અમદાવાદ, તા. 10
ચાલુ વર્ષે ગુજરાત પર વરસાદની ખાસ્સી એવી મહેરબાની રહી. અને સમગ્ર રાજ્યમાં જરૂરી મહેર કરતાં વધારે પ્રમાણમાં મેઘ મહેર થઈ છે. ત્યારે શાકભાજીના ભાવ આસમાને પહોંચી જતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. સામાન્ય રીતે વરસાદની સીઝનમાં શાકભાજીના ભાવ વધારે હોય છે, પરંતુ વરસાદ બાદ પણ હજુ આ ભાવ ઉતરવાનું નામ નથી લઈ રહ્યાં.
અમદાવાદમાં શાકભાજીના ભાવ
શાકભાજી હોલસેલ(રૂપિયા પ્રતિ કિલો) છૂટક (રૂપિયા પ્રતિ કિલો)
ટામેટા 35થી 40 80થી 90
કોબી 18થી 20 100થી 120
ફૂલાવર 25થી 30 100થી 110
દૂધી 20થી 25 100થી 120
રીંગણા 25થી 30 90થી 100
ભીંડા 20થી 25 70થી 80
કારેલા 15થી 20 80થી 100
કોથમીર 35થી 60 125થી 150
શાકભાજીના વેપારીઓની દલીલ
વધી રહેલા શાકભાજીના ભાવ અંગે હોલસેલ શાકભાજીના વેપારી અહેમદ પટેલ દલીલ કરી રહ્યાં છે કે
તેના કારણે બજારમાં શાકભાજીની આવક ઓછી થઈ રહી છે. અને તેના કારણે ભાવ વધારો કરવાની અમને ફરજ પડી છે.
શાકભાજીના જથ્થાબંધ વેપારીઓની દલીલ ગ્રાહ્ય રાખવામાં આવે તો પણ જે ભાવ જથ્થાબંધ માર્કેટમાં છે તેના કરતા છૂટક વેચનારા વેપારીઓ બેથી ત્રણ ગણો ભાવવધારો લેતા હોય છે. તેમનો ભાવ પર વિસ્તાર પ્રમાણે હોય છે. કારણ કે તેમના પર શાકભાજીના ભાવો લેવા પર કોઈ નિયંત્રણ નથી રહેતું.
છૂટક બજારમાં શાકભાજી મોંઘા
વરસાદ બાદ શાકભાજીના છૂટક બજારમાં તપાસ કરતાં જાણવા મળ્યું કે જથ્થાબંધ માર્કેટમાં મોટાભાગના શાકજીભાના ભાવ કિલોના રૂ.૩૦ થી ૪૦ વચ્ચે છે ત્યારે એ જ શાકભાજીના છૂટક બજારમાં રૂ.૧૦૦ થી ૧ર૦ લેવામાં આવી રહ્યા છે. દા.ત. કારેલાનો ભાવ રૂ.ર૦થી રપની વચ્ચે છે. તે જ કારેલા છૂટકમાં કિલોના રૂ.૮૦ થી ૧૦૦, કોથમીર ૩પ થી ૬૦ કિલો છે. તેનો ભાવ છૂટકમાં રૂ.૧રપ થી ૧પ૦ અને ક્યારેક તો ર૦૦ પણ થઈ જાય છે. લીંબુના ભાવ પણ જથ્થાબંધ બજાર કરતા બે થી ત્રણ ગણા વધારે લેવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
છૂટક વેપારીની દલીલ
છૂટક શાકભાજી વેપારી મગનજી પ્રજાપતિનું કહેવું છે કે છૂટક વેપારી જ્યારે જથ્થાબંધ બજારમાં શાકભાજી લેવા જાય છે ત્યારે ત્યાં ચૂકવવી પડતી મજૂરી, તેમ જ બજારમાં સ્થાનિક મજૂરને બક્ષીસ આપવી પડે છે. આ ઉપરાંત પેટ્રોલ ડિઝલના ભાવ વધારાના કારણે જથ્થાબંધ બજારથી અમારી દુકાન સુધી લાવવાનો ખર્ચો પણ વધી ગયો છે. મગનજી ઉમેરે છે કે, જો શાકભાજી પડી રહે અને બગડી કે સડી જાય તો તેનું નુકશાન પણ છૂટક વેપારીએ જ ભોગવવું પડે છે. આ તમામ ગણતરી મૂકીને જથ્થાબંધ બજાર કરતાં વધારે ભાવે અમારે શાકભાજી વેચવી પડે છે તે અમારી મજબૂરી છે.
શું કહે છે ગૃહિણીઓ?
શાકભાજીના ભાવ ઘટવાના બદલે વધી રહ્યાં છે ત્યારે ગૃહિણીઓ પણ ભાવવધારા અંગે કકળાટ કરી રહી છે. શાકભાજી લેવા આવેલા નિમિષાબહેને કહ્યું કે, જે રીતે ભાવ વધી રહ્યા છે તેને જોતાં આવનારા દિવસોમાં લોકોએ શાકભાજી ખાવાનું બંધ કરી દેવું પડશે. સરકાર દ્વારા શાકભાજીના ભાવને નિયંત્રિત કરવા ચોક્કસ આયોજન કરવું જોઈએ. જે રીતે દરેક શાકના ભાવ આજે છે તેના કારણે સામાન્ય લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે. જિજ્ઞાબહેન કહે છે કે, ચાલુ વર્ષે વરસાદ સારો પડ્યો એ રાજ્ય માટે સારી વાત છે. એક બાજુ દેશમાં મંદીનો માર અને બીજી બાજુ વિવિધ વસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે ત્યારે નોકરિયાત વર્ગને વધારે સહન કરવાનો વારો આવ્યો છે. સરકારે આ મામલે કોઈ નક્કર નિર્ણય કરવો જોઈએ.
એપીએમસી શું કહે છે?
શાકભાજીના ભાવ જે રીતે વધી રહ્યા છે તે અંગે અમદાવાદ એપીએમસીના પૂર્વ ચેરમને કેતન પટેલ કહે છે, જે રીતે આ વર્ષે વરસાદ પડ્યો છે તેને કારણે મોટાભાગના શાકભાજીના પાકમાં નુકશાની આવી છે. વધારે વરસાદના કારણે શાકભાજીના પાકને જેટલાં પ્રમાણમાં પાણી જોઈએ તેના કરતાં વધારે પાણી મળતાં શાકભાજીના ઉત્પાદનમાં મોટો ઘટાડો નોંધાયો છે. અને આ સ્થિતિ હજુ 10થી 15 દિવસ રહે એવી શક્યતાઓ છે. તેઓ કહે છે કે, દરવર્ષે જે પ્રકારે વરસાદ પડતો હતો તેના કરતાં આ વર્ષે અલગ રીતે વરસાદ થયો છે. દરવર્ષે ઉત્તરગુજરાતમાં વરસાદ પડ્યો હોય તો સૌરાષ્ટ્ર કે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ રહ્યો હોય તો તે વિસ્તારમાં પાકતાં શાકભાજી શહેરના બજારોમાં આવતા હતા. અને આમ ભાવ નિયંત્રણમાં રહેતા હતા. પરંતુ આ વખતે રાજ્યના તમામ વિસ્તારોમાં લગભગ એકસરખો વરસાદ પડવાના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે.