વેલેન્ટાઈન્સ ડે – કરોડપતિ પરિવારની આઠ યુવતીઓ દીક્ષા લેશે 

સુરતમાં આગામી 14 ફેબ્રુઆરીના રોજ ખૂબ જ સાધનસંપન્ન વેપારી પરિવારની 8 યુવતીઓ સંસારની મોહમાયાનો ત્યાગ કરી વૈરાગ્ય ધારણ કરશે અને જૈન સાધ્વી બની જશે. આ યુવતીઓની ઉંમર 14થી 27 વર્ષની વચ્ચે છે. જેમાંથી કેટલીક યુવતીઓ ગુજરાત બહારથી કર્ણાટક, મુંબઈ અને રાજસ્થાનની રહેવાસી પણ છે. એક સાથે આટલી સંખ્યામાં યુવતીઓ દીક્ષા ગ્રહણ કરતી હોય તેવો પ્રસંગ બે દાયકા બાદ જોવા મળશે.

આગામી ફેબ્રુઆરીથી માર્ચ સુધીમાં મોટાપ્રમાણમાં દીક્ષાના આયોજનો થઈ ચુક્યાં છે. વેલેન્ટાઈન્સ ડેના દિવસે જ આઠ યુવતી-મહિલાઓ દીક્ષા લઈને સંયમના માર્ગે આગળ વધવા જઈ રહી છે. 9 ફેબ્રુઆરીએ રાકેશભાઈ, સીમાબેન, મીત અને શૈલીની દીક્ષા. 10મીએ રાજશ્રી અને ખુશીની દીક્ષા. 14 ફેબ્રુઆરીએ 8 દીક્ષા, 3 માર્ચે મુમુક્ષુ મોક્ષાલીની દીક્ષા, 8 માર્ચે ગણી પદવી સમારોહ, 13મીએ દૃષ્ટિ અને પૂજાની દીક્ષા અને 21 એપ્રિલે મુમુક્ષુ સ્વીટીની દીક્ષા યોજાશે. જેમાં માત્ર સુરત જ નહી પરંતુ ગુજરાત અને ગુજરાત બહારથી પણ દીક્ષાર્થીઓ દીક્ષા લેવા માટે સુરત આવવાના છે.

આ દીક્ષા લેનારી યુવતીઓ પૈકી એક પૂજા છાજેડ, રાજસ્થાનના ઘાસચારાના વેપારીની 22 જ વર્ષની દીકરી કહે છે કે ‘પહેલા મને ઘણાબધા સાંસારીક મોહની લાલસા હતી. પરંતુ જોકે અમારા માતાપિતા પહેલાથી જ અમને મોક્ષ અને ત્યાગ લઈ દીક્ષાના માર્ગે ચાલવા માટે પ્રોત્સાહન આપતા હતા. જોકે મારો ભાઈ સંસારના મોહને ત્યાગી શક્યો નહીં પણ બે વર્ષ પહેલા જ્યારે મારા દાદાનું મૃત્યુ થયું ત્યારથી મારી દુનિયા બદલાઈ ગઈ છે. મને સંસારના મોજશોખ મિથ્યા લાગવા લાગ્યા છે.’

દીક્ષા લેનાર અન્ય યુવતીઓ પૈકી પાલનપુરની સ્નેહી કોઠારી માત્ર 18 વર્ષની છે. તેના કાકા હિરેન શાહે કહ્યું કે, ‘સ્નેહી બાળપણથી જ ધર્મ પ્રત્યે વધુ આસક્ત હતી. તેના બે આન્ટીએ પણ દીક્ષા લીધી હતી અને સ્નેહી નાનપણથી જ વેકેશનમાં તેમની પાસે જઈ સત્સંગમાં ભાગ લેતી હતી. હવે તેણે દીક્ષા લઈને મોક્ષના માર્ગે જવા તૈયારી કરી છે.’આ ઉપરાંત દીક્ષા લેનારી યુવતીઓમાં સુરતની જ રાષ્ટ્રીય કક્ષાની જીમનાસ્ટિક ખેલાડી પુજા શાહ પણ સામેલ છે. તેણે કહ્યું કે, ‘સાધ્વી બનવા માટે મે એમ.કોમનો અભ્યાસ છોડી દીધો છે. આગામી ફેબ્રુઆરી 14એ તેનો બર્થ ડે પણ છે.’

આ ત્રણ યુવતી ઉપરાંત બીજી યુવતીઓ જે સંસારની મોહમાયા ત્યાગી મોક્ષના માર્ગે જવા દીક્ષા લઈ સાધ્વી બનશે. તેમાં સુરતની ધ્રુવી કોઠારી (24), બારડોલીની સ્વિટી સંઘવી (23), મુંબઈની મહેક કમલેશભાઈ (14), તુમકુર કર્ણાટકની ખુશી એચ. વિશાલ (18) અને ભાવનગર નજીકના વેરળ ગામની મિંજલ શાહ (27) છે

માસ્ટર ઓફ કોમર્સના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી અને નેશનલ લેવલની જિમ્નાસ્ટ પૂજા શાહ 14 ફેબ્રુઆરીના રોજ દીક્ષા લેવા જઈ રહી છે. આચાર્ય ગુણરત્નસૂરિ મહારા’જની નિશ્રામાં એક જ વર્ષમાં પૂજા સંયમના માર્ગે જવા મક્કમ બની છે. પૂજાનો પરિવાર ડીસાનો છે. અગાઉ તેના ફોઈ મહારાજે દીક્ષા લીધી હતી. ત્યારબાદ દીક્ષા લેનાર પૂજા બીજી સભ્ય છે. આચાર્ય ગુણરત્નસૂરિ મહારાજની નિશ્રામાં એક જ વર્ષમાં પૂજા સંયમના માર્ગે જવા મક્કમ બની છે. એક જ વર્ષમાં સિદ્ધિતપ, નવ્વાણુંની યાત્રા અને છટ ચોવિહારની કપરી આરાધનાઓ સંપન્ન કરી. તે સાત ગાઉની જાત્રા પણ બે વાર કરી ચૂકી છે.