મહેસાણા, તા.૨૨
સાયકલ લઇને શાળાએ જઇ રહેલી વિદ્યાર્થિનીને આંતરી બાઇક પર અપહરણ કરી નિર્જન ખેતરમાં લઇ ગયેલા યુવકે તેની સાથે અઘટીત માંગણી કરી હતી. ઘટના સમયે પ્રતિકાર કરનાર કિશોરીનું તેના જ દુપટ્ટા વડે ગળેટૂંપો આપી ખૂની હુમલો કરી નાસી ગયો હતો. સારવાર લીધા બાદ ઘરે આવેલી કિશોરીની ફરિયાદ આધારે ઊંઝા પોલીસે યુવક સામે અપહરણ, છેડતી, પોક્સો અને ખૂનની કોશિશ અંગે ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
ઊંઝા તાલુકાના ઉપેરા ગામના દેથલીપરામાં રહેતી 14 વર્ષની કિશોરી ગત 6 સપ્ટેમ્બરે સવારે 9.30 વાગ્યે ઘરેથી સાયકલ લઇને ગામમાં સ્કૂલે જવા નીકળી હતી. ગામની સીમમાંથી પસાર થઇ રહી હતી, ત્યારે બાઇક લઇને આવેલા ગામના કિર્તીજી ગાંડાજી ઠાકોરે આંતરી હતી. યુવકે ભાગવાનો પ્રયાસ કરતી વિદ્યાર્થિનીનું દફતર ખેંચતાં તે સાયકલ લઇને જમીન પર પટકાતાં ઇજા થઇ હતી. આ સમયે વિદ્યાર્થિનીનું તેના ભાઇને મારી નાખવાની ધમકી આપી બાઇક પર અપહરણ કરી ગયેલો કિર્તીજી તેણીને નેળિયાના માર્ગે એક ખેતરમાં લઇ ગયો હતો. અહીં તેણે શારીરિક સંબંધ બાંધવાની માંગણી કરતાં જ ભયભીત વિદ્યાર્થિનીએ તેનો પ્રતિકાર કર્યો હતો. જેથી ઉશ્કેરાયેલા કિર્તીજીએ વિદ્યાર્થિનીને તેના જ દુપટ્ટાથી ગળે ટૂંપો આપવા પ્રયાસ કર્યો હતો. અર્ધબેભાન અવસ્થામાં ફસડાઇ પડેલી કિશોરી મરી ગઇ હોવાનું માની કિર્તીજી ઠાકોર બનાવ સ્થળેથી ભાગી ગયો હતો. સારવાર બાદ કિશોરીએ ઊંઝા પોલીસ સ્ટેશનમાં કિર્તીજી ગાંડાજી ઠાકોર સામે અપહરણ, છેડતી, પોક્સો અને ખૂનની કોશિશ અંગે ફરિયાદ નોંધાવી હતી.
ભયભીત કિશોરીએ કાઉન્સેલીંગ બાદ ફરિયાદ કરી ગંભીર હાલતમાં કિશોરીને અમદાવાદ સિવિલમાં લઇ જવાઇ હતી. 12 દિવસની સારવાર બાદ ઘરે લઇ જવાયેલી કિશોરી માનસિક રીતે અસ્વસ્થ અને ભયભીત હોઇ પરિવારે તેને સાંત્વના આપી ડર દૂર કરતાં આખરે તેણીએ ફરિયાદ દાખલ કરવા નિર્ણય લીધો હતો.
શાળામાંથી ફોન આવ્યો અને પરિવારે શોધખોળ કરી કિશોરી શાળામાં પહોંચી ન હોવાનો બપોરે 11 વાગ્યે શિક્ષકે વાલીને ફોન કરતાં જ પરિવારમાં દોડધામ મચી ગઇ હતી. સતત 4 કલાકની શોધખોળને અંતે કિશોરી ગામની સીમમાંથી અર્ધબેભાન અવસ્થામાં મળી આવી હતી અને તેની માતાના કહેવા મુજબ અમદાવાદ સિવિલમાં તેણીને 3 દિવસે ભાન આવ્યું હતું. બાદમાં ફરિયાદ નોંધાવતાં પોલીસ દોડતી થઇ ગઇ હતી.
મોટાનાયતા ગામની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું
સરસ્વતી તાલુકાના મોટા નાયતા ગામની સગીરાને લલચાવી ફોસલાવી અપહરણ મહિલા અપહરણ કરી ગઈ હતી. તેણીને જાનથી મારી નાખવાની ધમકી આપી અલગ-અલગ સ્થળે રાખી તેણીની મરજી વિરુદ્ધ સાંતલપુર તાલુકાના ઝઝામ ગામના દેવ ખેતાજી ઠાકોરે દુષ્કર્મ આચર્યું હતું. આ શખ્સની ચુંગાલમાંથી છટકેલી સગીરાએ વાગડોદ પોલીસમાં ઝઝામના દેવ ઠાકોર, દુધારામપુરાના પ્રવિણજી ઠાકોર, એક મહિલા સહિત ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.