શહેરમાં પ્લાસ્ટીક વિક્રેતાએ જ દુકાને બોર્ડ લગાવ્યું, પ્લાસ્ટીક ચમચી, પ્લેટ, વાટકી, સ્ટ્રો વાપરવી નહીં

મહેસાણા, તા.૦૩ 

બુધવારે ગાંધી જયંતીથી પ્લાસ્ટીક મુક્ત ભારતની આરંભાયેલી ઝુંબેશથી મહેસાણા શહેરમાં પ્લાસ્ટીક બેગના બદલે કપડાં અને કાગળની બેગનો ઉપયોગ કરવા સૌ વિચારતા થયા છે. બજારમાં ઘણા ખરા કાપડની થેલી લઇને ખરીદી કરતાં જોવા પણ મળી રહ્યા છે, પણ હજુ પ્લાસ્ટીકનું ચલણ ગ્રાહક સાચવવાની લ્હાયમાં શાક માર્કેટમાં જોવા મળી રહ્યું છે. તો મહેસાણામાં પ્લાસ્ટીક બેગ વિક્રેતાઓમાં પણ બદલાવ રૂપે એક વિક્રેતાએ તો પોતાની દુકાને 50 માઇક્રોન સુધીનાં ઝભલાં, ચમચી, પ્લેટ, વાટકી, સ્ટ્રો વાપરવી નહીં, કાપડ થેલી-કાગળ થેલીનો ઉપયોગ વધારવા બોર્ડ લગાવ્યું છે.

પ્લાસ્ટીક બેગ વિક્રેતા રાજુભાઇ ગુપ્તાએ કહ્યું કે, અમે 50 માઇક્રોનથી ઓછી ક્ષમતાના પ્લાસ્ટીક ઝભલાંનું વેચાણ બંધ કરી દીધું છે. 100 ટકા રીસાઇકલ થાય એવા પ્લાસ્ટીકનો કચરો ગમે ત્યાં ન ફેંકતાં યોગ્ય રીતે નિકાલ કરવો જોઇએ. સ્વચ્છતામાં મદદરૂપ થઇએ અને કાપડ કે કાગળની થેલીનો ઉપયોગ વધારવા અંગે દુકાને બોર્ડ લગાવ્યું છે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દશરથભાઇ પટેલે કહ્યું કે, પાતળા પ્લાસ્ટીકથી પ્રદૂષણ થાય છે, જમીનની ગુણવત્તા નબળી પડે છે. લોકોમાં જાગૃતિ આવી રહી છે. કાગળ, જ્યુટ (કંતાન) બેગની ડિમાન્ડ વધશે. વિસનગર, પાલનપુર, થરાદ, ડીસામાં જ્યુટબેગનાં એકમો શરૂ થયાં છે. કલોલ, છત્રાલમાં ગૃહ ઉદ્યોગ થકી જ્યુટબેગ બને છે.

મહેસાણા નગરપાલિકાએ પ્રતિબંધિત પ્લાસ્ટીક વપરાશ સહિત પબ્લિક હેલ્થ બાયોલોઝના ભંગમાં અત્યાર સુધી રૂ.1,15,650 પેનલ્ટી વસૂલી છે. આ બાયોલોઝમાં 50 માઇક્રોનથી ઓછી જાડાઇની બેગ ઉત્પાદન, વેચાણમાં કે અન્ય કચરા સાથે પ્લાસ્ટીક કચરો ભેગો કરી નગરપાલિકા ફેરીમાં આપવામાં રૂ.એક-એક હજારનો દંડ, ફ્રી પ્લાસ્ટીક બેગ ગ્રાહકને આપનાર વેપારીને કે પ્લાસ્ટીક બેગના વેચાણ માટે પાલિકામાં રજીસ્ટ્રેશન નહીં કરાવનાર વેપારીને રૂ.500 દંડની જોગવાઇ છે.આ કાર્યવાહી સમયાંતરે ચાલુ જ રહેતી હોય છે.