અમદાવાદ,તા.03
અમદાવાદ શહેરના તળાવોને ડેવલપ કરવા માટે અમપા દ્વારા અનેક વાર જાહેરાત કરવામાં આવી છે. પરંતુ તળાવોમાં ગટરના પાણી અનઅધિકૃત રીતે ઠલવાઈ રહ્યા છે ત્યારે કમિશનર વિજય નહેરા દ્વારા તમામ તળાવોને સ્વચ્છ અને ગંદકીમુકત કરવા માટે નિર્ણય કરાયો છે. તળાવો સાફ કરવા ગટરના જોડાણો દૂર કરવા માટે વધુ ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો છે. જો કે નહેરા અગાઉ 22 કમિશ્નરોએ અમદાવાદના તળાવોમાં સ્વચ્છ પાણી રાખવાની જાહેરાત કરી હતી પરંતુ તેઓ પણ સફળ થયા નથી ત્યારે નહેરા આ પ્રોજેકટમાં કેટલા સફળ નિવડે છે તે જોવુ રહ્યુ.
તળાવો વિકસાવવા શું પગલા લેવાશે?
તળાવ વિકસાવવા આસપાસના દબાણોને સરવે કરી તેને દૂર કરવામાં આવશે. ડી-માર્કશન કરવામાં આવશે. તળાવ સંપાદન કરવા કે માલિકી હકક બદલવા કાર્યવાહી કરાશે. ડીશીલ્ટીંગ કરવા માટે પણ ઈજનેર ખાતાને તાકીદ કરવામાં આવી છે.
મચ્છર પેદા કરતાં તળાવોમાં અને આસપાસથી ગંદકી અને દબાણો દૂર કર્યા બાદ તેને રમણીય બનાવવાની જવાબદારી બગીચા ખાતાને સોંપવામાં આવી છે. મચ્છર ન થાય તે માટે હેલ્થ ખાતા દ્વારા તળાવોની સફાઈ માટે રૂ.1.80 કરોડનો ઠેકો આપવામાં આવ્યો છે.
પ્લાન્ટ નિષ્ફળ
શહેરના 16 તળાવોને એક વર્ષ પહેલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાંટ સાથે જોડીને સ્વચ્છ કરવાના હતા. કમિશ્નર અને ભાજપના મેયર એક વર્ષમાં સાફ કરવામાં નિષ્ફળ રહ્યાં છે. વસ્ત્રાપુર તળાવને પાયલટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરાયો હતો. આ તળાવમાં રોજનું 5 લાખ લીટર પાણી ગટરનું આવે છે તેને શુદ્ધ કરવા માટે પ્લાંટ પણ મુકવામાં આવ્યો હતો જે નિષ્ફળ ગયો હતો.
અમિત શાહનો આદેશ
પાણી શુદ્ધ કરવાનો પ્લાંટ હોવા છતાં આજે તેમાં ખેડૂતોના ભાગનું નર્મદા નહેરથી પાણી ભરવામાં આવી રહ્યું છે કારણ કે તે અમિત શાહના મત વિસ્તારમાં આવે છે. તેમણે જ તળાવને નર્મદા પાણીથી ભરવા માટે સૂચના આપી છે. ખેતરો માટે પાણીનો કાપ મૂકીને તેનું ઉત્પાદન ગુમાવીને નર્મદાના પાણીથી અમદાવાદના તળાવો ભરવા માટે આદેશ અમિત શાહે આપ્યો છે.
10 ટકા લોકોને નળ નથી
અમપા વર્ષે પાણી પૂરું પાડવા માળખું ઊભું કરવા રૂ.400 કરોડનો ખર્ચ કરે છે. છતાં શહેરમાં 10 ટકા વિસ્તારમાં લોકોને પીવાનું પાણી નથી. વોટર નેટવર્કનો અભાવ છે. જેથી સરખેજ, દાણીલીમડા, બહેરામપુરા, ખોખરા સહિતના વિસ્તારોમાં ટેન્કરથી પાણી સપ્લાય કરવું પડી રહ્યું છે. શહેરમાં દૈનિક 1200 થી 1400 એમએલડી પાણી અપાય છે, જેમાં 270 એમએલડી પાણી નીકળી જાય છે. પણ ગરીબોને પાણી મળતું નથી અને નર્મદાના શુદ્ધ જળથી પાણી ભરવામાં આવી રહ્યાં છે.
