પ્રશાંત દયાળ
અમદાવાદ, તા.28 ધર્મનો ઉત્સવ ઉજવાય તેની સામે આપણને કોઈને વાંધો હોતો નથી, પણ ધર્મનો ઉન્માદ કયારેય સમાજને કોઈ ફાયદો કરતો નથી. આપણે ત્યાં ધાર્મિક અને લગ્ન પ્રસંગે નિકળતા વરઘોડાઓ શહેરના ટ્રાફિકને છીન્ન-ભીન્ન કરી નાખે છે. પણ તમે આ મામલે વાંધો લો તો હિન્દુ વિરોધી અથવા ધર્મ વિરોધી હોવાનો થપ્પો મારી દેવામાં આવે છે. તા 2 સપ્ટેમ્બરથી ગણેશ ઉત્સવ શરૂ થશે, હવે તો મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ સામૂહિક ગણેશ ઉત્સવ છેલ્લાં કેટલાંય વર્ષોથી ઉજવાય છે. આ પ્રકારના સામૂહિક ગણેશ ઉત્સવ માટે પોલીસ મંજૂરીની જરૂર હોય છે. હાલમાં અમદાવાદ પોલીસ કમિશનર કચેરીમાં ગણેશ ઉત્સવની મંજૂરી માગતી બસો કરતા વધારે અરજી આવી ગઈ છે. આશ્ચર્ય વચ્ચે છેલ્લાં પંદર વર્ષથી ગણેશ સ્થાપન કરતા એક ગણેશ મંડળ દ્વારા શહેરમાં ચાલી રહેલા મેટ્રોના કામ વખતે જાહેર રસ્તા ઉપર ગણેશ સ્થાપન થાય તો શહેરમાં ટ્રાફિકની સમસ્યા થશે તેવા કારણસર તેઓ જાહેરમાં ગણેશ સ્થાપન કરશે નહીં તેવી અરજી આવી, જેમાં લખ્યું છે કે શહેરના ટ્રાફિકને અડચણરૂપ થવું નહીં તે પણ ગણેશની જ સેવા છે.
અમદાવાદના શહેરના સંવેદનશીલ વિસ્તારમાં જેની ગણતરી થાય છે તેવા શાહપુર વિસ્તારમાં આવેલી સદુમાતાની પોળમાં અંદરના ભાગે ગણેશ સ્થાપન થતું હતું. પોળની અંદર જગ્યાનો અભાવ હોવાને કારણે જાહેર રસ્તા ઉપર મંડપ બાંધી ગણેશ સ્થાપન કરવામાં આવતું હતું. છેલ્લાં 15 વર્ષથી આ પ્રકારે રસ્તા ઉપર ગણેશ સ્થાપન થાય છે. આ કાર્યક્રમ માટે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા મંજૂરી પણ અપાતી હતી અને હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હતા. શહેર પોલીસ દ્વારા પણ આ કાર્યક્રમ માટે જરૂરી સહકાર અને બંદોબસ્ત આપવામાં આવતો હતો.
અમદાવાદ પોલીસ કમિશનરને શાહપુરના ગણેશ સેનાના પ્રમુખ પુ્ર્વેશસિંહ રાઠોડ અને મહામંત્રી સમીર ભાવસારના નામે મળેલી અરજીમાં જણાવાયું છે કે શાહપુરથી દિલ્દી દરવાજા વચ્ચે મેટ્રોની કામગીરી ચાલતી હોવાને કારણે આ રસ્તો છેલ્લાં છ મહિનાથી બંધ કરી દેવામાં આવ્યો છે. તેથી નાના વાહનો શાહપુર હલીમની ખડકીવાળા રસ્તા ઉપરથી પસાર થાય છે. આમ દિવસ દરમિયાન હજારો વાહન ચાલકો આ રસ્તાનો ઉપયોગ કરે છે. આ જ માર્ગ ઉપર દરેક વર્ષે મંડપ બાંધી જાહેરમાં ગણેશ સ્થાપન કરીએ છીએ, પણ જો આ વર્ષે ગણેશ સેના આ કાર્યક્રમ કરે તો આ રસ્તાનો ઉપયોગ કરનારા હજારો વાહન ચાલકો દર્શનાર્થીની ભીડને કારણે અટવાઈ જાય તેમ છે. આ સ્થિતિને ધ્યાનમાં લેતા ગણેશ સેના દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે શહેરના ટ્રાફિકને અડચણ રૂપ નહીં થઈને પણ ગણેશ સેવા થઈ શકે છે, તેથી અમે આ વખતે ગણેશ સ્થાપન કરવાના નથી.
દર કલાકે ચાર હજાર વાહનો આ રસ્તે પસાર થાય છે
આપણે ત્યાં સામાન્ય રીતે ધર્મની વાત આવે ત્યારે તંત્ર અને લોકો સામ-સામે આવી જતા હોય છે. ધર્મના નામે આપણે અમારો અધિકાર છે, અમારી ધાર્મિક લાગણી છે તેવા વિવિધ કારણો આપી તંત્રની અને પ્રજાની સમસ્યા સમજવાનો ઈનકાર કરી આખી વાત અહંમ ઉપર આવી ઊભી રહી જાય છે. પણ શાહપુરની ગણેશ સેનાના કાર્યકરોએ આ નિર્ણય કરતા પહેલાં સવારથી સાંજ સુધી રસ્તા ઉપર બેસી સર્વે કર્યો કે રસ્તા ઉપર દર કલાકે કેટલા વાહનો પસાર થાય છે. જેમાં એક અંદાજ આવ્યો કે શાહપુર હલીમની ખડકી જતા અને તે તરફથી કલાકના ચાર હજાર વાહનો દિવસ દરમિયાન પસાર થાય છે. આમ એક તરફ મેટ્રોને કારણે રસ્તો બંધ છે બીજી તરફ ગણેશ સ્થાપન થાય તો દર કલાકે ચાર હજાર વાહન ચાલકો પસાર થાય છે. તેમને કલાકો સુધી ટ્રાફિકમાં અટવાઈ જવું પડે. આમ આ સર્વે બાદ નિર્ણય લેવામાં આવ્યો કે આપણે આ વર્ષ પુરતું ગણેશ સ્થાપન અહિંયા કરીશું નહીં.
ગુજરાતી
English

