સુરતની તાજેતરની મુલાકાત વખતે NCPના ગુજરાતના પ્રમુખ જયંત પટેલ – બોસ્કીએ શંકરસિંહ અને તેમના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા અંગેનો રવિવારે સ્પષ્ટ સંકેત આપી દીધો હતો. તેમણે કહ્યું હતું કે, શંકરસિંહ બાપુ પુત્ર સાથે NCPમાં આવેલો ઠીક છે અન્યથા NCPમાં કોઈ સ્થાન નથી.
આમ હવે શંકરસિંહ વાઘેલા NCPમાં જઈ રહ્યાં હોવાનું સ્પષ્ટ થયું છે. કારણ કે શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. શંકરસિંહ પોતે હવે NCPમાંથી ચૂંટણી લડી શકે છે. ગયા વખતે NCP પોરબંદરથી લોકસભાની ચૂંટણી લડી હતી. આ વખતે તેમની માંગણી ગુજરાતમાં 3 બેઠક પરથી ઉમેદવારો ઊભા રાખવાની છે.
જોકે શંકરસિંહ વાઘેલાના નજીકના વિશ્વાસુ એવા સૂત્રો એવું કહી રહ્યા છે કે, શંરકરસિંહ વાઘેલા અને તેમના પુત્ર હવે NCPમાં જશે અને બન્ને અથવા એક લોકસભાની ચૂંટણી લડી શકે છે. મહેસાણા બેઠક પરથી શંકરસિંહ વાઘેલા અથવા તેમના પુત્ર ઊભા રહે તેવી શક્યતા બતાવવામાં આવી રહી છે.
આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત NCP ત્રણ બેઠકો પરથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યું છે. સુરત ખાતે NCPના ગુજરાતના પ્રમુખ જયંત બોસ્કીએ જાહેરાત કરી હતી કે, 2019ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને ગુજરાતમાંથી 2 થી 3 બેઠક પરથી ચૂંટણી લડશે, જેમાં NCP ત્રણ સીટો મહેસાણા, પોરબંદર અને દમણ પરથી ચૂંટણી લડશે. જ્યારે સુરતમાં લડવું કે કેમ તે અંગે પક્ષ વિચારણા કરશે.
એનસીપીના સુરત શહેર પ્રમુખ તરીકે ભૂતકાળમાં બુટલેગર અને મ્યુનિસિપલ સ્ટાફ પર હુમલાના આરોપી અક્રમ અન્સારીની નિયુક્તિ કરી દીધી છે. તેમણે મીડિયામાં ટોપ પર બેઠેલા લોકો અમારા ન્યુઝ સેન્સર કરી દે છે, તેઓ સાચી વસ્તુ બતાવતા કે લખતાં નથી. રાજકારણમાં કોઈ દૂધે ધોયેલા ન હોવાનું જણાવીને જો ભાજપ રાજકારણમાં ગંદકી છે, તો અમે તેનો થોડો ભાગ છીએ તેવું ખુલ્લેઆમ કહી દીધું હતું.
જયંત બોસ્કીએ khabarchhe.com સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, શંકરસિંહ NCPમાં આવવાના છે. મેં સુરતમાં એટલે જ કહ્યું હતું કે, રાતના અમે બેઠક કરવાના છીએ. ભાજપ હવે લોસભામાં જીતે તેમ નથી. તેથી તો ભાજપને લોકો છોડી રહ્યાં છે. ગુજરાતમાં અધિકારીઓ અને અખબાર-ટીવી ભરપુર ભ્રષ્ટાચાર કરી રહ્યાં છે. તેથી લોકો સુધી સાચી વાત પહોંચતી નથી. પ્રજા ભ્રષ્ટાચારથી અને આર્થિક અરાજકતાથી પરેશાન છે. દેશ હવે ખાડામાં ગયો છે. ભાજપ લોકસભામાં જીતે તેમ નથી. તેથી હવે લોકો ગુજરાતમાં NCPમાં આવી રહ્યાં છે. કેટલાંક ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યો ભાજપ છોડીને કોંગ્રેસમાં આવશે. જેની થોડા દિવસમાં જાહેરાત કરીશું. રાહ જુઓ. તેમ તેમણે કહ્યું હતું.
(દિલીપ પટેલ)