વ્યાજની વસૂલાતના મામલે બે યુવકોનું અપહરણ કરી ગોંધી રાખી માર માર્યો

અમદાવાદ, તા.27

રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા હોવા છતાં બાકી હિસાબ પેટે 2.40 લાખ કાઢનારા વ્યાજખોરના ઈશારે પાંચ શખ્સો બે યુવકનું અપહરણ કરી માર માર્યો હોવાની ફરિયાદ રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.  આ મામલે રામોલ પોલીસે બે આરોપીઓને ઝડપી લીધા છે. જો કે, વ્યાજખોર શંકરને પોલીસ પકડી શકી નથી.

વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા ભરત રાવળ મિસ્ત્રી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ભરતભાઈની ભાણીના લગ્નમાં મામેરું કરવા રૂપિયાની જરૂર હોવાથી ભરતે પાડોશમા રહેતા મિત્ર જીજ્ઞેશ ઠાકોરને વાત કરી હતી. જીજ્ઞેશ ઠાકોરે શંકર નામના એક શખ્સ પાસેથી દસ મહિના અગાઉ એક લાખ રૂપિયા 20 ટકા વ્યાજે અપાવ્યા હતા. આ સમયે શંકરે 20 ટકા વ્યાજ તેમજ ફાઈલ ચાર્જ પેટે રકમ કાપી લઈને 74 હજાર રૂપિયા ભરત રાવળને આપ્યા હતા. રોજના બે હજાર લેખે 17 દિવસ સુધી ભરત રાવળે 34 હજાર રૂપિયા ચૂકવ્યા હતા. ત્યારબાદ 15 હજાર રોકડા આપ્યા હતા. રૂપિયા ચૂકવવામાં આવતા હોવા છતાં શંકર ભરત રાવળનું બાઈક ઉઠાવી ગયો હતો. બાકી વ્યાજ અને મૂડી પેટે શંકર કુલ રૂપિયા 2.40 લાખની ઉઘરાણી કાઢી ધમકી આપતો હતો.

ગુરૂવારના રોજ ભરત રાવળ કામ પતાવીને પોતાના ઘરે આવ્યા ત્યારે પાંચેક શખ્સો તેમને ઓફિસે ચાલો તેમ કહી વસ્ત્રાલ રીંગ રોડ પુષ્પક હાઈટસમાં લઈ ગયા હતા. જ્યાં જીજ્ઞેશ ઠાકોરને પણ લાવવામાં આવ્યા હતા. હાજર શખ્સો પૈકીના એક શખ્સે પોતે ખૂન કેસમાં જેલવાસ ભોગવી ચૂક્યો હોવાની વાત કહી હત્યા કરવાની ધમકી આપી માર માર્યો હતો. ત્યારબાદ બંને જણાને રૂમમાં પૂરી દેવામાં આવ્યા હતા. આજે વહેલી પરોઢ પહેલા જીજ્ઞેશ ઠાકોરના પિતા સ્થળ પર પહોંચતા બંનેને છોડી દેવાતા સારવાર અર્થે એલ.જી.હોસ્પિટલમાં ખસેડાયા હતા.