શનિના વલયો કચ્છમાં દિવસે જોવા મળ્યા

વહેલી સવારે પૂર્વ દિશામાં અવકાશી ગ્રહોની પરેડ ચાલુ છે. જેમાં મંગળ સિવાયના નરી આંખે દેખાતા બધા ગ્રહો ગુરુ, શનિ, શુક્ર અને બુધ હાજરી પુરાવી રહ્યા છે. આ બધાની સાથે જ્યારે ચંદ્ર સામેલ થાય ત્યારે તે નઝારાને માણ્યા વગર ખગોળ શોખીનો કેમ રહી શકે?
સ્ટારગેઝીંગ ઈન્ડિયા દ્રારા આવા નઝારાને ટેલિસ્કોપ દ્રારા અવલોકનનો કાર્યક્રમ સવારના 5.30 કલાકથી ભુજના લેકવ્યુ ખાતે વોક વે પાસે ગોઠવવામાં આવ્યો હતો. જેમાં ભુજ વાસીઓએ મોટી સંખ્યામાં બાળકો સાથે ભાગ લીધો હતો.
શરૂઆતમાં સ્ટારગેઝીંગ ઇન્ડિયા વતી નિશાંત ગોરે સૌને આવકાર આપી અવકાશી નઝારાની વિશેષતા સમજાવી હતી. જાણીતા ખગોળવિદ્ નરેન્દ્ર ગોર સાગરે રાશી, નક્ષત્ર અને ગ્રહોનો પરિચય કરાવી આકાશ દર્શન કરાવ્યું હતું.
દશ ઇંચ વ્યાસના વિશાળ ટલિસકોપ દ્રારા શનિના વલય અને તેનો ઉપગ્રહ ટાઈટન, ખૂબ જ પ્રકાશિત શુક્ર, ગુરુ ગ્રહ તથા તેના ચંદ્રો, તથા આપણાં ચંદ્ર ઉપર આવેલા ખાડાઓ જોઇ લોકો રોમાંચિત થયા હતા. સામાન્ય રીતે સૂર્યોદય બાદ તારા કે ગ્રહો દેખાતા નથી. પરંતું તે દિવસે શનિ અને ચંદ્રની યુતિ હોવાથી આકાશમાં શનિનું સ્થાન જાણમાં હોવાથી સૂર્યોદય બાદ પણ શનિને ટેલિસ્કોપથી જોવાનો લહાવો અલભ્ય હતો.
ખગોળ શોખીન વિદ્યાર્થી ગૌરવ રાચ્છ અને તેના મિત્રો પણ પોતાનું ટેલિસ્કોપ લાવી લોકોને અવકાશી નઝારાના દર્શન કરાવ્યા હતા, દયારામભાઈ જણસારીએ વ્યવસ્થા સંભાળી હતી, સમાજના અગ્રણી કેસરા ભાઈએ ખાસ હાજરી આપી ખગોળ જાગૃતિની પ્રવૃતિને બિરદાવી હતી, રાજેશ ગોર, ઘનશ્યામ ઉપાધ્યાય, મોહનિશ ચંદન વગેરેએ પણ આનંદ વ્યકત કર્યો હતો તથા આવા વધુ કાર્યક્રમોના આયોજન થાય તેવી લાગણી વ્યકત કરી હતી, આભારવિધિ વિજય વ્યાસે કરી હતી.

વહેલી સવારે મીઠી નિંદર છોડી બહાર નીકળવું થોડું અઘરું તો હોય છે પણ જેને કંઇક નવું જાણવું-જોવું છે તેઓ સાહસી કાર્યો માટે સદા તત્પર રહેતા હોય છે.