વૃધ્ધ પેનેશન યોજનામાં ધાંધિયા

આજથી રાજ્યભરમાં પ્રધાનમંત્રી શ્રમયોગી માનવધન યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત 15,000થી ઓછી આવક ધરવતા શ્રમિકોને 60 વર્ષ પછી માસિક 3 હજાર રૂપિયાના પેન્શનની જોગવાઈ કરવામાં આવી છે. ત્યારે આ યોજનાના રજિસ્ટ્રેશનના પહેલા દિવસે જ ધાંધિયા જોવા મળ્યા હતા. અમદાવાદની RTO કચેરી ખાતે આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા રીક્ષા ચાલકોની રજિસ્ટ્રેશન માટે લાંબી લાઈનો જોવા મળી હતી.

આ બાબતે RTO કચેરીના અધિકારીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતુ કે, આજે અમે રીક્ષા ચાલકોનું રજિસ્ટ્રેશન કરી રહ્યા છીએ. આજે સવારથી જ રજિસ્ટ્રેશન કરવાનું શરૂ કરવામાં આવ્યું હતુ, પરંતુ સિસ્ટમમાં કોઈ એરર હોવાના કારણે રીક્ષા ચાલકોના રજિસ્ટ્રેશન નહિવત પ્રમાણમાં થયા હતા. આ બાબતે ગંભીરતા દાખવીને બીજી એક નવી સિસ્ટમ મુકવામાં આવી હતી. જેના કારણે આજે સાંજ સુધીમાં મોટી સંખ્યામાં રીક્ષા ચાલકોનું રજિસ્ટ્રેશન થઇ જશે.

રજિસ્ટ્રેશન કરાવવા માટે આવેલા રીક્ષા ચાલકોએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતુ કે, આજ સવારથી 11 વાગ્યાના અમે લાઈનમાં ઊભા છીએ. પરંતુ અહીં પાણીની કે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી. અહીં સાહેબોના લેપટોપ નથી ચાલતા, સાહેબો એમ કહે છે કે, અહીં જાવ અને ત્યાં જાવ. અમે લોકો સવારની અમારી રીક્ષાઓ લોક કરીને અહીં લાઈનમાં ઊભા છીએ. અમારી અધિકારીઓને વિનંતી કે, રજિસ્ટ્રેશન પ્રોસેસ ઝડપથી કરે જેના કારણે અમારો ધંધો-રોજગાર બગડે નહીં.