વૈશ્વિક પરિબળોને લીધે સેન્સેક્સ 500 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 11,450ની નીચે, એસબીઆઇ સાત ટકા તૂટ્યો

અમદાવાદ,તા:૨૫

વૈશ્વિક પ્રતિકૂળ સંકેતોની સીધી અસર સ્થાનિક બજાર પર પડી હતી. અમેરિકામાં રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સામે ઇમ્પિચમેન્ટની પ્રક્રિયા શરૂ થવાના અહેવાલે મંગળવારે અમેરિકી શેરબજારો મોટા ઘટાડા સાથે બંધ રહ્યા હતા. એની અસર વિશ્વભરનાં શેરબજારોમાં જોવા મળી હતી. જેથી સેન્સેક્સ 503 પોઇન્ટ તૂટીને 38,593.52ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 148 પોઇન્ટ તૂટીને 11,450ની નીચે 11,440ના મથાળે બંધ રહ્યો હતો.

સપ્ટેમ્બર એફ એન્ડ ઓ કોન્ટ્રેક્ટ સિરીઝનો આવતી કાલે છેલ્લો દિવસ છે, જેથી પણ બજારમાં વેચવાલી જોવા મળી હતી. આ ઉપરાંત મોર્ગન સ્ટેન્લીએ એસબીઆઇનું રેટિંગ ઘટાડ્યું હતું. જેથી બેન્ક, ઓટો, મેટલ અને રિયલ્ટી શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ નરમાઈતરફી માહોલ હતો. બેન્ક નિફ્ટી 600 પોઇન્ટ ઘટ્યો હતો. સરકારી બેન્કો અને કેપિટલ ગુડ્ઝ શેરોમાં પણ વેચવાલી રહી હતી.

જોકે આઇટી, એફએમસીસી અને ફાર્મા કંપનીઓના શેરોમાં તેજી થઈ હતી. ડોલર સામે રૂપિયામાં ટૂંકી વધઘટ હતી. છતાં બીજે દિવસે આઇટી શેરોમાં તેજી થઈ હતી.

બજારમાં હજી મંદીના ભણકારા વાગી રહ્યા છે. એક બાજુ દેશમાં તહેવારોની સીઝન ચાલી રહી છે. બીજી બાજુ કંપની ઓના  અર્ધવાર્ષિક પરિણામોની શરૂઆત થવાની છે. તેમ છતાં આંતરરાષ્ટ્રીય સ્તરે રાજકીય માહોલ અનિશ્ચિતતા સર્જાતાં સેન્ટિમેન્ટ નરમ જણાઈ રહ્યું છે.

મુંબઈ શેરબજારના સેન્સેક્સમાં સમાવિષ્ટ 30માંથી 25 શેરોમાં મંદી થઈ હતી અને એનએસઈના નિફ્ટી 50 ઇન્ડેક્સમાં 50માંથી 38 શેરોમાં મંદી થઈ હતી. મુંબઈ શેરબજારમાં 829 શેરો વધીને બંધ રહ્યા હતા, જ્યારે 1777 શેરો ઘટીને બંધ રહ્યા હતા, જ્યારે નેશનલ સ્ટોક  એક્સચેન્જ પર 547 શેરો વધીને બંધ રહ્યા હતા, જ્યારે 1624 શેરો ઘટીને બંધ રહ્યા હતા. જ્યારે બેન્ક નિફ્ટીના 12એ 11 શેરો ઘટીને સાથે બંધ થયા હતા.

 એસબીઆઇનું રેટિંગ ડાઉનગ્રેડ થતાં સરકારી બેન્કોમાં ભારે વેચવાલી

સરકારે 20 સપ્ટેમ્બરે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કર્યા બાદ બેન્કિંગ, ફાઇનાન્સિયલ  અનમે ઓટો શેરોમાં તેજી થઈ હતી, પરંતુ આ ક્ષેત્રના શેરોમાં ભારે  નફારૂપી વેચવાલી જોવા મળી હતી. મોર્ગન સ્ટેન્લીએ એસબીઆઇનું રેટિંગ ઘટાડીને ઓવરવેઇટથી ઇક્વલ કર્યું હતું. એની સાથે એની ટાર્ગેટપ્રાઇઝ રૂ. 330 કરી હતી. જેથી કરીને સરકારી બેન્કોમાં ભારે વેચવાલી થઈ હતી. બેન્ક નિફ્ટી આશરે 600 પોઇન્ટ તૂટીને 29,586.05ના મથાળે બંધ રહ્યો હતો. આ સાથે નિફ્ટી પીએસયુ બેન્ક ઇન્ડેક્સ 142 પોઇન્ટ તૂટીને 2380.80ના મથાળે બંધ રહ્યો હતો. આથી બેન્ક ઓફ ઇન્ડિયા,એસબીઆઇ , યુબીઆઇ, કેનેરા બેન્ક, બીઓબી, પીએનબી, ઇન્ડિયન બેન્ક, અલાહાબાદ બેન્ક અને ઓબીસી બેથી પાંચ ટકા ઘટ્યા હતા. એસબીઆઇનું રેટિંગ ડાઉનગ્રેડ થતાં બેન્કના માર્કેટ કેપમાં મોટો ઘટાડો થયો હતો. મંગળવારે બેન્કનું માર્કેટ કેપ 2,69,925 કરોડ રૂપિયા હતું, જે ઘટીને 2,50,023 કરોડ રૂપિયા થયું હતું. આમ રોકાણકારોને 19,903 કરોડનો ઝટકો લાગ્યો હતો.

