શામળાજી પોલીસે ૪ કારમાંથી વિદેશી દારૂ સાથે ૬ બુટલેગરોને પકડતા ફફડાટ

હીંમતનગર, તા.૨૨

રાજસ્થાનને અડીને આવેલી અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદો અને શામળાજી રતનપુર ચેકપોસ્ટ બુટલેગરોમાં સેફ હેવન તરીકે જાણીતી છે. શામળાજી પોલીસે ને.હા.નં-૮ પર અને અંતરિયાળ માર્ગો પર સઘન ચેકીંગ હાથધરી ૬ કલાકના સમયગાળામાં ૪ કારમાંથી લાખ્ખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી ૬ બુટલેગરોને જેલના સળિયા પાછળ ધકેલી દઈ સપાટો બોલાવતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો હતો.

ગતરોજ રાત્રિના સુમારે, શામળાજી પીએસઆઈ સંજય શર્મા અને તેમની ટીમે શામળાજીના માર્ગો પર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથ ધરાતા ધડાધડ ૪ કારમાંથી વિદેશી દારૂ ઝડપી પાડવાની કામગીરી વહેલી સવાર સુધી ચાલી હતી. જેમાં આઈ-૨૦ કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૬૨૪ મળી કુલ.રૂ.૪૬૬૧૪૦/-નો મુદ્દામાલ જપ્ત કરી મોહનભાઇ બરંડાની ધરપકડ કરી હતી. વાઘપુર ગામ નજીકથી પસાર થતી સ્વીફ્ટ કારમાંથી વિદેશી દારૂ બોટલ નંગ-૧૨૦, સહીત રૂ.૪૭૩૫૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરી સંજય હડૂલા અને જ્યોતિષ ભીલને દબોચી લીધા હતા. નાના કંથારીયા નજીકથી પસાર થતી બલેનો કારની બોનેટમાં સંતાડીને ઘુસાડાતા દારૂના કીમિયાને પણ નિષ્ફળ બનાવી કારની બોનેટમાં સંતાડી રાખેલા વિદેશી દારૂના નંગ-૧૦૦૮/- સાથે ભાવેશ માવજી વરાહતની ધરપકડ કરી કુલ.રૂ.૬૫૦૯૦૦/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. રામેળા ગામ નજીકથી અન્ય એક ટાટા કારમાંથી પ્રકાશચંદ્ર ઢાકા અને કનુસિંહ ચૌહાણને ઝડપી પાડી કારમાંથી દારૂના નંગ-૯૬૦ મળી કુલ.રૂ.૪૫૧૦૦૦/-નો મુદ્દામાલ ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.

શામળાજી પોલીસે ૪ કારમાંથી ઝડપાયેલા ૬ શખ્સો અને વિદેશી દારૂ ભરી આપનાર અને મંગાવનાર શખ્સો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.