અમદાવાદ, તા.૧૧
અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા અમદાવાદ શહેર અને શહેરને જોડતા અન્ય વિસ્તારોને કનેક્ટિવિટી આપવા માટે રૂ.૫૩૧ કરોડના ખર્ચે આઠ બ્રિજ બનાવાશે. ઉપરાંત સરદાર પટેલ રિંગ રોડ પર ૧૯ જેટલા ફ્લાય ઓવરબ્રિજના નિર્માણનુ આયોજન કરી સાણંદ અને કલોલ સુધીના વિસ્તારમાં વિવિધ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવનાર છે.
આ અંગે મળતી માહિતી અનુસાર, ઔડા દ્વારા આગામી બે વર્ષની અંદર આઠ નવા બ્રિજ નિર્માણની સાથે નવા વિકસતા વિસ્તારોમાં પાકા રસ્તા બનાવવા માટે રૂ.૨૮૯ કરોડની રકમનો ખર્ચ કરવામાં આવશે. ઔડાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એ.બી. ગોરે આપેલી પ્રતિક્રિયા મુજબ, ઔડા આગામી સમયમાં રૂ.૨૦૪ કરોડનો ખર્ચ પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ પાછળ કરી વિવિધ કેટેગરીના આવાસ લોકોને સરળતાથી મળી રહે એ માટે કરવાનું છે.
ઔડા દ્વારા આગામી દિવસોમાં રૂ.૨,૦૧૫ કરોડના ખર્ચે નવી ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવશે. એશિયન ડેવલપમેન્ટ બેન્ક પાસેથી રૂ.૨૮૦૦ કરોડની સોફ્ટલોન લેવા કાર્યવાહી કરશે. સાથે જ રૂ. ૨૦૨ કરોડનો ખર્ચ નાના પ્રોજેક્ટ માટે કરાશે. આગામી સમયમાં ઔડા નવા વિસ્તારોમાં ઓડિટોરિયમ, પુસ્તકાલય, સિવિક સેન્ટર, તળાવો વિકસાવવાના કામ પણ હાથ ધરશે. સૂત્રોના કહેવા મુજબ, ઔડા આગામી બે વર્ષમાં સાણંદ અને કલોલ સુધી વિકાસકાર્યો કરી સેવાઓનો વ્યાપ વધારશે.
હાલ નિર્માણાધીન ફ્લાય ઓવરબ્રિજ
ઔડા દ્વારા હાલ જે ફ્લાય ઓવરબ્રિજ નિર્માણાધીન છે એમાં ભાડજ જંક્શન, મક્તમપુરા જંક્શન, વસ્ત્રાલ જંક્શન, શાંતિપુરા જંક્શન, સનાથલ જંક્શન, દહેગામ જંક્શન, ઝુંડાલ જંક્શન, રણાસણ જંક્શનનો સમાવેશ થાય છે.