વોડાફોન-આઈડિયાના નુકસાનની અસર બિરલા ગ્રૂપની અન્ય કંપનીઓ પર

અમદાવાદ,તા:૨૮

વોડાફોન સાથે આઈડિયા કંપનીના મર્જર બાદ બિરલા ગ્રૂપનાં અન્ય સાહસો પર માઠી અસર પડી રહી છે. બિરલા ગ્રૂપની અન્ય કંપનીઓ પર આ નુકસાનની ખૂબ મોટી અસર પડી રહી છે. બિરલા ગ્રૂપની અન્ય કંપનીઓની માર્કેટ કેપ 20 ઓગસ્ટે 21,431 કરોડ રૂપિયા ગગડી હતી.

કંપનીએ 19 ઓગસ્ટે ગ્રાહકોની સંખ્યામાં 41 લાખ ગ્રાહકોના ઘટાડાની જાણકારી આપી હતી, જે બાદ કંપની CEO બાલેશ શર્માના સ્થાને રવીન્દ્ર ઠક્કરની નિયુક્તિ કરવામાં આવી હતી. મોબાઈલ ફોન કંપનીના શેર્સની કિંમત ઓલટાઈમ ઘટી રહી છે, કારણ કે ગ્રાહકો મોટી સંખ્યામાં કંપનીને છોડી રહ્યા છે અને મહેસૂલ આધાર ઓછો થઈ રહ્યો છે. જો આમ જ ચાલતું રહેશે તો આગામી 4થી 5 મહિનામાં પ્રતિસ્પર્ધી કંપની જિયો વોડાફોન-આઈડિયાને પાછળ છોડી દેશે. જો કે એરટેલને જિયોએ પહેલાં જ પાછળ છોડી દીધું છે.

મંગળવારના સત્રમાં વોડાફોન-આઈડિયાના શેર્સમાં 6%નો ઘટાડો આવ્યો છે, જે કંપનીનાં વળતાં પાણી દર્શાવવા માટે પૂરતું છે. જૂન મહિનામાં કંપની માર્કેટ કેપ 40 હજાર કરોડ હતી, જેમાં એપ્રિલ-જૂન 2019 ક્વાર્ટરમાં 4873.9 કરોડનું નુકસાન નોંધવામાં આવ્યું. જો કે કંપની છેલ્લા 11 ક્વાર્ટર પૈકી 10માં નુકસાનમાં જ રહી હતી. આદિત્ય બિરલા ગ્રૂપની તમામ કંપનીઓની માર્કેટ કેપ 20 ઓગસ્ટે ઘટીને 2.31 લાખ કરોડ થઈ ગઈ છે.