શંખલપુરમાં 11 લાખના ખર્ચે 51 ફૂટ ઊંચી પક્ષી કોલોની અને લેક વ્યૂ વિથ સિનિયર સિટિઝન પાર્કનું નિર્માણ

મહેસાણા, તા.૩૧

જિલ્લાના મોડેલ વિલેજ શંખલપુરમાં સુવિધાના વધુ બે સોપાનોનો ઉમેરો થયો છે. ગ્રામ પંચાયત દ્વારા લોક ભાગીદારીથી 51 ફૂટ ઊંચું ભવ્ય પક્ષીઘર તેમજ લેક વ્યૂ વિથ સિનિયર સિટીઝન પાર્કનું નિર્માણ કરાયું છે.

શંખલપુર ગામ તળાવના કિનારે રૂપિયા 6 લાખના ખર્ચે 51 ફૂટ ઉંચી અને 912 ખાના ધરાવતી પક્ષીકોલોનીનું નિર્માણ ગામના દાતા અલ્પેશકુમાર ભગવાનભાઇ પટેલ આંગડિયાના આર્થિક સહયોગથી કરાયું છે, તેમજ રૂપિયા 5 લાખના ખર્ચે લેક વ્યૂ વિથ સિનિયર સિટીઝન પાર્ક બનાવાયો છે. જેમાં પણ ગ્રામ પંચાયતને પટેલ ભગવાનભાઈ હીરાભાઈ પટેલ હસ્તે અલ્પેશભાઈ પટેલ તરફથી આર્થિક યોગદાન મળ્યું છે. પાર્કમાં ગાર્ડન, શેડ, બાંકડા તેમજ શૌચાલયની વ્યવસ્થા છે. તો બહુચર વાટિકાના સૌજન્યથી મહિલાઓ માટે બાથરૂમની વ્યવસ્થા પણ કરાઇ છે.

ગ્રામ વિકાસ સમિતિના કન્વીનર પરેશભાઈ પટેલે જણાવ્યું કે, મૃત્યુના પ્રસંગે મહિલાઓ ગામ તળાવમાં નાહવા ઉતરે તેવી વર્ષો જૂની પરંપરા રહી છે, પરંતુ હવે મહિલાઓને કોઈ અગવડ ન પડે તે માટે અહીં બાથરૂમની વ્યવસ્થા કરાઈ છે. તો ગામના વડીલો કુદરતી આબોહવા સાથે સમય ગાળી શકે તે માટે તળાવ કિનારે જ સિનિયર સિટીઝન પાર્કનું નિર્માણ કરાયું છે.

પંખી ઘર અને લેક વ્યૂ વિથ સિનિયર સિટીઝન પાર્કનું લોકાર્પણ રીબિન કાપીને દાતા પરિવારના ભગવાનભાઈ હીરાભાઈ પટેલ, સમુબેન પટેલ, અલ્પેશભાઈ પટેલ, ગીતાબેન પટેલ વગેરેના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે ટોડા માતાજી ટ્રસ્ટના ચેરમેન કાળીદાસ પટેલ, મંત્રી અમૃતભાઈ પટેલ, સરપંચ ભીખીબેન પટેલ સહિત ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.