ઓટો શેરોમાં જોરદાર દબાણમાં

ઓટો શેરોમાં જોરદાર વેચવાલીથી નિફ્ટી ઓટો ઇન્ડેક્સ ચાર ટકા તૂટ્યા હતા. સરકારે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કર્યા બાદ પણ ઓટો ક્ષેત્રે મારુતિએ તેના વાહનો પર રૂ. 5000 સુધીનું વધારાનું ડિસ્કાઉન્ટ જાહેર કર્યું હતું. આ સાથે બજાજે પણ એના ટૂ વ્હીલર્સ પર વધારાનું ડિસ્કાઉન્ટ જાહેર કર્યું હતું. આમ છતાં ઓટો શેરોમાં ભારે વેચવાલી થઈ હતી.

એનએસઈ પર 43 શેરો 52 સપ્તાહની નીચલી સપાટીએ સ્પર્શ્યા

નેશનલ સ્ટોક એક્સચેન્જ પર શેરોમાં બીજા દિવસે મંદી થઈ હતી, જેમાં 43 શેરો તેમની 52 સપ્તાહની નીચલી સપાટીને સ્પર્શ્યા હતા. આ શેરોમાં સિપ્લા, ઇન્ડિયન બેન્ક, ગ્લેનમાર્ક ફાર્મા, કોફી ડે એન્ટપ્રાઇઝીસ  અને મનપસંદ બેવેરેજીસનો સમાવેશ થાય છે.આઉપરાંત મોનેત ઇસ્પાત એન્ડ એનર્જી, ફ્લેક્સટફ વેન્ચર્સ ઇન્ટર., એસએમએસ ફાર્મા, અને તળવલકર હેલ્થકેર તેમજ અન્ય કેટલાક શેરો  તેમની નીચલી સપાટીને સ્પર્શ્યા હતા.

અમેરિકામાં રાજકીય અનિશ્ચિતતા

અમેરિકી લોમેકર્સે 24 સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે ઇમ્પિચમેન્ટ ઇન્ક્વાયરી શરી કરતાં વૈશ્વિક સેન્ટિમેન્ટ્સ પ્રતિકૂળ બન્યું હતું. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના આ નાટકીય પગલાથી રોકાણકારોના વલણને ઠેસ પહોંચી હતી. આ પહેલાં પણ રોકાણકારો અમેરિકા-ચીન વચ્ચેના વેપારયુદ્ધને પપગલે પહેલેથી હચમચી ગયા છે.

સરકાર એસયુયુટીઆઇમાંનો હિસ્સો વેચે એવી શક્યતા

નાણાં મંત્રાલય કદાચ એક્સિસ બેન્ક અને આઇટીસીમાંનો હિસ્સો વેચે એવી શક્યતા છે. સરકાર આ કંપનીઓમાં એસયુયુટીઆઇ દ્વારા હિસ્સો વેચે એવી શક્યતા છે. સરકાર સ્પેસિફાઇડ અન્ડરટેકિંગ ઓફ યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા (એસયુટીટીઆઇ) દ્વારા એક્સિસ બેન્ક 5.36 ટકા, આઇટીસીમાં 7.97 ટકા અને એલ એન્ડ ટીમાં 1.80 ટકા હિસ્સો ધરાવે છે. સરકાર આગામી મહિના સુધી એક્સિસ બેન્ક અને આઇટીસીમાંનો હિસ્સો વેચવાની યોજના ધરાવે છે. જોકે સરકાર એલ એન્ડ ટીમાંનો હિસ્સો વેચવાની હાલ વેચે એવી સંભાવના ઓછી છે.

એફપીઆઇની મોટી ખરીદીમાં હજુ ખચકાટ

સરકારની કંપનીઓને સરકારના ટેક્સ બોનાન્ઝા પછી વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાં મંદીની પોઝિશન ઘટાડી છે. જોકે એફ એન્ડ ઓ ડેટા જણાવે છે કે વિદેશી રોકાણકારોએ હજુ મોટા પાયે ખરીદી શરૂ કરી નથી. ઇન્ડેક્સ ફ્યુચર્સનો લોંગ-શોર્ટ રેશિયો ગુરુવારે સરકારની કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાના એક દિવસ પહેલાં 25 ટકાથી વધીને લગભગ 43 ટકા થયો છે, પણ 50 ટકા નીચેનો રેશિયો સૂચવે છે કેએફપીઆઇ ચોખ્ખી મંદીની પોઝિશન ધરાવે છે. એફપીઆઇએ કેશ માર્કેટમાં સોમવારે રૂ. 2,700 કરોડની ખરીદી પછી મંગળવારે રૂ. 800 કરોડના શેર્સ વેચ્યા હતા. વિશ્લેષકોના જણાવ્યા અનુસાર સ્ટોક ફ્યુચર્સ શેરના ભાવ કરતાં ઊંચા ટ્રેડ થતા હોવાને કારણે રિવર્સ આર્બિટ્રેજના ભાગરૂપે વેચવાલી કરવામાં આવી હતી.

મંગળવારે એફપીઆઇની ચોખ્ખી વેચવાલીના આંકડાને જોતાં કેટલાક નિષ્ણાતો માને છે કે એફપીઆઇએ મંદીની પોઝિશન ઘટાડી છે, પણ તે મોટી તેજી માટે ખરીદી કરવાની ઉતાવળમાં નથી.