શહેરમાં અટકી પડેલી ફોગીંગ કામગીરી: અમપા અને કોન્ટ્રાકટરોની જીદનો ભોગ શહેરીજનો

અમદાવાદ, તા.21

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મચ્છર નિયંત્રણ માટે દર વરસે ચોમાસાની સિઝન શરૂ થાય તે માટે ઈન્ડોર રેસીડયુલ સ્પ્રેની કામગીરી શરૂ કરવામાં આવે છે. જેના માટે ઝોન દીઠ લેબર કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. જ્યારે દવા ખરીદી મનપા દ્વારા થાય છે ચાલુ વરસે પણ આરોગ્ય ખાતાએ જરૂરીયાત મુજબ રૂ.૧.રપ કરોડની દવા ખરીદ કરી છે. તેમજ નિયત સમયે લેબર કોન્ટ્રાક્ટ માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યા હતા પણ કોન્ટ્રાકટરોના ભાવ ન સ્વીકારવાની અમપાની જીદ અને માનીતા કોન્ટ્રાકટરોને લાભ આપવાની દાનતને કારણે આ કામગીરી હજુ શરુ થઈ નથી.  ચાલુ વર્ષ દરમ્યાન આઈઆર સ્પ્રેનું કામ થાય એવી શક્યતાઓ પણ નહિવત જણાઈ રહી છે

ટેન્ટરના ભાવ અંગે અમપા શું કહે છે?

ટેન્ડરમાંતમામ કોન્ટ્રાક્ટરોંએ ઘરદીઠ રૂ.૩પ ના ભાવ આપ્યા હતા. જેની સામે મ્યુનિસિપલ શાસકોએ રૂ.રર ના ભાવની માંગણી કરી હતી. જેનો અસ્વીકાર થયા બાદ રી-ટેન્ડર કરવામાં આવ્યા હતા. જેમાં પણ રૂ.૩પ ના ભાવ જ ભરવામાં આવ્યા છે.  મ્યુનિસિપલ શાસકોના મંતવ્ય મુજબ દર વરસે રૂ.૧૬ થી રૂ.૧૮ના ભાવથી કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. તેથી ડબલ ભાવ આપી શકાય નહીં.

આ સામે કોન્ટ્રાકટરોની દલીલ શું છે?

જ્યારે કોન્ટ્રાક્ટરોની દલીલ એવી છે કે દર વર્ષે સાડા સાત લાખ મકાનોમાં સ્પ્રે કરવાના કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. જેની સામે ચાલુ વરસે માત્ર સવા બે લાખ મકાનમાં જ સ્પ્રે કરવામાં આવી રહ્યા છે. એવી જ રીતે અગાઉ દૈનિક સરરેશ ૧૩૦ મકાનોમાં સ્પ્રે કરવાની શરત હતી. જ્યારે ચાલુ વરસે દૈનિક સરેરાશ ૮૦ મકાનોની જ શરત રાખવામાં આવી છે. જેના પરિણામે લેબર કોસ્ટ વધી જાય છે. લઘુતમ વેતન ધારા મુજબ લેબરનો પગાર, પીએફ.,ઇન્સ્યોરન્સ તથા મેડીકલ સહિતના ખર્ચની ગણતરી કરવામાં આવે તો રૂ.૩પ થી ઓછા ભાવ પોષાય એમ નથી.

અમપા- કોનટ્રાકટરોની જીદનો ભોગ શહેરીજનો

મ્યુનિસિપલ હોદ્દેદારો કોઈપણ સંજાગોમાં રૂ.૩પ ના ભાવ આપવા તૈયાર નથી જ્યારે કોન્ટક્ટ્રરો નીચા ભાવથી કામ કરવા રાજી નથી. આ બંનેની જીદનો ભોગ શહેરીજનો બની રહ્યા છે.

ભાજપના એક હોદ્દેદારના મંતવ્ય મુજબ આ દવાનો ઉપયોગ આગામી વરસે પણ થઈ શકે છે. જ્યારે જાણકારોના જણાવ્યા અનુસાર દવાની એકસપાયરી એક વર્ષની જ હોય છે તેથી ર૦ર૦ બાદ આ દવાનો ઉપયોગ થાય એવી શક્યતા નહીવત છે. આમ મ્યુનિસિપલ હોદ્દદારોની ખોટી મમતના પરિણામે આરોગ્ય વિભાગ દ્વારા ખરીદ કરવામાં આવેલી દવા ધુળ ખાઈ રહી છે. જ્યારે માનીતા કોન્ટ્રાક્ટરોના ફાયદા માટે ફોગીંગનું ખાનગીકરણ કરવાની હિલચાલ શરૂ થઈ છે.  મ્યુનિસિપલ ભાજપની આ બેવડી નીતિ ચર્ચાનો વિષય બની છે.

માનીતા કોન્ટ્રાકટરોને લાભ ખટાવવા માગતી અમપા

મ્યુનિસિપલ હોદ્દેદારો વધુ ભાવના કારણોસર આઈઆર સ્પ્રેનો કોન્ટ્રાકટ આપવા રાજી નથી. જ્યારે માનીતા રાજકીય કોન્ટ્રાકટરોના લાભાર્થે ફોગીંગનું ખાનગીકરણ કરવા તૈયાર થયા છે. સુત્રોએ જણાવ્યા અનુસાર મેલેરીયા વિભાગ પાસે ૧૦૦ કરતા વધુ ફોગીંગ મશીનો છે. દર વરસે ઝોન દીઠ ર૦ થી રપ ફોગીંગ મશીનનો ઉપયોગ થાય છે. સામાન્ય સંજાગોમાં આટલા મશીનો પુરતા છે.

તેમ છતાં સતાધીશો ઘર દીઠ રૂ.રરના ભાવથી ફોગીંગનો કોન્ટ્રાક્ટ આપવા જઈ રહ્યા છે. જેમાં મશીન, દવા અને લેબર કોન્ટ્રાક્ટરના રહેશે. જેની સામે તગડી રકમ પણ વસુલવામાં આવે છે.

ફોગીંગના ખાનગીકરણનો ડ્રાફટ ચાર મહિનાથી તૈયાર

સામાન્ય રીતે કોઈ એક ટાઉનશીપમાં ઓછામાં ઓછા ૪૦૦ થી પ૦૦ મકાનો હોય છે. ખાનગી કોન્ટ્રાક્ટર ટાઉનશીપ કેમ્પસમાં ફોગીંગ કરશે.જેની સામે ઘર દીઠ રૂ.રર લેખે પેમેન્ટ ચુકવવામાં આવશે. ફોગીંગ ખાનગીકરણનો ડ્રાફટ લગભગ ચાર મહિનાથી તૈયાર છે. તથા પ્રાયોગિક ધોરણે પાલડી વોર્ડમાં તેનો અમલ કરવાની તૈયારી પણ થઈ ચુકી હતી. જે વાત લીક થયા બાદ તેનો અમલ કરવામાં વિલંબ થયો છે. પરંતુ ફોગીંગનું ખાનગીકરણ નિશ્ચિત હોવાના કારણોસર જ આઈઆર સ્પ્રેના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા નથી