગ જેમ જેમ ફેલાઈ ગઈ તેમાં અંદર જેટલા લોકો હતા તેમાંથી અમુક જંપ મારીને નીચે આવી ગયા હતા.

જેમાં પણ કેટલાક લોકોના મૃત્યુ થયા હતા અને અંદર રહી ગયા તેમનું પણ અવશાન થયું છે. મૃત્યુની સંખ્યા વધારે થઇ તેનું મુખ્ય કારણ એ છે કે, આ બિલ્ડીંગમાં બીજો એક દાદર હતો. એટલે ત્રીજા માળે અલોહા જ્યાં લખેલું દેખાઈ છે, ત્યાંથી બીજીબાજુ ઉપર જવા માટે એક બારણું હતું. તે મારી હાજરીમાં પોલીસે ખોલ્યું, ત્યારે ત્યાં એક પાંચ ફૂટનો RCCનો દાદર હતો. જે આ ઉપરનાં માળ પર જતો હતો. પછી અમે ઉપરથી જોયું તો ઉપરથી પણ ખોલાવ્યું. તો ત્યાં બેઠા પાટિયા રાખવામાં આવ્યા હતા. એટલે ટૂંકમાં જે પણ વ્યક્તિએ એ દાદર બંધ કર્યો છે, તે ખૂબ જ ગુનાહિત કૃત્ય કર્યું છે અને એ દાદર ખુલ્યો હોત તો બની શકે કે બધા બચી ગયા હોત.

બીજી વસ્તુ એ આવે છે, ખરેખર તેને પરવાનગી ક્યારે મળી હતી અને તેને પરવાનગી મળી છે કે, કેમ. આ વિસ્તાર પ્રથમ તો 2006માં સુડામાં હતો. 2013 જે જમીન છે તેના 4 માલિકોએ ઈમ્પેક્ટ ફી ભરવા માટે એપ્લાય કરી હતી. છેલ્લે પ્રક્રિયા થયા પછી તેને 2015માં અપ્રુવલ આપવામાં આવ્યું હતું. જે અપ્રુવલ આપવામાં આવ્યું હતું, ત્યારે રેકોર્ડના આધારે તેમાં ત્રણ માળ જ દર્શાવવામાં આવ્યા હતા. ફોટાઓ રજૂ કરવામાં આવ્યા હતા. તેમાં પણ ડોમ હતું પણ માળ ત્રણ જ દર્શાવવામાં આવ્યા હતા.

તે સમયે બે લાખ કરતા વધારે ઈમ્પેક્ટ ફી આપી મંજૂરી આપવામાં આવી હતી. પણ આ બિલ્ડિંગમાં મંજૂરી આપતા સમયે જે-તે એન્જિનિયર દ્વારા આ બિલ્ડિંગની તપાસ કરવામાં આવી ન હતી. એટલે રેકોર્ડ પર જે અરજી કરવામાં આવી હતી તેમાં ત્રણ માળ દર્શાવવામાં આવ્યા હતા. તેમાં ઉપરનો ક્લાસીસનો માળ દર્શાવવામાં આવ્યો ન હતો. ડોમ જે બનાવ્યું હતું. તેમાં કોઈ બારીઓ રાખવામાં આવી ન હતી. જેથી એક તરફ ધુમાડો આવ્યો, એક તરફ સિલિંગ બળવા લાગી અને એક તરફ ટાયર સળગતા હતા. એટલે જે પરિસ્થિતિ ઊભી થઇ તેમાં સર્વેના જીવ બચાવી શક્યા નથી અને આ બધું ટૂંક સમયમાં જ થયું.

