પાલનપુર – ધાનેરા તાલુકાના સોતવાડા ગામનો વિક્રમ શંકર ચૌધરી નામનો બાળક બે મહિના પહેલા પાટણથી ગુમ થયો હતો. મળી ન આવતા ધાનેરા ધારાસભ્ય નથાભાઇ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી બાળકની શોધખોળ કરાવવા રજૂઆત કરી છે. પત્રમાં તેમણે લખ્યું છે કે, ગુમ થયેલો કિશોર પરિવારનો એકનો એક પુત્ર છે. સરકાર દ્વારા આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી કે પોલીસની ખાસ ટૂકડી બનાવી બાળકની સત્વરે ભાળ મળે તેવા પ્રયાસો કરીને શોધી કાઢો.
વિક્રમ શંકર ચૌધરી અભ્યાસ માટે પાટણ આવ્યો હતો. પાટણમાં ઠેક-ઠેકાણે સીસીટીવી કેમેરા લાગેલા છે. જેની ચકાસણી કરવી જોઈએ. ગુજરાતમાં બાળકો ગુમ થવાના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન રાજ્યમાં એક વર્ષમાં 2307 જેટલા બાળકો ગુમ થયા હોવાનો ઘટસ્ફોટ થયો છે. જે પૈકી 1804 બાળકો મળી આવ્યાં છે. ગુમ થયેલા બાળકો પૈકી 90 ટકા પ્રેમ પ્રકરણમાં ગુમ થયા હોવાનો ચોંકાવનારો ખુલાસો ગૃહરાજ્ય મંત્રીએ કર્યો છે.
એક વર્ષમાં ગુમ
એક વર્ષમાં કુલ 2,307 બાળકો ગુમ થયા છે. અમદાવાદ શહેરમાંથી 431, રાજકોટ શહેરમાંથી 124, રાજકોટ ગ્રામ્યમાંથી 123, ગાંધીનગરમાંથી 112 અને બનાસકાંઠામાંથી 106 બાળકો એક વર્ષના સમયગાળામાં ગુમ થયા છે. 2,307 બાળકોમાંથી 1804 બાળકો મળી આવ્યા હતા. 500 બાળકોનો કોઈ પત્તો નથી.
ગુમ થનાર બાળકોમાં 14થી 18 વર્ષના વધુ છે. આ બાળકો પ્રેમ પ્રકરણના કારણે ગુમ થતા હોય છે.
વર્ષ 2018-19માં 3654 બાળકો ગુમ થયા હતા.
છેલ્લાં પાંચ વર્ષમાં ઉત્તરોત્તર બાળકોની ગુમ થવાની સંખ્યામાં વધારો થતો જોવા મળ્યો છે.
1 જુલાઈ, 2014થી 30 જૂન, 2015 દરમિયાન 3099,
2015-16માં 3091,
2016-17માં 3222,
2017-18માં 3359,
2018-19માં 3654
કુલ 16,335 બાળકો 5 ગુમ થયાં છે.