સોમનાથ,તા:19 સિંહ કરતાં દીપડા માનવ જાત માટે વધુ ભયજનક બની રહ્યા છે. ગીરના દીપડા માનવભક્ષી બની ગયા છે. છેલ્લા બે મહિનામાં દીપડા દ્વારા હુમલા કરીને 10 માનવીનો શિકાર કરીને જીવ લીધા છે. ગીર જંગલના દીપડા જંગલની બહાર નીકળીને વસતી વધારીને લોકો અને પાલતુ પશુ પર હુમલા કરી શિકાર કરતાં હોવાથી તેને ફરી જંગરમાં ધકેલી દેવાની માંગણી સાથે આસપાસના ગામના લોકોએ દીપડા ભગાવો આંદોલન શરૂ કર્યું છે.
વિસાવદર વિસ્તારના સરપંચો દીપડા પકડવા માટે આંદોલન ચલાવી રહ્યાં છે. સરપંચોના યુનિયન દ્વારા વન વિભાગની રેન્જ ઓફિસ સામે ધરણાં કરીને આવેદન પત્ર પાઠવીને દીપડાને રેવન્યુ વિસ્તારમાંથી પરત જંગલમાં મૂકવા માંગણી કરીને રેલી કાઢી હતી. ભાજપ સરકારના પ્રધાનો અને ધારાસભ્યોએ દેખાવ ખાતર આ આંદોલનની સાથે હોય તેમ તેઓ કોઈ પગલાં લેવડાવતાં નથી.
વિસાવદરના 74 ગામોનો વિરોધ
વિસાવદર તાલુકાના 74 ગામોના લોકોએ સરપંચ મંડળ બનાવીને આ આંદોલન છેડી દીધું છે. સરપંચ મંડળના પ્રમુખ જગદીશ રામાણી તેની આગેવાની લઈ રહ્યાં છે. છેલ્લા બે મહિનામાં દીપડા દ્વારા હુમલાના 22 બનાવો બન્યા છે. અસંખ્ય પાલતુ પશુઓનો શિકાર કર્યો છે.
તેથી દીપડાને પકડીને પરત જંગલમાં છોડી આવવાની માંગણી કરવામાં આવે છે. ખેડૂતોને દિવસે વીજળી આપવાની માંગણી કરી હતી, જેથી ખેડૂતોએ રાતના સમયે ખેતરમાં જવું ન પડે અને હિંસક પશુઓના હુમલાથી બચી શકાય.
ધારાસભ્ય રિબડિયાની માંગ
વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ ત્રાસ અને રંજાડમાંથી મુક્તિ મળી શકે તે માટે માનવભક્ષી દીપડાને પકડીને વનમાં પરત મૂકી આવવા તેમજ સરકાર દ્વારા ખેડૂતોને દિવસે થ્રી ફેઈઝ પાવર આપવાની માંગણી કરી છે. ખેડૂતોને પોલીસ રક્ષણ આપવાની પણ માંગણી કરી છે. લોક અધિકાર મંચના પ્રવીણ રામે બે મહિના અગાઉ ભાવનગર અને અમરેલી જિલ્લાના દીપડાઓને જંગલમાં ભગાડવા માટે સ્થાનિક અધિકારીઓ સમક્ષ માંગણી કરી હતી.
અમે તો જંગલમાં જ છોડીએ છીએ
ગીર ઈસ્ટ વાઈલ્ડ લાઈફના ડીસીએફ ડૉ. પોપટ ગાર્ડીએ જણાવ્યું હતું કે, દીપડાને પકડીને જંગલમાં મૂકી આવવામાં આવે છે. વન વિભાગ દ્વારા દેખરેખ રાખવામાં આવે છે. વસ્તી વધી હોવાથી દીપડા જંગલ વિસ્તારની બહાર નીકળી આવતા હોય છે અને તે ત્યાં જ પોતાનું રહેણાંક બનાવી લેતા હોય છે. કારણ કે બહારના વિસ્તારમાં તેમને સરળતાથી શિકાર મળી જતાં હોય છે.
1100 દીપડાની વસતી
ગીરના જંગલ અને તેની આસપાસના વિસ્તારમાં દીપડાની સંખ્યા આશરે 1100થી વધુની છે. જ્યારે સિંહની વસ્તીમાં પણ વધારો થયો છે. પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા નથી. માનવ વસ્તીમાં પ્રવેશેલા સિંહ કરતાં દીપડા વધુ ભયજનક અને હિંસક ગણાય છે. સિંહ કારણ વિના માનવી ઉપર હુમલો કરતો નથી. જ્યારે દીપડો એક ચાલક પ્રાણી છે અને તે ગમે ત્યારે માનવીનો શિકાર કરે છે. દીપડો મહિલાઓ અને નાના બાળકોને પોતાનો શિકાર બનાવે છે.
કપાસનું વાવેતર કારણ
ખેડૂતો કપાસનું વાવેતર વધુ પ્રમાણમાં કરી રહ્યા છે. કપાસના છોડ ત્રણ ચાર ફૂટથી ઊંચા થતાં હોવાથી દીપડા તેની આડમાં છુપાઈ રહે છે.
વળતરમાં વધારો
માનવ મૃત્યુ અને ઘાયલ તેમજ શારીરિક ખોટના કિસ્સામાં અપાતા વળતરની રકમને અનુક્રમે રૂ. 10 લાખ અને પાંચ લાખ કરવા સહિત 13 માંગણીઓ ખેડૂતોએ વન વિભાગ તરફથી ગીર પશ્ચિમના ડીસીએફ ધીરજ મિત્તલ, ગીર સોમનાથના ડીસીએફ શોભિતા અગ્રવાલ અને ગીર પૂર્વના ડીસીએફ પોપટ જી. ગાર્ડી સમક્ષ કરી છે.