ભરપુર વરસાદ છતાં તળાવ ખાલી
વસ્ત્રાપુરનું તળાવ સહિત અનેક તળાવ વરસોથી ખાલી પડ્યા છે. તે ભરવા માટે કરોડોનો ખર્ચ થાય છે. 20 ઇંચ વરસાદ થાય તો છલોછલ ભરાયેલા હોવા જોઈએ એવું વોટર ઓડિટ નહીં થાય ત્યાં સુધી માટીકામ થઈ જશે પણ જળસંગ્રહ નહીં થાય. ગુજરાતને પીવા માટે જે પાણી જોઈએ તેના 40 ટકા વરસાદી પાણી અમદાવાદમાં આવ્યુ છે છતાં નર્મદાના પાણીથી ખેડૂતોનો હક્ક છીનવીને પાણી ભરવામાં આવી રહ્યાં છે. કારણ કે શહેરી વિસ્તાર ભાજપની સરકાર બનાવે છે અને ખેડૂતો ભાજપની વિરદ્ધ છે. શહેરમાં ખેતી તો થતી નથી. આ બધું જ પાણી સ્ટોર્મ વોટર ડ્રેઇનથી અમદાવાદની અંદર અથવા આજુબાજુ નક્કી કરેલા વિસ્તારમાં મોટાં તળાવ કરીને સંઘરવામાં આવે તો પીવા તેમજ અન્ય ઉપયોગ માટે અમદાવાદ સંપૂર્ણ સ્વાવલંબી બની જાય તેમ છે પરંતુ આમ છતાં નર્મદાનું પાણી ભરવાનો રાજકીય નિર્ણય લેવાયો છે. ઢાળ પ્રમાણે પાણીને સ્ટોર્મ વોટર ડ્રેઇન અને વરસાદી પાણી સંઘરવા તળાવો તૈયાર કરવાં જોઈએ એ કરવાના બદલે નર્મદાનું પાણી ભરવાનો આદેશ તઘલખી લોકો લઈ રહ્યાં છે. મેમનગર તળાવ, થલતેજ તળાવ, શીલજ તળાવમાં ગટરના પાણી ઠલવાય છે. તીવ્ર દુર્ગંધ મારતાં વાતાવરણને લઇ સ્થાનિક વિસ્તારોમાં મચ્છરોના ઉપદ્રવ અને તેના કારણે મચ્છરજન્ય રોગો તેમ જ બિનઆરોગ્યપ્રદ સ્થિતિ સર્જાઈ છે.
200 કરોડનો ખર્ચ પાણીમાં
2007માં ભાજપનું ફંડ ભેગુ કરનારા સુરેન્દ્ર પટેલે ઔડામાં રૂ.120 કરોડનો ખર્ચ કરીને 14 તળાવોને એકબીજા સાથે 64 કિલો મીટરની પાઈપલાઈનથી જોડી દીધા છે. પેરકોલેટ વેલ લગાવવામાં આવ્યા છે. અમદાવાદ શહેર પાસે સાબરમતી નદી છે, પરંતુ આ તળાવથી જ શહેરની રોનક રહે છે. તેને નર્મદાના પાણીથી ભરવા કરોડો રૂપિયાનું ખર્ચ કરાયું અને હવે પાણી શુદ્ધ કરવા માટે કરોડો રૂપિયા ખર્ચ કરાશે. નર્મદા કેનાલથી ખોરાજ તળાવ સુધી 4.50 કિલોમીટરની પાઈપલાઈન નાંખવાનું કામ શરૂ કરાશે. વસ્ત્રાપુર તળાવ છેલ્લા પાંચ વર્ષથી વધારે સમયથી ગટરનું પાણી નંખાતું હતું અથવા સૂકું હતું. નર્મદાના પાણીથી ભરવા માટે 12 તળાવો માટે પાઈપલાઈન નાંખી છે. પૂર્વમાં બીજા રૂ.80 કરોડ ખર્ચવામાં આવ્યા હતા. આમ કૂલ રૂ.200 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
રુ.300 કરોડનો એસટીપી પ્લાન્ટ પ્રોજેકટ
રૂ.27 કરોડના 12 જેટલા એસટીપી પ્લાન્ટ નાંખવામાં આવી રહ્યાં છે. 12 કરોડનો ખર્ચ ઓપરેશન-મેઇન્ટેનન્સ પાછળ થાય છે. ઠેકો અપાય તે પહેલાં જ વસ્ત્રાપુર તળાવમાં એસટીપી પ્લાન્ટ ઊભો કરી દેવાયો છે. કૂલ રૂ.300 કરોડનો તળાવોના જોડાણનો પ્રોજેક્ટ કર્યા બાદ પણ ચોમાસામાં વરસાદી પાણી તળાવ સુધી પહોંચતા નથી ઓપરેશન-મેઇન્ટેનન્સના નામે ઠેકેદારોને ટેન્ડરમાં ઊંચા ભાવ આપીને રાજકીય નેતાઓ કટકી કરે છે. 27 કરોડના ટેન્ડર સામે કુલ ખર્ચ 15 કરોડ છે તથા ઓપરેશન-મેઇન્ટેનન્સનો ખર્ચ રૂ.12 કરોડ છે. તળાવો ગટરના ટ્રીટ પાણીથી ભરવા 300થી 500થી 1000 કેએલડી, 11 એસટીપી પ્લાન્ટ લગાવાશે. અસારવા, વસ્ત્રાલ, નરોડા, મોટેરા, શીલજ, છારોડી, ગોતા, નિકોલ, માલવ, યદુડી, સરખેજ, સૈજપુર તળાવ પર 500થી 1000 કેએલડી પ્લાન્ટ મુકવા નિર્ણય લેવાયેલ છે.