શાકભાજીના વેપારીઓએ પ્લાસ્ટિક મુક્ત બનવા રેલી કાઢી લોકોને અપીલ કરી

પાટણ, તા.૦૩

પાટણ શહેરમાં ગાંધી જ્યંતિની ઉજવણી નિમિતે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે દેવીપૂજક સમાજ અને પાલિકા દ્વારા રેલી યોજી શહેરીજનો અને વેપારીઓને અપીલ કરી હતી. તેમજ શહેરીજનોને શાકભાજી લેવા માટે પાલિકા દ્વારા કાપડની થેલીનું વિતરણ કરાયું હતું. જિલ્લાના અધિકારીઓ પણ બજારોમાં ફરી વેપારીઓને પ્લાસ્ટિક ઉપયોગ ન કરવા અપીલ કરી હતી.

શહેરમાં દરરોજ 100 થી 150 કિલો પ્લાસ્ટિકનો વપરાશ થાય છે, ત્યારે હાલમાં નાના વેપારીઓને પેકીંગ માટે કાપડની થેલીઓ મંગાવવામાં આવી છે. પ્લાસ્ટિકના હોલસેલના વેપારી સુનિલ ઠક્કરે જણાવ્યું હતું કે, શહેરમાં પ્લાસ્ટિકના વેપારીઓએ સ્વેચ્છાએ તંત્રની સૂચના બાદ સિંગલ યુઝ પ્લાસ્ટિકનું વેચાણ બંધ કરી દીધું છે. હાલમાં 51 માઇક્રોકોન પ્લાસ્ટિકની થેલીઓનું વેચાણ કરે છે અને શહેરમાં અંદાજે રોજ 100 થી 150 કિલો પ્લાસ્ટિકનો વપરાશ થાય છે. પ્લાસ્ટિક મુક્ત અભિયાનને લઇ હાલમાં 50 ટકા પ્લાસ્ટિકનું વેચાણ ઘટ્યું છે.

વેપારી મંડળના પ્રમુખ મહાસુખભાઈ મોદીએ જણાવ્યું હતું કે, કરીયાણાના વેપારીઓને 100 -200 કે 500 ગ્રામ વસ્તુ આપવા માટે કાપડની થેલીઓ ઉપયોગ લઇ શકાતી નથી. જેથી હાલમાં મજબૂરીએ પ્લાસ્ટિકની થેલીમાં આપીએ છીએ પરંતુ વેપારીઓએ નાની કાપડની થેલીઓ મંગાવી છે, જે આવ્યા બાદ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરીશું.