સફેદ દૂધ, સફેદ જુઠ – દિલીપ પટેલ
શંકર ચૌધરીની બનાસ ડેરીએ પોતાના નામ વગર પણ તેમને મેઈલ પરથી કેટલાંક પત્રકારોને છાપાઓને એક નિવેદન મોકલી આપ્યું હતું. તેમા એવો દાવો કરાયો હતો કે, દૂધ કૌભાંડમાં ડેરીએ ફરિયાદ નોંધાવી છે. પણ ખરેખર તો ડેરીનું દૂધ ગુમ થતું હતું તે પોલીસે પકડી પાડ્યું હતું. બનાસ ડેરીએ ત્યારે કોઈ ફરિયાદ કરી જ ન હતી. વળી, જે ફરિયાદ થઈ છે તે તો દૂધની હેરાફેરી માટે પેટા કોન્ટ્રાક્ટરે ફરિયાદ કરી છે. બનાસ ડેરીએ કોઈ ફરિયાદ જ કરી નથી. જે ફરિયાદ થઈ છે તેમાં વ્યવસ્થિત ષડયંત્ર છે. જેમાં કોઈ સ્થળે ડેરી હાલ ચિત્રમાં આવી નથી. કોન્ટ્રાક્ટર જવાબદાર હોય તો તેમનો કોન્ટ્રાક્ટ રદ કરી દેવો જોઈએ તે પણ કરવામાં આવ્યો નથી. એશિયાની સૌથી મોટી દૂધની ડેરીના અધ્યક્ષ અને ભાજપના નેતા શંકર ચૌધરી દ્વારા દૂધ ચોરી કેમ ઢાંકવી તે અંગે આયોજન બદ્ધ કામ ચાલી રહ્યું છે.
હરિયાણા પોલીસે સ્પષ્ટ કહ્યું છે કે, જ્યાં ટેન્કર ઠલવાતું હતું ત્યાંથી અમે ટેન્કર પકડી પાડ્યું છે ડેરીએ કોઈ ફરિયાદ આપી ન હતી. ત્યાં સુધી તો બનાસ ડેરીને ખબર પણ ન હતી. પોલીસે એવું પણ કહ્યું છે કે, જ્યારે તેઓ બનાસ ડેરીમાં તપાસ કરવા ગયા ત્યારે ડેરી મેનેજમેન્ટ તરફથી કોઈ સહકાર ન હતો. ડેરીએ અમારી પાસેથી માહિતી લઈ લીઘી પણ તેમણે દૂધ કૌભાંડ પકડવામાં કોઈ જ સહકાર આપ્યો ન હતો. જો સહકાર આપ્યો હોત તો 6 મહિનાથી ચાલતાં કૌભાંડનો પર્દાફાશ થયો હોત.
પેટા કોન્ટ્રાક્ટર દ્વારા જે ફરિયાદ આપવામાં આવી છે તે પણ એક જ ટેન્ટકરની છે. તેમાં 15 ટેન્કરની ફરિયાદ ન હતી. તે પોલીસ તપાસમાં બહાર આવી છે.
આમ ડેરી પોતે જ દૂધ કૌભાંડ દબાવી દેવા માટે પ્રયાસ કરી રહી છે. જે બતાવે છે કે આ કૌભાંડ માત્ર 1 કે 15 દૂધના ટેન્કરનું નથી પણ ઘણું મોટું છે. જેની પાછળ મોટા માથા સંડોવાયેલા છે.
કૌભાંડનો માસ્ટર માઈન્ડ પ્લાંટનો મેનેજર અમરત ચૌધરી છે. જે ભાજપના એક નેતાનો સંબંધી છે. જેને રાજકીય પીઠબળ મળેલું છે. પોલીસ પાસે માસ્ટર માઈન્ડ અમરત ચૌધરી હીરાસતમાં હોવા છતાં તેને પત્રકારો સમક્ષ રજૂ કરવાના બદલે બીજા સામાન્ય બે કર્મચારીઓને રજૂ કર્યા હતા. ખરેખર જો મુખ્ય આરોપી તો અમરત ચૌધરી છે.
બનાસ ડેરીએ આજ સુધી એક શબ્દ આ મોટા દૂધ કૌભાંડ અંગે વાત કરી નથી. સહકારી મંડળીઓના સભાસદોને કંઈ કહ્યું નથી.
શંકર ચૌધરીની જાહેરાત ગેરમાર્ગે દોરનારી
બનાસ ડેરીના અધ્યક્ષ શંકર ચૌધરીએ એવી જાહેરાત કરી હતી કે, બનાસ ડેરીના ફરીદાબાદ ડેરી પ્લાંટમાં દૂધની ઘટ આવતાં અને CCTV તપાસતા દૂધ બારોબાર વેચી દેવામાં આવતું હતું. તેની વિગતો મળતાં બનાસ ડેરીના સત્તાવાળીઓએ તુરંત ફરિદાબાદ પોલીસને જાણ કરીને તપાસ કરવાનું કહેવામાં આવ્યું હતું. જોકે, શંકર ચૌધરી જૂઠું બોલતાં પકડાઈ ગયા હતા. તેમણે કે તેમની ડેરી દ્વારા પોલીસને આવી કોઈ જ જાણ કરી ન હતી. પોલીસે પોતે જ આ કૌભાંડ પકડી પાડ્યું છે.
દૂધ કોને આપવામાં આવ્યું ?
દૂધના ટેન્કરો ક્યાં લઈ જવાતાં હતા અને તે કોણ ખરીદ કરતું હતું તે બાબતે બનાસ ડેરીના અધ્યક્ષ શંકર ચૌધરી રહસ્ય ઊભું કરી રહ્યાં છે. તેઓ જાણતાં હોવા છતાં જાહેર કરતાં નથી અને છૂપાવી રહ્યાં છે. દૂધ ઉત્પાદકોનું દૂધ ક્યાં જતું રહ્યું તે જાહેર કરવાની શંકર ચૌધરીની જવાબદારી હોવા છતાં તે જાહેર કર્યું નથી. અત્યાર સુધી તો પોલીસ અને ટ્રાન્સપોર્ટર અનિલ ચૌધરીએ જે કહ્યું તે માની લેવામાં આવ્યું છે. પણ ડેરીએ હજુ સુધી આ અંગે તેના દૂધ ઉત્પાદકોને કહી નથી. ડેરીએ કોઈ તપાસ કરી નથી. કરી હોય તો જાહેર કરી નથી. ડેરી એ સહકારી છે, કોઈ રાજકીય નેતાની પેઢી નથી એવું પણ સભાસદો કહી રહ્યાં છે. રૂ.1.55 કરોડનું દૂધ ક્યાં ગયું તે હજુ બનાસ ડેરી શોધી શકી નથી. ડેરીએ પોતે આ અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાવી નથી. ખરેખર તો ડેરીએ પોલીસ ફરિયાદ નોંધાવવાની જરૂર હતી. પણ તેમ થયું નથી. જો એક જ ટેન્કર દ્વારા 15 ફેરા દૂધ બહાર લઈ જવાયું હતું તો બીજા આવી કેટલી ટેન્કર છે, તે અંગે કોઈ વિગતો ડેરી દ્વારા તેના સભાસદોને કહેવામાં આવી નથી. બનાસ ડેરી એ સહકારી ડેરી છે અને તેના સભાસદો તે જાણવા માંગે છે. કે દૂધ ક્યાં ગયું તે શોધી કઢો. બધા જ આરોપીઓ બનાસકાંઠાના છે. અને એક રાજકીય નેતાના એક સંબંધી છે. 15 ટેન્કરોનું 3.12 લાખ કિલો દૂધ ક્યાં ગયું તે અંગે શંકર ચૌધરી મૌન છે. દૂધ કોને ત્યાં ગયું છે તે ડેરીના કેટલાંક લોકો જાણે છે પણ જાહેરમાં બોલવા તૈયાર નથી.