શહેરની ઉસ્માનપુરા ઝોનલ ઓફિસમાં ગટર ઉભરાવવાની ફરિયાદ કરવા ગયેલા વેપારી સાથે ડ્રેનેજ વિભાગના કર્મચારીઓએ ઝગડો કરીને પછાડી દેતા ફ્રેકચર થયું હોવાની ફરિયાદ વાડજ પોલીસમાં નોંધાઈ છે.
ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલી કિર્તી કોલોનીમાં રહેતા અને ઇલેક્ટ્રીશિયન તરીકે ધંધો કરતાં દિપકસિંહ પૃથ્વીસિંહ વાઘેલા ગત તારીખ 17 જુલાઈના રોજ ઉસ્માનપુરા ખાતે જૂના પશ્ચિમ ઝોન સ્ટેડિયમ વોર્ડ ઈજનેર શાખાની ડ્રેનેજ ઓફિસમાં ઘરની ગટર બાબતે ફરિયાદ લખાવવા ગયા હતા. આ સમયે ઓફિસમાં હાજર સુપરવાઇઝર કિરીટ કાનજીભાઈ સોલંકી, મયુર મણીલાલ મકવાણા અને અન્ય કર્મચારીઓ હાજર હતા. દિપકસિંહ ગટર સાફ કરવા બાબતે રજૂઆત કરતા હતા દરમિયાનમાં સુપરવાઈઝર કિરીટ સોલંકીએ ઉશ્કેરાઈ જઈને પાછળથી આવી ધક્કો મારતા દિપકસિંહને કમરના ભાગે ઈજા થઈ હતી. દિપકસિંહે આ ઘટના બાદ પત્નીને ફોન કરીને દિકરી હિરલ અને પુત્ર પ્રેમલસિંહને બોલાવી લીધા હતા. ડ્રેનેજ ઓફિસમાં કામ કરતા હંસા રાજેશભાઈ રાઠોડે દિપકસિંહના પત્ની સુનિતાબહેન ઓફિસમાં આવતા તેમની સાથે ઝઘડો કરી ધક્કો મારી પાડી દીધા હતા.
ડ્રેનેજ ઓફિસના કર્મચારીઓએ ઝગડો કરીને ધક્કો મારી પાડી દેવાની ઘટના અંગેની જાણ પોલીસ કંટ્રોલ રૂમને કરતા વાડજ પોલીસ સ્થળ પર આવી હતી. દિપકસિંહ વાઘેલાએ નિદાન કરાવતા તેમના નીચેના મણકામાં ફ્રેકચર હોવાનું સામે આવ્યું હતું. વાડજ પોલીસે દિપકસિંહ વાઘેલાની ફરિયાદના આધારે કિરીટ સોલંકી, મયુર મકવાણા અને હંસા રાઠોડ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.