શહેરનું વસ્ત્રાપુર તળાવ ભરવામાં પ્રજાની પરસેવાની કમાણી, અમુલ્ય પાણીનો વેડફાટ

અમદાવાદ,તા.19
કેન્દ્રીય ગૃહમંત્રીની સુચનાને પગલે મુખ્યમંત્રી રુપાણીએ મ્યુનિ.કમિશ્નરને શહેરના તળાવો ભરવાની કામગીરીના આદેશ કર્યા હતા. જેથી ચોમાસાની સિઝન દરમિયાન અમપા દ્વારા શહેરના તળાવો ભરવા માટેનું અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતુ. આ અભિયાન અંતર્ગત નવા પશ્ચિમઝોન, પશ્ચિમઝોન તેમજ દક્ષિણઝોનના તળાવો ભરવામાં આવ્યા હતા. વસ્ત્રાપુર, ચંડોળા તળાવમાં નર્મદા નીરનાવધામણા કરવા માટે મ્યુનિ.કમિશ્નર અને સીટી એન્જીનયર દ્વારા ખાસ કાર્યક્રમ આયોજન પણ કર્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત ચંડોળા તળાવમાં રાજય ગૃહમંત્રી તથા વસ્ત્રાપુરમાં મુખ્યમંત્રી રુપાણીના હસ્તે નર્મદા નીરના વધામણા કરવામાં આવ્યા હતા. આ સમયે મુખ્યમંત્રીએ તળાવમાં બોટીંગ સહિતની અનેક પ્રજાકીય જાહેરાતો પણ કરી હતી. જો કે આ તમામ જાહેરાતો હાલ તો પોકળ સાબિત થઈ રહી છે. નકકર કામગીરી જોવા મળી રહી નથી. વસ્ત્રાપુર તળાવના સંદર્ભે વાત કરીએ તો તંત્રના પોકળ દાવાઓ અહી છતા થઈ જાય છે. આ તળાવમાં પાણી સાંજ થતા જ ઉતરી જાય છે.

વસ્ત્રાપુર તળાવ હંમેશા ખાલી

કેન્દ્ર અને રાજયસ્તરેથી સુચના બાદ કાંકરીયાને ધ્યાનમાં રાખીને વસ્ત્રાપુર તળાવનો વિકાસ કરવામા આવી રહ્યો છે. વસ્ત્રાપુર તળાવને ભરવા માટે 0.50 એમએલડી ક્ષમતાનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ સક્ષમ ન નિવડતા જાસપુર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી સ્ટ્રોમ લાઈન મારફતે નર્મદા નીરને આ તળાવમાં ઠાલવવામાં આવ્યુ હતુ. જો કે વસ્ત્રાપુર તળાવ ફરી એક વખત ખાલી થઈ રહ્યુ છે. દરરોજ લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે ત્યારે આ માટે સીટી ઈજનેરને જવાબદાર માનવામાં આવી રહ્યા છે.

મુળ સમસ્યા

સુત્રોની માનીએ તો ખરેખર તો આ તળાવની મુળ સમસ્યા જ દુર કરવામાં આવ નથી. વસ્ત્રાપુર તળાવની ક્ષમતા 24 ફૂટની છે જેની સામે લગભગ 18થી 19 ફૂટ સુધી જ પાણી ભરી શકાય છે પરંતુ પરકોલેટીંગની સમસ્યાના કારણે આઠથી નવ ફૂટ જ પાણી રહે છે. મ્યુનિ. કમીશ્નર અને સીટી ઈજનેરની સુચના મુજબ લેવલ કરવા જાસપુરથી સરેરાશ ચાર લાખ લીટર શુધ્ધ પાણી તળાવમાં નાંખવામાં આવે છે. પરંતુ સાંજ સુધી પાણી ઉતરી જાય છે અને પરિણામે શહેરના નાગરીકોને શુધ્ધ પાણી માટે મુશ્કેલી પડી રહી છે.

