શિક્ષણની સાથે ઔષધિય જ્ઞાન આપે છે ગોરીયાફળોની શાળા

હિંમતનગર, તા.૧૪
ખેડબ્રહ્મા તાલુકાની ગોરીયાફળો સરકારી પ્રાથમિક શાળામાં 1 થી 5 માં 111 વિધાર્થીઓ અભ્યાસ કરે છે. આ શાળામાં નાના બાળકોને પ્રકૃતિના ખોળે રહી પ્રકૃતિ અને આયુર્વેદનુ શિક્ષણ આપવામાં આવે છે.

આધુનિક શિક્ષણને પ્રાકૃતિક શિક્ષણ સાથે જોડી અહીં બાળકોને આયુર્વેદનુ શિક્ષણ આપવામાં આવે છે. શાળાના આચાર્ય મહેશભાઇ જણાવે છે કે, આ શાળામાં એક ઔષધ બાગ બનાવાયો છે. જેમા જુદા-જુદા ઔષધિય રોપાઓનો ઉછેર કરવાની સાથે તેના ઔષધિય ગુણોનુ શિક્ષણ બાળકોને આપવામાં આવે છે. આ શાળાના બાળકો માટે મધ્યાહન ભોજન માટેની શાકભાજીનો ઉછેર અહીં જ કરવામાં આવે છે જેમાં કોઇ પણ જાતની રાસાયણિક દવા-ખાતરનો ઉપયોગ કરાતો નથી. આ વિસ્તારની જમીન અગ્નિકૃત ખડકોમાંથી બનેલી છે જેથી અહિં તળાવની માટી લાવીને નાના છોડવાઓનો ઉછેર થાય છે.

શિક્ષકો અને બાળકોના પુરુષાર્થ થકી આ શાળામાં આજે 450 થી વધુ નાના-મોટા છોડ અને વૃક્ષો ઉછેર્યા છે. આ શાળામાં છોડવા અને વૃક્ષોને પાણી આપવા માટે ટપક પધ્ધતિનો ઉપયોગ કરાય છે. જેથી બાળકોમાં પાણીની બચતનો અભિગમ પણ કેળવાય અને પાણીનુ મૂલ્ય સમજાય છે. રોપાઓનો ઉછેર અને તેના ફાયદા બાળકો જાણે છે શતાવરી જેવી ઔષધીનો ઉપયોગ અને તેના ગુણો ધોરણ 5 ના બાળકો જાણે છે. શાળાના બાળકો અને શિક્ષકોની મહેનતના ફળસ્વરૂપ આજે આ શાળા વૈદિકશાળા બની છે.

શાકભાજીમાં : રીંગણ, મરચાં, ટામેટાં, ગવાર, ભીંડા, દુધીનો સમાવેશ થાય છે.
ઔષધ બાગના રોપામાં : તુલસી, લીલી ચા, પાનકુટ્ટી, અરડુસી, મીઠો લીમડો, કુવરપાઠુંનો સમાવેશ થાય છે.
અન્ય રોપામાં : સપ્તપર્ણી, દાડ્મ, જામફળ, જાંબુ, લીમડો, સરગવો, મેંદી, જાસુદ, ગુલાબ, પીપળા, આસો પાલવ, આમલી, કરણ, શરૂ, સીસમ, ખીજડો, અરડુસા, કાંઠુ, મોગરા, મહુડા, આંબા, આંબળા, કણજી, કેળ, એરીકા પાનનો સમાવેશ થાય છે.