NTC જમીન કૌભાંડ, શંકરસિંહ વાઘેલા અને ગોવાણી બિલ્ડર્સ : સમગ્ર હકીકત જાણો
શંકરસિંહ વાઘેલા સામે જે 1700 કરોડના જમીન કૌભાંડ મામલે બુધવારે બપોરે સીબીઆઈ દ્વારા જે કાર્યવહી કરવામાં આવી છે તેના બીજ તો 2014માં જ રોપાઈ ચૂક્યા હતા. જે તે સમયે મુબંઈના પરેલમાં આવેલી એનટીસીની એક જમીનમાં થયેલા કૌભાંડ મામલે જે તે સમયે સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને તે મામલે કાર્યવાહી ચાલતી જ હતી અને હવે તે માટે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ કહેવાતા નેતા એવા શંકરસિંહને ફરતે ગાળિયો કસાતા રાજકીય લોબીઓમાં ગરમાટો આવી ગયો હતો. પણ પછી આ પ્રકરણમાં મોદી સરકારે કંઈ જ કર્યું નથી. આ કૌભાંડનો ઉપયોગ કરીને શંકરસિંહને ગળે તલવાર લટકતી રાખીને ઉપયોગ કર્યો છે.
અગાઉ શું થયું
મુંબઈના પરેલમાં આવેલી નેશનલ ટેક્સટાઈલ કોર્પોરેશનની 400 કરોડનું મુલ્ય ધરાવતી જમીન 2007ના ડિસેમ્બરમાં માત્ર 17. 5 કરોડમાં એક ખાનગી પ્રિન્ટીંગ પ્રેસ કંપનીને વેચી દેવાના કિસ્સામાં 2014 માર્ચમાં સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ જમીન પહેલા લીઝ પર અપાઈ હતી તેની પાસેથી લેણાં નીકળતા 90 કરોડ રૂપિયા પણ જે તે સમયે લેવાની કોઈ દરકાર રાખવામાં આવી નહોતી, તે પછી માત્ર બે કરોડ જ વસુલીને એ જમીન એ જ કંપનીને વેચી દેવામાં આવી હતી તે સમયે પણ એ બાકી નીકળતા લેણા લેવાનું કોઈને યાદ આવ્યું નહોતું. આ ઉપરાંત વરલીમાં આવેલી મધૂસૂદન મિલની જમીન ગોવાની બિલ્ડર્સને વેચવામાં પણ મોટી ગેરરિતી આચરવામાં આવી હોવનાનું સીબીઆઈને જણાયું હતું.
સીબીઆઈ દ્વારા જે તે સમયે એનટીસીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રામચંદ્રન પિલ્લાઈ અને ન્યૂ જેક પ્રિન્ટીંગ પ્રેસ પ્રાઈવેટ લિમિટેડ સામે જાહેર ક્ષેત્રની કંપનીને મોટું નુકશાન પહોંચાડવા બદલ એક તપાસ શરૂ કરવામાં આવી હતી. એ ઉલ્લેખનીય છે કે જે તે સમયે પિલ્લાઈ સામે એ આરોપ લાગ્યા હતા કે લીઝ પેટે જે બાકી રકમ 90 કરોડ લેવાની હતી તેને બદલે માત્ર બે કરોડ જ વસુલાયા હતા અને તે પછી એ જ કંપનીને આગળની બાકી રકમ વસુલવાને બદલે જમીનની મુળ કિંમત કરતા ઘણા ઓછા ભાવે તે જમીન આપી દેવામાં આવી હતી.
સીબીઆઈએ આ બાબતે કરેલી તપાસમાં એ બહાર આવ્યું હતું કે આ જમીન વેચવા માટે કમિટિ દ્વારા જે ઠરાવ કરાયો હતો તેમાં માત્ર પિલ્લાઈની જ સહી હતી, બીજા કોઈ સભ્યની તેમાં સહી નહોતી. પિલ્લાઈ દ્વારા આ સિવાય પણ ઘણી શરતોનો ભંગ કરીને આ જમીન વેચી દેવામાં આવી હતી. મુંબઈમાં પણ કેટલીક જમીન પાણીના ભાવે વેચી દેવાનો આરોપ પિલ્લાઈ પર છે. ચોક્કસ કંપનીઓને લાભ પહોંચાડવા માટે તમામ નિયમો નેવે મુકાયા હોવાનું પણ બહાર આવ્યું હતું. અગાઉ જે લોકોએ એનટીસી પાસેથી જમીન ખરીદી હોય, તેઓ જ ચોક્કસ જમીનો માટે બિડિંગ કરી શકે, તેવા મનસ્વી નિર્ણયો પણ રામચંદ્રન પિલ્લાઈએ કર્યા હતા. માર્ચ 2014માં જ્યારે કેન્દ્રમાં ભાજપની સરકાર આવી ન હતી, ત્યારથી સીબીઆઈ દ્વારા તપાસ ચાલી રહી હતી. એ સમયે સીબીઆઈએ પિલ્લાઈની સામે પ્રિલિમિનરી ઈન્ક્વાયરી શરૂ કરી હતી.
આ ઉપરાંત મધૂસૂદન મિલની જમીન ગોવાણી બિલ્ડરના કમલેશ મહેતાને વેચી દઈને એનટીસીને 1750 કરોડનો ફટકો મરાયો હતો. આ ડીલથી ગોવાની બિલ્ડર્સને 80,785 ચો.મી. જમીનમાંથી 27,500 ચો.મી. જમીન પર તેમનો પ્રોજેક્ટ વિકસાવવાની મંજૂરી મળી ગઈ હતી. જો કે 2014થી શરૂ થયેલી આ તપાસમા તે પછી એનટીસીની અન્ય જમીનો બાબતે પણ ગેરરિતીઓ થઈ હોવાનું જણાયું હતું અને તેના કારણે એ બાબતે પણ તપાસ શરૂ કરી દેવામાં આવી હતી.
હાલમાં આ જે કેસ દાખલ થયો છે તેમાં શંકરસિહં વાઘેલાની સાથે એનટીસીના તત્કાલિનચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રામચંદ્રન પિલ્લાઈ ઉપરાંત ગોવાની બિલ્ડર્સના કમલેશ મહેતા, એનટીસીના ડેપ્યુટી જનરલ મેનેજર આર.કે. શર્મા અને એમ. કે. ખરે તેમજ પહેલા જે હોલ એન્ડ એન્ડરસન લિમિટેડ તરીકે ઓળખાતી હતી તે એમ/એસ શ્રી મધૂસૂદન મિલ્સ પ્રાઈવેટ લિમિટેડના અધિકારીઓને પણ સાંકળી લેવાયા છે.
આ બંને જમીન કૌભાંડની શરૂ થયેલી તપાસમાં કદાચ વાઘેલા પહેલાથી જ રડારમાં હતા પણ જે તે સમયે તેમનું નામ જાહેર કરાયું નહોતું અને એક વર્ષ સુધી તપાસ કર્યા બાદ હવે તેમની ફરતે ગાળિયો કસાયો છે. એવું ફણ બની શકે છે કે જ્યારે આ તપાસ ચાલતી હતી તે સમયે કોંગ્રેની આગેવાની હેઠળની યુપીએ સરકાર હતી તેથી જે તે સમયે વાઘેલાનું નામ બહાર ન આવ્યું હોય. પણ હવે જ્યારે કેન્દ્રમાં સરકાર બદલાઈ ગઈ છે ત્યારે એ નામ જાહેર થાય એ નક્કી જ હતું.