પ્રજાની પરસેવાની કમાણીનો વેડફાટ

તળાવમાં પાણી રહેતુ નથી ત્યારે તંત્ર શા કારણે રોજના ચાર લાખ લીટર શુધ્ધ પાણીનો વેડફાટ કરી રહ્યુ છે તે એક ગંભીર પ્રશ્ન છે. નર્મદાના એક લીટર પાણીને ટ્રીચ કરી સપ્લાય કરવા માટે લગભગ રુ.પાંચનો ખર્ચના હિસાબે ગણતરી કરીએ તો નાગરિકની પરસેવાની કમાણીના રુ.20 લાખ રોજના તળાવનું પાણી ભરવામાં વેડફાઈ જાય છે.

ગેરકાયદે જોડાણ દુર કરાયા

આ તળાવમાં ગેરકાયદે ડ્રેનેજના જોડાણો પણ થઈ ગયા હતા પરંતુ આ રીતે ગેરકાયદે જોડાણો કરનારા સામે પગલા લેવાની તસ્દી અડી.ઈજનેર કક્ષાના અધિકારીઓએ લીધી ન હતી. ઉલ્લેખનીય છે કે હાલ તળાવમાં પાણી ભરવાની અને જાળવણી કરવાની જવાબદારી જેના શિરે છે તે સીટી ઈજનેર એન.કે.મોદી પણ નવા ઝોનમાં એડી.સીટી ઈજનેર તરીકે ફરજ બજાવી ચુકયા છે. તેમના કાર્યકાળ દરમ્યાન પણ વસ્ત્રાપુર તળાવમાં ડ્રેનેજના ગેરકાયદેસર જાડાણો હતા તદ્દઉપરાંત સ્ટ્રોમ લાઈનમાં પણ અનેક જાડાણો થયા હતા તેવી ચર્ચા પણ ચાલી રહી છે. શહેરીજનો પાણીની સમસ્યાથી ત્રસ્ત છે ત્યારે આ સમસ્યાના નિરાકરણ માટે કેન્દ્ર અને રાજય બાદ અમપા તંત્ર સફાળુ જાગ્યુ હતુ અને તમામ તળાવોમાંથી ગેરાકાયદ ડ્રેનેજના જોડાણો દુર કરી તેમાં પાણી ભરવા કમિશ્નરે આદેશ કર્યા હતા. વસ્ત્રાપુર તળાવમાં પણ આ આદેશ અનુસાર જ ગેરકાયદે જોડાણ દુર કરવામાં આવ્યા હતા.

ઈજનેરના કન્સલટન્ટે બાંહેધરી મુદ્દે હાથ ઉંચા કર્યા

નર્મદા નીરના વધામણા સમયે મુખ્યમંત્રીએ અહી બોટીંગની જાહેરાત કરી હતી. પરંતુ જો પાણી જ ન રહેતુ હોય તો બોટીંગની વાત પણ દુર રહી જાય. ગાંધીનગરથી આદેશ થયા બાદ સીટી ઈજનેરે કન્સલટન્ટ, ડ્રેનેજ પ્રોજેકટ અધિકારી, ઝોનલ અધિકારીઓ તથા અન્ય નિષ્ણાંતો સાથે શુક્રવાર સવારે વસ્ત્રાપુર તળાવની અભ્યાસ હેતુ મુલાકાત લીધી હતી અને કોઈપણ સંજાગોમાં પરકોલેરીગ સમસ્યાનો ઉકેલ લાવવા માટે કન્સલટન્ટ ને વિનંતી કરી હતી. સીટી ઈજનેરના માનીતા કન્સલટન્ટ, “મલ્ટી મેન્ટેકે” કામ કરવા તૈયાર થયા છે. પરંતુ બાંહેધરી મુદ્દે હાથ ઉંચા કર્યા છે. જેના પરીણામે સીટી ઈજનેર સાથે-સાથે મ્યુનિ. કમીશ્નર પણ મુંજાયા છે.