વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી તણાઈને 11 કાળિયારના મૃતદેહો ગંગાવાડા ગામ પાસેથી મળી આવ્યા હતા. જ્યારે અન્ય દસ કાળિયારને બચાવી લેવામાં આવ્યાની વિગતો સામે આવી છે. આ મૃત્યુ પામેલા તમામ કાળિયારના મોત કૂતરાંના કરડવાથી થયા હોવાનું વન વિભાગના સૂત્રોએ જણાવ્યુ હતું.
ભાવનગર જિલ્લાના વલ્લભીપુર ખાતે બે દિવસ અગાઉ ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે વલ્લભીપુર સ્થિત વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં પણ અનેક સ્થળોએ પાણી ભરાયા હતા. આ વરસાદી પાણી બચવા માટે કાળિયાર હરણો ઊંચાઈ વાળા સ્થળો શોધવા માટે આમ તેમ ભટકતા હતા. આ કાળિયાર પૈકીનાં 11 કાળિયારના મૃતદેહો તણાઈને રાષ્ટ્રીય ઉદ્યાનની બહારના ભાગે આવેલ મહેસૂલી વિસ્તાર એવા ગંગાવાડા ગામ પાસે પહોંચી ગયા હતા. જ્યારે 10 જેટલા કાળિયાર હરણોને સ્થાનિક લોકો, વન વિભાગ અને પશુ ચિકિત્સક વિભાગના સ્ટાફ દ્વારા બચાવી લેવાયા હતા અને તેને સારવાર આપવામાં આવી હતી.
આ અંગે વન વિભાગના સૂત્રોએ જણાવ્યુ હતું કે, મૃત્યુ પામેલા 11 કાળિયારમાં ચાર નર અને સાત માદા હરણ હતા. વન વિભાગના સૂત્રો દ્વારા એવું જણાવાયું છે કે, મૃત્યુ પામેલા તમામ કાળિયાર વરસાદી પાણીથી બચવા માટે શરણું લઈ રહ્યા હતા ત્યારે કૂતરાઓએ તેમને કરડવાથી તેમનાં મોત નિપજ્યાં છે. જ્યારે બાકીના કાળિયાર હરણોને વન વિભાગ દ્વારા હાલમાં ઊંચાઈ વાળા સલામત વિસ્તારમાં રેસક્યું કરવામાં આવ્યા છે.