શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને મોટો ઝટકો લાગ્યો છે, તેમની જીતને પડકારતી અરજી મામલે ગુજરાત હાઈકોર્ટે સ્વીકાર્યું છે કે રિટર્નિંગ ઓફિસર ધવલ જાનીની ભૂમિકા શંકાસ્પદ હતી, અને મતગણતરી દરમિયાન ગરબડ થઈ હોવાનો પણ સ્વીકાર કર્યો છે, આ સિવાય કોર્ટે ધવલ જાનીને પક્ષકાર પણ બનાવ્યો છે, 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો ધોળકા બેઠક પરથી 327 મતે વિજય થયો હતો, અને બાદમાં ગડબડીના આરોપ સાથે આ મામલો ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો હતો.
કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે હાઈકોર્ટમાં આ જીતને પડકારી હતી, આ અરજી મુજબ ચૂંટણીમાં પોસ્ટલ બેલેટના 427 મત રદ કર્યાં હતા. જો ચૂંટણી અધિકારીએ તે રદ્ કર્યા ન હોત તો ભૂપેન્દ્રસિંહ જીતી શક્યા ન હોત, ત્યાર બાદ ભૂપેન્દ્રસિંહે આ અરજી રદ કરવા માટે હાઈકોર્ટમાં પિટીશન કરી હતી, જેને હાઈકોર્ટે ફગાવી દીધી હતી અને સુપ્રીમે પણ આ અરજી નામંજૂર કરી હતી, બીજી તરફ ધવલ જાનીએ હાઈકોર્ટ સમક્ષ જુબાનીમાં સ્પષ્ટ કર્યું હતું કે, સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે, પોસ્ટલ બેલેટની ગણતરી 11.38થી 11.48 વાગ્યા દરમિયાન થઈ હતી, રાઠોડે અરજીમાં માંગ કરી હતી કે, ઈવીએમમાં 29 મતો હતા, છતાંય તેને અધિકારીઓ દ્વારા ગણતરીમાં લેવાયા ન હતા, તેમણે એમ પણ કહ્યું કે, ધોળકા બેઠક પર 1,59,946 મત પડ્યા હતા જ્યારે, મત ગણતરીમાં 1,59,917 મત જ ગણતરીમાં લેવામાં આવ્યાં છે,એટલે કે ભૂપેન્દ્રસિંહ પર આરોપ છે કે તેઓ ખોટી રીતે ચૂંટણી જીત્યાં છે.