એ સંસ્થામાં બપોરના સમયે બે ટીચર ફરજ બજવતા હતા એક ભાર્ગવ બુટાણી અને ક્રિષ્નાબેન હતા. તેમાં ક્રિષ્નાબેનનું દુઃખદ અવશાન થયું છે અને ભાર્ગવ બુટાણીની ધરપકડ કરવામાં આવી છે અને તેની સામે કાર્યવાહી શરૂ છે. ત્રીજા શિક્ષકે બહાદુરીથી કામ કર્યું પણ તેમણે જંપ કરતા માથાના ભાગે ઈજા થઇ છે અને તે વેન્ટીલેટર પર છે.

ભલામણો

તપાસની ભલામણોના ભાગરૂપ, બિલ્ડીંગ ઉંચાઇની કે અન્ય બાબતે ફાયર સેફટીની NOCમાંથી મૂકતી મળેલી હોય પરંતુ જેનો ઉપયોગ જાહેર જનતા મોટા પ્રમાણમાં કરે છે. તેની ચકાસણી કરવી જોઇએ. શૈક્ષણિક સંસ્થાઓ, કોચિંગ કલાસ, સિનેમા, મોલ, હોસ્પિટલ વગેરેની આવી ચકાસણી કરાશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.

આ સંદર્ભે આખા રાજ્યમાં ઝૂંબેશ ચાલુ છે. 11 હજારથી વધારે મિલકતનું સરવેક્ષણ કરી જરૂરી પગલાં લેવામાં આવી રહ્યાં છે. ફ્લેક્ષ બેનર, ડીસ્પ્લે પેનલ માટે રાજ્ય સરકાર માર્ગદર્શિકા જાહેર કરે તેવી ભલામણ તપાસના પ્રાથમિક અહેવાલમાં કરવામાં આવી છે.

બિલ્ડીંગોના રહીશોને જોડીને જાગૃતિ અભિયાન તેમજ ફાયર સેફટી ઇકવીપમેન્ટના ઉપયોગ કરવાની તાલીમ આપવા પણ પોતાના પ્રાથમિક તપાસ અહેવાલમાં સૂચવ્યું છે.

પ્રાથમિક તપાસનો અહેવાલ સોંપ્યા બાદ મુખ્ય પ્રધાને ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. સેઇફ-ગુજરાત મોડેલ પ્રસ્થાપિત કરવામાં આવશે. શહેરી વિકાસ વિભાગ, ફાયરબ્રિગેડ, ટાઉન પ્લાનીંગ અને કાયદા તેમજ ઊર્જા વિભાગના લોકો સાથે મળીને ચોક્કસ કાર્યનીતિ – કાયદો બનાવાશે. કાયદામાં સુધારા-વધારા, નિયમીત તપાસ, કર્મચારીઓની સંખ્યા, તથા કસુરવારોની કાયદાકીય જવાબદારી નક્કી કરવા સુધીની કાર્યવાહી માટે વિચારાયું હતું.

શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, હોટલ્સ, મોલ, સિનેમાગૃહો વગેરેમાં ફાયર સેફટીની સજ્જતા સાધનોનું નિયમીત ચેકિંગ કરાશે. આવી વ્યવસ્થાઓ ન હોય ત્યાં નોટિસ આપી તેને બંધ કરવા સુધીની કાર્યવાહી પણ સરકાર કરશે.

હાઇરાઇઝડ બિલ્ડીંગ-આવાસો સહિતની જગ્યાએ ફાયર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાલીમ પ્રાપ્ત મેનપાવર 24 કલાક ઉપલબ્ધ રહે તેવી વ્યવસ્થાઓ વિકસાવવા, લિફટમેન, સિકયુરિટી ગાર્ડસને વર્ષે એકવાર ફાયર સેફટી તાલીમ, તેમજ નિયમીત આવી સિસ્ટમના સંબંધિત મહાનગરપાલિકા- નગરપાલિકા તંત્ર દ્વારા તપાસ કરાશે. અહેવાલ પછી મુખ્યમંત્રીએ ટાઉન પ્લાનીંગના અધિકારીઓ ફાયરના નિષ્ણાતો સાથે બેઠક યોજી હતી.