વૃદ્ધોને માત્ર બે રૂપિયાના દરે ટીફીન

ગુજરાતમાં લોકોનું જમવાનો નહીં પણ લોકોને જમાડવાનો રીવાજ છે. આ રીવાજને અલગ-અલગ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ આગળ વધારી રહી છે. ગુજરાતમાં ઘણી સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે અને જેમાં વિનામુલ્યે ગરીબ લોકોને ભોજનની સુવિધા આપવામાં આવે છે અને કેટલીક જગ્યાઓ પર તો વૃદ્ધ અને ગરીબ લોકોને એકદમ નજીવા દરે ભરપેટ ભોજન કરાવવામાં આવે છે. આજે અમે એક એવી સંસ્થાની વાત કરવાના છીએ કે જે સંસ્થા દ્વારા વૃદ્ધ લોકોને માત્ર બે રૂપિયાના દરે ટીફીન આપવામાં આવે છે અને આ ટીફીનમાં બે ટાઈમ ચાલે તેટલું સારી ક્વોલિટીનું ભોજન આપવામાં આવે છે. વૃદ્ધોને બે રૂપિયામાં ભોજન આપતી સંસ્થાનું નામ જલારામ જનકલ્યાણ સેવા ટ્રસ્ટ છે અને આ સંસ્થા આણંદમાં કાર્યરત છે. આ સંસ્થાના લોકો કોઈની પાસેથી દાન ઉઘરાવવા માટે જતા નથી પરંતુ તેમનું આ ઉમદા કામ જોઈને દાતાઓ સામે ચાલીન સંસ્થામાં કોઈકને કોઈક રીતે સહાય આપે છે. તમને જાણીને નવાઈ થશે કે આ સંસ્થામાં મુસ્લિમ બિરાદર દ્વારા છેલ્લા છ વર્ષથી વિનામુલ્યે શાકભાજી આપવામાં આવે છે. આ સંસ્થા શરૂઆતમાં પ્રમુખ મહેન્દ્ર પટેલના સ્વજનની જગ્યામાં ચલાવવામાં આવી રહી હતી. સંસ્થા દ્વારા તે જગ્યામાં જ ભોજન બનાવવામાં આવતું હતું. સંસ્થાની સેવાની ભાવના જોઈને આણંદની કન્યા શાળામાં કાયમી ધોરણે રસોડું ફાળવવામાં આવ્યું હતું. શરૂઆતમાં આ સંસ્થા દ્વારા અશક્ત 10 જેટલા વૃદ્ધો માટે 11 જેટલા ટીફીન તૈયાર કરવામાં આવતા હતા અને હાલમાં ત્રણ રીક્ષાઓ ભાડે કરીને વૃદ્ધોને ટીફીન પહોંચાડવામાં આવે છે. આ સંસ્થાનો વૃદ્ધ લોકોની સેવા કરવાનો ઉમદા હેતુ જોઈને NRI લોકો પણ સંસ્થામાં દાન આપી રહ્યા છે.